Stock Market : છેલ્લા એક વર્ષમાં IPOની કતાર લાગી હોય તેવો માહોલ સર્જાયો છે. બજારમાં એક પછી એક IPO આવી રહ્યા છે. રોકાણકારોએ પણ તેમને વધાવી લીધા છે. તાજેતરમાં જ ઝોમેટોના IPOમાં અનેક રોકાણકારોએ રસ દાખવ્યો હતો. ત્યારે હવે વધુ એક IPO શેર માર્કેટમાં આવવા તૈયાર છે. આ IPO પોલિસી બજાર (Policybazar)ની પેરેન્ટ કંપની PB Fintechનો રહેશે. કંપની IPOના માધ્યમથી રૂ. 6500 કરોડ એકત્ર કરવાની તૈયારી કરી રહી છે. CNBC-TV18ના મત મુજબ કંપનીએ ગત 5 જુલાઈએ એકસ્ટ્રા ઓર્ડિનરી જનરલ બોર્ડ (EGM)માં IPO માટે બોર્ડની મંજૂરી લઈ લીધી છે.
ત્યારે જાણવા મળ્યું છે કે PB Fintech હવે પબ્લિક લિમિટેડ કંપનીમાં ફેરવાશે. અગાઉ મની કંટ્રોલે અહેવાલ આપ્યા હતા કે, પોલિસીબજાર જુલાઈ મહિનામાં ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) દાખલ કરી શકે છે. નવેમ્બર મહિનામાં IPO લાવવાની કંપનીની યોજના છે. ઈશ્યુ માટે કંપનીનું વેલ્યુએશન 4-5 અરબ ડોલર આંકવામાં આવી શકે છે.
પોલિસીબજાર શું છે?
પોલિસીબજાર એ ઓનલાઇન ઇન્શ્યોરન્સ એગ્રીગેટર છે. તમે તેના પ્લેટફોર્મ પર વીમા કંપનીઓની પ્રોડક્ટ વિશેની દરેક માહિતી મેળવી શકો છો. થોડા સમય પહેલાં કંપનીએ વીમા પોલિસી વેચવાનું લાઇસન્સ પણ મેળવ્યું હતું. આ કંપનીમાં જાપાની કંપની સોફ્ટબેંક દ્વારા રોકાણ કરવામાં આવ્યું છે.
નાણાંકીય વર્ષ 2020માં પોલીસીબજારને રૂ. 218 કરોડનું નુકશાન થયું હતું. તે વર્ષમાં કંપનીની આવક રૂ. 515 કરોડ રહી હતી. 2019માં પણ કંપનીને નુકશાન વેઠવું પડ્યું હતું. તે સમયે રૂ. 213 કરોડનું નુકશાન રહ્યું હતું અને આવક રૂ. 310 કરોડ થઇ હતી. પોલિસીબજારની આવક હવે બમણી અને નુકશાન અડધું થઈ ગયું હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
2008માં યાશીષ દહીયાએ પોલિસી બજારનો પ્રારંભ કર્યો હતો. તેઓ સૈન્ય પરિવારના છે. જેથી તેઓ પણ સેનામાં ભરતી થવા માંગતા હતા. આ જ કારણે તેમણે ડોકલામ સંઘર્ષ સમયે ચીનના રોકાણકારો પાસેથી ફંડ લેવાની ના પાડી દીધી હતી. ભારત ચીન વચ્ચે થયેલા ઘર્ષણ વચ્ચે તેઓ કંપનીમાં ચીનના ટેનસેન્ટનો હિસ્સો પણ ખરીદવા માંગતા હતા.
ઉલ્લેખનીય છે કે, કંપનીએ પોતાના બિઝનેસ સેગમેન્ટમાં ખૂબ જ ઝડપથી જગ્યા બનાવી છે. આ સાથે કંપની બિઝનેસનો વ્યાપ પણ કરે છે. જેથી તેને રોકાણ માટે સારો વિકલ્પ માનવામાં આવે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર