Paytm ઇફેક્ટ? તાજેતરમાં લિસ્ટ થયેલી કંપનીઓના શેર પણ તૂટ્યા, રોકાણકારોએ શું કરવું?

ઝોમાટો શેર

Share Market tips: બે ટ્રેડિંગ સેશન દરમિયાન પેટીએમનો શેર 2150 રૂપિયાની ઇશ્યૂ કિંમતથી 40 ટકા જેટલો તૂટ્યો છે. ઝોમાટોના શેરમાં સાત ટકા, પોલિસીબજારના શેરમાં આઠ ટકાનો ઘટાડો નોંધાયો છે.

  • Share this:
    મુંબઈ: પેટીએમના શેર (Paytm share price)ની કિંમત સતત બીજા ટ્રેડિંગ સેશનમાં ઘટી છે. પેટીએમનો શેર પ્રથમ દિવસે 2150 રૂપિયાની ઇશ્યૂ (Paytm share issue price) કિંમતથી 27 ટકાથી વધુ તૂટ્યો હતો. આજે બીજા દિવસે એટલે કે સોમવારે દિવસ દરમિયાન પેટીએમનો શેર 15 ટકા તૂટ્યો હતો. પેટીએમના શેરમાં ભારે વેચવાલીને પગલે તાજેતરમાં ભારતીય શેર બજારમાં લિસ્ટ થયેલી નાયકા (Nykaa share), પોલિસીબજાર (PolicyBazaar share) અને ઝોમાટો (Zomato Share) સહિત અન્ય કંપનીઓના શેર પણ તૂટ્યા છે. બીજી તરફ બે ટ્રેડિંગ સેશન દરમિયાન પેટીએમનો શેર 2150 રૂપિયાની ઇશ્યૂ કિંમતથી 40 ટકા જેટલો તૂટ્યો છે. ઝોમાટોના શેરમાં સાત ટકા, પોલિસીબજારના શેરમાં આઠ ટકાનો ઘટાડો નોંધાયો છે. જ્યારે નાયકાના શેરમાં એક ટકા જેટલો ઘટાડો નોંધાયો છે.

    બીજી તરફ બજાર નિષ્ણાતોનું કહેવું છે કે તાજેતરમાં લિસ્ટ થયેલા શેર્સ બજારના નકારાત્મક સેન્ટિમેન્ટને પગલે તૂટી રહ્યા છે. આ શેર્સ મામલે હાલ નિષ્ણાતોએ ઘટાડા સાથે ખરીદી કરવાની સલાહ આપી છે. તેમના કહેવા પ્રમાણે આ શેર્સમાં 3-6 મહિના સુધી રોકાણ જાળવી રાખવાથી સારું વળતર મળવાની આશા છે.

    રોકાણકારોએ કઈ રણનીતિ અપનાવવી?

    મિન્ટના જણાવ્યા પ્રમાણે GCL સિક્યોરિટીઝના નાયબ-ચેરમેન રવિ સિંઘલનું કહેવું છે કે, "ઝોમાટો અને પોલિસીબજારના શેરની કિંમત બજારના નકારાત્મક સેન્ટિમેન્ટને પગલે ઘટી રહી છે. ઝોમાટો અને પોલિસીબજારના શેરને ઘટાડા સાથે ખરીદી કરવાની સલાહ છે. નાયકા અને પેટીએમના શેરમાં આવી સલાહ આપી શકાય તેમ નથી. કારણ કે બંને કંપનીઓનું વેલ્યુએશન સાચું નથી લાગી રહ્યું. ઝોમાટોનો શેર 115થી 125 રૂપિયાની રેન્જ વચ્ચે ખરીદી શકાય છે. 2-3 મહિનામાં આ શેર 165 રૂપિયાના સ્તર સુધી પહોંચી શકે છે. આ સાથે 97 રૂપિયાનો સ્ટૉપલૉસ લગાવવો જરૂરી છે. જ્યારે પોલિસીબજારના શેરની છ મહિનામાં 1320થી 1440 રૂપિયાના ટાર્ગેટ સાથે 1,080 રૂપિયા આસપાસ ખરીદી શકાય છે. આ માટે 1020 રૂપિયાનો સ્ટૉપલૉસ જરૂરથી લગાવો."

    આ પણ વાંચો: Paytmની જેમ આ 10 હાઈ-પ્રોફાઇલ IPO લિસ્ટિંગના દિવસે સાબિત થયા હતા ફૂસ, જાણો તેમના વિશે

    ઝોમાટોના શેર વિશે અભિપ્રાય

    મિન્ટના કહેવા પ્રમાણે ઝોમાટોના શેર વિશે વાત કરતા ચોઇસ બ્રોકિંગના સુમીત બગડિયાએ જણાવ્યું કે, "ઝોમાટોનો શેર ચાર્ટ પર વીક નજરે પડી રહ્યો છે. શેરમાં તાજું બ્રેકઆઉટ શક્ય છે. જો આ શેર 125 રૂપિયા નીચે જાય છે તો તે ત્યાંથી 115 રૂપિયા સુધી સરકી શકે છે. આથી જેમની પાસે ઝોમાટોના શેર હોય તેમણે શેર બાઉન્સ બેક થાય ત્યારે વેચવાની સલાહ આપવામાં આવે છે. માર્કેટ સ્ટેબલ થાય ત્યારે તે લોકો ફરીથી ફ્રેશ પોઝિશન લઈ શકે છે." આ સાથે જ સુમીત બગડિયાએ પોલિસીબજાર સહિત તાજા લિસ્ટ થયેલી કંપનીના શેર્સ વિશે પણ માર્કેટ સેન્ટિમેન્ટ નેગેટિવ રહે ત્યાં સુધી આ જ રણનીતિ અપનાવવાની સલાહ આપી છે.

    (ખાસ નોંધ: અહીં આપવામાં આવેલો અભિપ્રાય જે તે બ્રોકરેજ હાઉસનો છે. ન્યૂઝ 18 ગુજરાતી તરફથી શેરની ખરીદી કે વેચવાની ક્યારેય કોઈ સલાહ આપવામાં આવતી નથી.)
    Published by:Vinod Zankhaliya
    First published: