મુંબઈ: પેટીએમના શેર (Paytm Share)માં આજે સતત પાંચમાં દિવસે ઘટાડો જોવા મળ્યો છે. ગુરુવારે BSE પર Paytmનો શેર કામકાજના અંતે ત્રણ ટકા ઘટીને 1592.35 રૂપિયાના નીચલા સ્તર પર બંધ રહ્યો હતો. પેટીએમનો સ્ટૉક ગત મહિને શેર બજારમાં લિસ્ટ થયો ત્યારથી તેમાં ઉતાર-ચઢાણ શરૂ છે. આજે પેટીએમના શેરની શરૂઆત તેજી સાથે થઈ હતી. શરૂઆતની મિનિટોમાં પેટીએમના શેરમાં બે ટકાની તેજી સાથે 1673.45 રૂપિયાનું સ્તર જોવા મળ્યું હતું. જોકે, થોડા સમયમાં શેર તેજીને કાયમ રાખવામાં નિષ્ફળ રહ્યો હતો. NSE પર બપોરે 3 વાગ્યે પેટીએમનો શેર 2.12 ટકાના ઘટાડા સાથે 1,602.00 રૂપિયા પ્રતિ શેરના સ્તરે ટ્રેડ કરી રહ્યો હતો.
ડિસ્કાઉન્ટ ભાવે લિસ્ટિંગ
Paytmના શેરમાં 18મી નવેમ્બરના રોજ લિસ્ટિંગના દિવસે 27 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. એ દિવસે શેરમાં લોઅર સર્કિટ લાગી હતી. Paytmનો આઈપીઓ પોતાની 2150 રૂપિયાની ઇશ્યૂ કિંમત કરતા 9 ટકા ડિસ્કાઉન્ટ સાથે 1950 રૂપિયા પર લિસ્ટ થયો હતો.
બ્રોકરેજ હાઉસનો અભિપ્રાય
Paytmના શેરને લઈને બ્રોકરેજ હાઉસિસનો અલગ અલગ અભિપ્રાય જોવા મળે છે. બ્રોકરેજ ફર્મ JM Financial તરફથી 1,240 રૂપિયાના ટાર્ગેટ સાથે Paytmના શેર માટે "SELL" રેટિંગ આપવામાં આવ્યું છે. બ્રોકરેજ હાઉસનું કહેવું છે કે Paytm કંપનીએ નવા ગ્રાહકોને જોડવા માટે ખૂબ મહેનત કરવી પડી રહી છે. ધંધામાં કાંટાની ટક્કર જેવી હરીફાઈ પેમેન્ટ બિઝનેસથી મળનારી આવકને ધીમી પાડી શકે છે.
Dolat Capitalનો અભિપ્રાય
જોકે, Dolat Capital તરફથી Paytmના શેર માટે BUY રેટિંગ આપવામાં આવ્યું છે. આ સાથે બ્રોકરેજ હાઉસે પેટીએમના શેર માટે 2,500 રૂપિયાનો ટાર્ગેટ નક્કી કર્યો છે. બ્રોકરેજ હાઉસે કહ્યુ કે, Paytm હવે લોકોની દૈનિક જરૂરિયાત બની ગયું છે. જે તેને ભારતીય ઇન્ટરનેટ ઇન્ડસ્ટ્રીના સૌથી મોટી ડિજિટલ બ્રાન્ડનું સ્થાન આપશે. આગામી 10 વર્ષમાં પેટીએમની આવક વાર્ષિક ધોરણ 40%થી વધશે તેવી આશા બ્રોકરેજ ફર્મ તરફથી વ્યક્ત કરવામાં આવી છે.
જ્યારે વિદેશી બ્રોકરેજ ફર્મ Macquarieનું કહેવું છે કે Paytmvના બીજા ત્રિમાસિકનું પરિણામ જાહેર થયા બાદ સ્ટૉકનું પ્રદર્શન ખરાબ રહી શકે છે. બ્રોકરેજ પેઢીએ Sell રેટિંગ સાથે પેટીએમના શેર માટે 1200 રૂપિયાનો ટાર્ગેટ યથાવત રાખ્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર