અંગ્રેજોના જમાનાથી લોકોના દિલમાં વસે છે Parle-G, જાણો અત્યાર સુધીની તેની સફર

અંગ્રેજોના જમાનાથી લોકોના દિલમાં વસે છે Parle-G, જાણો અત્યાર સુધીની તેની સફર

લોકડાઉનમાં પારલે-જી બિસ્કીટે એક નવો રેકોર્ડ બનાવ્યો, પારલે-જી બિસ્કીટનો છેલ્લા 80 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો

  • Share this:
નવી દિલ્હી : સવારે ચાની સાથે જો બિસ્કીટ મળી જાય તો દિવસ સુધરી જાય છે અને મજા બમણી થાય છે. બિસ્કીટ એક એવો નાસ્તો છે, જેને બાળકોથી લઈને વૃદ્ધ પણ પસંદ કરે છે. જો બિસ્કીટની વાત કરવામાં આવે તો સૌથી પહેલા મોઢા પર પારલે-જીનું નામ આવે છે. માત્ર ભારતમાં જ નહીં, પરંતુ સમગ્ર દુનિયામાં આ બિસ્કીટ લોકોને ખૂબ જ પસંદ છે. ભારતમાં સૌથી વધુ પારલે-જી બિસ્કીટનું વેચાણ થાય છે. અનેક લોકો આજે પણ તેમના દિવસની શરૂઆત સવારે ચા સાથે પારલે-જી બિસ્કીટ ખાઈને કરે છે. દરેક વ્યક્તિએ પારલે-જી તો ખાધુ જ હશે. આ બિસ્કીટ ખૂબ જ સસ્તુ અને સ્વાદિષ્ટ છે.

પારલે-જીનો ઈતિહાસ

પારલે-જીનો ઈતિહાસ 82 વર્ષ જૂનો છે. પારલે-જીની શરૂઆત મુંબઈના વિલે પારલે વિસ્તારમાં બંધ પડેલ ફેક્ટરીથી થઈ હતી. વર્ષ 1929માં વેપારી મોહનલાલ દયાળે આ ફેક્ટરીને ખરીદી લીધી, ત્યાં તેમણે કન્ફેક્શનરી બનાવવાનું શરૂ કર્યું. ભારતની પહેલી કન્ફેક્શનરી બ્રાન્ડનું નામ તે જગ્યા પરથી રાખવામાં આવ્યું. જ્યારે ફેક્ટરીની શરૂઆત થઈ ત્યારે તેમાં માત્ર પરિવારના સભ્યો કામ કરતા હતા.

આ ફેક્ટરી શરૂ થયાના 10 વર્ષ બાદ 1939માં ફેક્ટરીમાં બિસ્કીટ બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું. વર્ષ 1939માં પરિવારના આ બિઝનેસને ઓફિશિયલ નામ આપવામાં આવ્યું. પારલે મોટા પાયે બિસ્કીટનું ઉત્પાદન કરવા લાગ્યું. બિસ્કીટ સસ્તા હોવાની સાથે સારી ગુણવત્તા ધરાવતા હોવાને કારણે લોકોને ખૂબ પસંદ આવવા લાગ્યા. તે સમયે આ બિસ્કીટનું નામ પારલે ગ્લૂકો હતું. 1947માં ભારતમાં આઝાદી મળ્યા બાદ અચાનક દેશમાં ઘઉંની અછત વર્તાઈ, જેથી પારલેએ ગ્લૂકો બિસ્કીટનું ઉત્પાદન રોકી દીધું. આ બિસ્કીટનો મુખ્ય સ્ત્રોત ઘઉં હતા.

આ પણ વાંચો - આ જાનવરના મળમાંથી બને છે દુનિયાની સૌથી મોંઘી કોફી, જાણો એક કપ કોફીની કિંમત

80ના દાયકામાં પારલે ગ્લૂકોથી પારલે-જી બન્યું

80ના દાયકા સુધી આ બિસ્કીટને ગ્લૂકો બિસ્કીટ કહેવામાં આવતા હતા, ત્યારબાદ તેનું નામ બદલીને પારલે-જી રાખવામાં આવ્યું. જીનો અર્થ છે જિનીયસ, પારલે શબ્દ મુંબઈના સબઅર્બન એરિયા વિલે પારલે પરથી રાખવામાં આવ્યું. ગ્લૂકો બિસ્કીટથી પારલે-જી થવા પર બિસ્કીટના પેકેટ પરનો ફોટો પણ બદલવામાં આવ્યો.

જૂના પેકેટ પર ગાય અને ગોવાળ યુવતી હતી. જેથી સંદેશ આપવા માંગતા હતા કે બિસ્કીટ ખાવાથી દૂધ જેટલી જ એનર્જી મળે છે. નવા પેકેટ પર જૂનો ફોટો બદલીને એક બાળકીનો ફોટો મુકવામાં આવ્યો.

લોકડાઉનમાં 80 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો

કોરોના સંક્રમણના કારણે ગયા વર્ષે લગાવવામાં આવેલ લોકડાઉનમાં પારલે-જી બિસ્કીટે એક નવો રેકોર્ડ બનાવ્યો છે. પારલે-જી બિસ્કીટનું સૌથી વધુ વેચાણ થતા છેલ્લા 80 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો છે. કંપનીના કુલ માર્કેટ શેરમાં 5% સુધીનો વધારો થયો છે. ભારતમાં પારલે-જીની 130થી વધુ ફેક્ટરીઓ છે અને લગભગ 50 લાખ રિટેઈલ સ્ટોર્સ છે.
First published: