મુંબઈ. Paras defence IPO: પારસ ડિફેન્સનો આઇપીઓ શુક્રવારે શેર બજાર પર લિસ્ટ થશે. ગત અઠવાડિયે પારસ ડિફેન્સનો આઇપીઓ 304 ગણો ભરાયો હતો. ગ્રે માર્કેટ પ્રીમિયમ (Paras defence GMP) પરથી મળી રહેલા સંકેત પ્રમાણે પારસ ડિફેન્સરનો શેર 140% પ્રીમિયમ પર લિસ્ટ થઈ શકે છે. જો 150 ગણાથી વધારે સબ્સક્રાઇબ થયેલા આઇપીઓની હિસ્ટ્રી (IPO subscription history) પર નજર કરીએ તો માલુમ પડશે કે પારસ ડિફેન્સરની શેર બજારમાં ધમાકેદાર એન્ટ્રી થઈ શકે છે.
જોકે, આ તમામ અનુમાન વચ્ચે એક મોટું જોખમ શેર બજારમાં ચાલી રહેલો ઘટાડો છે. આ ઘટાડો રોકાણકારોના દિમાગ પર નકારાત્મક છાપ છોડી શકે છે. સેન્સેક્સ (Sensex) બુધવારે 300થી વધારે અંકના ઘટાડા સાથે બંધ રહ્યો હતો. સોમવારે અને મંગળવારે પણ સેન્સેક્સમાં ઘટાડો નોંધાયો હતો.
આઇપીઓનો ઇતિહાસ (IPO Subscription history)
આઇપીઓનો ઇતિહાસ જોઈએ તો 2017માં સાલાસાર ટેક્નોલોજી એન્જીનિયરિંગ (Salasar techno engineering)નો આઈપીઓ 273 ગણો ભરાયો હતો. એ સમયે સૌથી વધારે સબ્સક્રિપ્સન મળવાનો રેકોર્ડ બન્યો હતો. જે આશરે ચાર વર્ષ સુધી રહ્યો હતો. 23 સપ્ટેમ્બરના રોજ પારસ ડિફેન્સે આ રેકોર્ડ તોડ્યો છે. સાલાસારનો આઇપીઓ જુલાઈ 2017માં 139.35% પ્રીમિયમ પર લિસ્ટ થયો હતો. બીએસઈ પર આ કંપનીનો શેર 259.15 રૂપિયાના ભાવ પર લિસ્ટ થયો હતો. જ્યારે ઇશ્યૂ કિંમત 108 રૂપિયા પ્રતિ શેર હતી.
આ જ રીતે જાન્યુઆરી 2018માં એપોલો માઇક્ર સિસ્ટમ્સ (Apollo micro systems)નો આઇપીઓ 248.51 ગણો ભરાયો હતો. આ આઇપીઓ 73.82% પ્રીમિયમ પર લિસ્ટ થયો હતો. આ શેર બીએસઈ પર 478 રૂપિયા પર લિસ્ટ થયો હતો. જ્યારે ઇશ્યૂ કિંમત 275 રૂપિયા પ્રતિ શેર હતી.
આ જ રીતે એસ્ટ્રોન પેપર એન્ડ બોર્ડ મીલ (Astron Paper & Board Mill)નો આઈપીઓ ડિસેમ્બર 2017માં 243 ગણો ભરાયો હતો. જેમાં રોકાણકારોને 130% લિસ્ટિંગ લાભ મળ્યો હતો. આ વર્ષે પણ ચાર આઈપીઓને 160થી 200 ગણી બીડ મળી હતી. જેમાં MTAR ટેક્નોલોજીસ, તત્વ ચિંતન ફાર્મા, નઝારા ટેક્નોલોજીસ અને ઈઝી ટ્રીપ પ્લાનર્સ સામેલ છે.
જેમાં MTAR technologies 85%, Tatva chintan pharma 95% અને Nazara Technologies 79% પ્રીમિયમ સાથે લિસ્ટ થયા હતા. જ્યારે Easy trip planners આ તમામમાં અપવાદ રહ્યો હતો, જે ફક્ત 13.5% પ્રીમિયમ પર લિસ્ટ થયો હતો. Easy trip plannersનો આઈપીઓ 159 ગણો ભરાયો હતો. એ રીતે જોઈએ તો તેને ખૂબ ઓછો લિસ્ટિંગ ગેન મળ્યો હતો.
આંકડા પરથી માલુમ પડે છે કે હાલ 100 ગણાથી વધારે ભરાયેલા આઈપીઓમાં ફક્ત ઈઝી ટ્રીપ પ્લાનર્સ જ એક એવો આઈપીઓ છે જેને સૌથી ઓછો લિસ્ટિંગ ગેન મળ્યો છે.
Happiest mind technologyનો આઈપીઓ સપ્ટેમ્બર 2020માં 11%ના પ્રીમિયમ પર લિસ્ટ થયો હતો. બર્ગર કિંગ (Burger King)નો આઇપીઓ 92%ના પ્રીમિયમ પર લિસ્ટ થયો હતો. તમામ આંકડા જોતા પારસ ડિફેન્સરનો આઈપીઓ ખૂબ સારા પ્રીમિયમ પર લિસ્ટ થાય તેવી આશા જાગી છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર