મંદીનો માર: ઓટો સેક્ટરમાં ત્રણ મહિનામાં 2 લાખ લોકોએ નોકરી ગુમાવી

ફાઇલ તસવીર

ફેડરેશન ઓફ ઓટોમોબાઇલ ડીલર્સ એસોસિએશને દાવો કર્યો છે કે, છેલ્લા ત્રણ મહિના દરમિયાન ઓટો સેક્ટરને મંદીની અસર પડી છે અને બાઇક, કાર, જેવા વાહનોના વેચાણમાં ઘટાડો નોંધાયો છે

 • Share this:
  મુંબઇ: દેશમાં અર્થતંત્રની હાલત કફોડી બની રહી છે અને ઉદ્યોગો મંદીનાં ભરડામાં ભીંસાઇ રહ્યા છે. ખાસ કરીને ઓટો સેક્ટરમાં મંદીના ભરડામાં ભરાયો છે. છેલ્લા ત્રણ મહિનામાં સમગ્ર દેશમાં ઓટો સેક્ટરમાં 2 લાખ કર્મચારીઓએ નોકરી ગુમાવી છે અને ડિલરો તેમના શોરૂમ બંધ કરી રહ્યા છે.
  એક અંદાજ પ્રમાણે દેશમાં છેલ્લા ત્રણ મહિનામાં 271 શોરૂમ બંધ કરવા પડ્યા છે.

  ફેડરેશન ઓફ ઓટોમોબાઇલ ડીલર્સ એસોસિએશને દાવો કર્યો છે કે, છેલ્લા ત્રણ મહિના દરમિયાન ઓટો સેક્ટરને મંદીની અસર પડી છે અને બાઇક, કાર, જેવા વાહનોના વેચાણમાં ઘટાડો નોંધાયો છે. આ તમામ મંદીના ભણકારા છે. વાહનો વેચાતા ન હોવાને કારણે ડીલરો તેમનો શો રૂમ બંધ કરી રહ્યાં છે. નજીકના ભવિષ્યમાં આ સ્થિતિમાં સુધારો થાય તેમ જણાતું નથી તેમ જાણકારો કહે છે.

  કાર-બાઇક મેન્યુફેક્ચરર્સનાં સંગઠન સિયામનાં આંકડાઓ મુજબ, ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન તમામ સેક્ટરમાં વાહનોની ખરીદી ઘટી છે. આ સમય દરમિયાન માત્ર 6085406 વાહનો જ વેયાયા છે.

  કેમ કર્મચારીઓની નોકરી જઇ રહી છે ?

  ફાડાનાં અધ્યક્ષ આશીષ હર્ષરાજનાં જણાવ્યા અનુસાર, કાર-બાઇકનાં ડીલરો ખર્ચ ઘટાડવા માટે શો રૂમમાં કામ કરતા લોકોને છૂટા કરી રહ્યા છે. તેમની પાસે આ સિવાય બીજો કોઇ વિકલ્પ નથી. સરકારે ઓટો સેક્ટરને બેઠું કરવા માટે જી.એસ.ટીમાં ઘટાડો કરવો જોઇએ.

  જે કર્મચારીઓને છૂટા કરવામાં આવી રહ્યાં છે તેમાં ફ્રન્ટ અને વેચાણ વિભાગમાં કામ કરતા કર્મચારીઓનો સમાવેશ થાય છે. મંદીનો આ માહોલ જો હજુ રહેશે તો ઓટો સેક્ટરનાં અન્ય વિભાગોમાં કામ કરતા કર્મચારીઓની નોકરીઓ પણ જઇ શકે છે.

  દેશમાં 15,000 ડીલરો દ્વારા 26,000 શો રૂમોમાં અંદાજિત 25 લાખ લોકોને પ્રત્યક્ષ નોકરીઓ મળે છે અને એવી જ રીતે, 25 લાખ લોકોને અપ્રત્યક્ષ નોકરીઓ મળે છે.
  Published by:Vijaysinh Parmar
  First published: