Home /News /business /

હવે ધર બેઠા ખરીદો Facebook, Google જેવી 8 અમેરિકન કંપનીઓના શેર, જાણો સમગ્ર વિગતો

હવે ધર બેઠા ખરીદો Facebook, Google જેવી 8 અમેરિકન કંપનીઓના શેર, જાણો સમગ્ર વિગતો

ટેસ્લા શેર (ફાઇલ તસવીર)

Stock Market : આ માટે NSEએ સબ્સિડરી એક્સચેન્જ બનાવ્યું છે. તેનું નામ NSE IFSC છે. તેની શરૂઆત 29 નવેમ્બર, 2016ના રોજ થઈ હતી. જે ગુજરાતમાં આવેલા ગિફ્ટ સિટી (GIFT City)માં છે.

નવી દિલ્હી: ભારતીય રોકાણકારો માટે ગુરુવારનો દિવસ ખાસ હતો. ગુરુવારથી ભારતીય રોકાણકારોની એક મોટી ઈચ્છા પૂરી થઈ છે. હકીકતમાં ભારતીય રોકાણકારો ગતરોજથી ફેસબુક (Facebook) અને ગૂગલ (Google) જેવી દિગ્ગજ અમેરિકન કંપનીઓના શેરમાં રોકાણ કરી શકશે. તેમને આ કંપનીઓના શેરમાં સીધું રોકાણ કરવાની તક મળવા જઈ રહી છે. આ સુવિધા ઉપલબ્ધ કરાવવા માટેની તૈયારી ઘણા લાંબા સમયથી ચાલી રહી હતી. જણાવી દઈએ કે આ સુવિધા 3 માર્ચથી શરૂ થઈ ગઈ છે. તો ચાલો જોઈએ આ વિશે વિગતવાર માહિતી.

કઈ અમેરિકી કંપનીઓમાં કરી શકાશે રોકાણ?

હાલની વાત કરીએ તો રોકાણકારો માત્ર 8 યૂએસ કંપનીઓના શેરમાં સીધું રોકાણ કરી શકે છે. તેમાં એમેઝોન (Amazon), ટેસ્લા (Tesla), આલ્ફાબેટ (Alphabet (Google), મેટા પ્લેટફોર્મ (Meta Platform, Facebook), માઈક્રોસોફ્ટ (Microsoft), નેટફ્લિક્સ (Netflix), એપલ (Apple) અને વોલમાર્ટ (Walmart)નો સમાવેશ થાય છે. હવે ટૂંક સમયમાં રોકાણકારો 42 દિગ્ગજ અમેરિકન કંપનીઓમાં સીધા રોકાણ કરીવાનો લાભ ઉઠાવી શકશે.

કયા એક્સચેન્જ દ્વારા કરાશે આ ઈન્વેસ્ટમેન્ટ?

આ માટે NSEએ સબ્સિડરી એક્સચેન્જ બનાવ્યું છે. તેનું નામ NSE IFSC છે. તેની શરૂઆત 29 નવેમ્બર, 2016ના રોજ થઈ હતી. જે ગુજરાતમાં આવેલા ગિફ્ટ સિટી (GIFT City)માં છે. ગિફ્ટ સિટીમાં સ્થિત સ્ટોક એક્સચેન્જને અન્ય દેશની કરન્સી અથવા સિક્યોરિટીમાં ટ્રેડિંગ ઑફર કરવાની મંજૂરી છે. 2017થી NSE IFSC અન્ય ઘણી પ્રોડક્ટ્સમાં ટ્રેડિંગ સુવિધા પૂરી પાડે છે.

શું ઈન્વેસ્ટર્સને અમેરિકી કંપનીના શેર ઈશ્યૂ કરવામાં આવશે?

અમેરિકન કંપનીઓના શેર રોકાણકારોને આપવામાં આવશે નહીં. તેના બદલે તેમને NSE IFSC રસીદ (Receipt) ઈશ્યૂ કરવામાં આવશે. આ એક પ્રકારની ડિપોઝિટરી રીસીટ હશે. તેમનું અંડરલાઈનિંગ વેલ્યૂઅમેરિકી શેર જેટલું હશે. જે રીતે તમે ભારતીય કંપનીઓના શેર ખરીદો છો, તે રીતે તમે અમેરિકન કંપનીઓના શેર ખરીદી શકશો. તેના બદલે તમને NSE IFSC રીસીટ આપવામાં આવશે.

શું આની માટે તમારે અલગ ડીમેટ અકાઉન્ટ ખોલાવાનુ રહેશે?

અમેરિકી શેરોમાં સીધું રોકાણ કરવા માટે તમારે NSE IFSC સાથે ડીમેટ એકાઉન્ટ ખોલાવવાનું રહેશે. આ ડીમેટ એકાઉન્ટમાં તમે તમારી ડિપોઝિટરી રીસીટ રાખી શકશો. તમને અંડરલાઇંગ સ્ટોક સાથે સંબંધિત દરેક કોર્પોરેટ એક્શનથી એ જ રીતે ફાયદો થશે, જે રીતે એક અમેરિકન જે-તે અમેરિકન શેર્સમાં રોકાણ કરે છે તેમને થતો હોય છે.

અમેરિકી શેરોમાં કેટલી રકમનુ રોકાણ કરી શકાય છે?

તમે એક વર્ષમાં અમેરિકી શેરોમાં રૂ. 1.9 કરોડ સુધીનું રોકાણ કરી શકો છો. આ રોકાણ લિબરલાઈઝ્ડ રેમિટન્સ સ્કીમ (Liberalized Remittance Scheme, LRS) માટે નિર્ધારિત લિમીટ હેઠળ રહેશે. આ મર્યાદા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા નક્કી કરવામાં આવી છે.

શું આ શેરો થકી થનાર પ્રોફિટમાં ટેક્સ ચૂકવવાનો રહેશે?

અમેરિકી સ્ટોક્સમાં રોકાણ સામે ઈશ્યૂ કરાયેલા ડિપોઝિટરી રીસીટને ઈન્કમ ટેક્સના હેતુઓ માટે ભારતમાં વિદેશી સંપત્તિ તરીકે ગણવામાં આવે છે. તેથી તેના નફા પર શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન્સ અને લોન્ગ ટર્મ કેપિટલ ગેઈનના નિયમો લાગુ થશે. શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન પર તમારા સ્લેબ પ્રમાણે ટેક્સ લાગશે. લોન્ગ ટર્મ કેપિટલ ગેઈનના પર ઇન્ડેક્સેશન સાથે તમારે 20 ટકા ટેક્સ ચૂકવવો પડશે.

આ પણ વાંચો: શેર બજારના નબળા વલણથી નિરાશ ન થશો, Sensex 100,000ની સપાટીએ પહોંચી શકે

અમેરિકી ટ્રેડિંગમાં રોકાણ કરવાનો સમય શું હશે?

અમેરિકી શેરોમાં રોકાણ કરવાનો તમારો સમય સંપૂર્ણપણે અલગ હશે. તમે દરરોજ રાત્રે 8.30 વાગ્યાથી બીજા દિવસે બપોરે 2:30 વાગ્યા (શનિવાર- રવિવાર સિવાય) સુધી અમેરિકી શેરોમાં સીધું રોકાણ કરી શકશો. ડિપોઝિટરી રીસીટ ટ્રેડિંગના બે દિવસમાં તમારા ડીમેટ ખાતામાં જમા થઈ જશે.

અમેરિકી શેરોમાં રોકાણ કરવા માટે શું કરવું પડશે?

તમારે સૌથી પહેલા IFSCA રજિસ્ટર્ડ ટ્રેડિંગ મેમ્બર પાસે પોતાનુ રજીસ્ટ્રેશન કરાવાનું રહેશે. આ માટે KYC જરૂરી રહેશે. આ પછી તમારે લિબરલાઈઝ્ડ રેમિટન્સ સ્કીમ (Liberalized Remittance Scheme, LRS) માટે બેંકને જરૂરી દસ્તાવેજો આપવા પડશે. આ બાદ પૈસા તમારા ખાતામાંથી ટ્રેડિંગ મેમ્બરના ખાતામાં ટ્રાન્સફર કરવાના રહેશે. આ પછી તમે અમેરિકી શેરોમાં સીધું રોકાણ કરી શકશો.

આ પણ વાંચો: આ પાંચ સ્ટૉકે ફક્ત એક જ મહિનામાં રોકાણકારોના પૈસા ડબલ કરી દીધા

અમેરિકી શેરોની કિંમત ઘણી જ વધારે છે, શું હું ફ્રેક્શન વેલ્યૂમાં શેર ખરીદી શકું?

તમે ફ્રેક્શન વેલ્યુમાં શેર ખરીદી શકો છો. NSE IFSCએ કહ્યું છે કે તે નિશ્ચિત રેશિયોમાં ડિપોઝિટરી રીસિટ જાહેર કરશે. ઉદાહરણ તરીકે ટેસ્લાનો એક શેર 100 NSE IFSC રિસીટની બરાબર હશે. એક એમેઝોન શેર 200 NSE IFSC રીસીટની બરાબર હશે. તેવી જ રીતે અન્ય અમેરિકન કંપનીઓના શેરનો રેશિયો પણ નક્કી કરવામાં આવ્યો છે. તમે તમારી સુવિધા અનુસાર તેમાં રોકાણ કરી શકો છો.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Investment, Share market, Stock market, Tesla, ગૂગલ

આગામી સમાચાર