Home /News /business /New labour laws: નવા શ્રમ કાયદાથી કર્મચારીઓને શું ફરક પડશે? કામના કલાકો, વાર્ષિક રજાઓ કેવી રીતે બદલાશે અહીં જાણો
New labour laws: નવા શ્રમ કાયદાથી કર્મચારીઓને શું ફરક પડશે? કામના કલાકો, વાર્ષિક રજાઓ કેવી રીતે બદલાશે અહીં જાણો
નવા શ્રમ કાયદાથી કર્મચારીઓને શું ફરક પડશે?
કોઈ કર્મચારીને કેલેન્ડર વર્ષના અંતે 45 દિવસની રજા છે, તો આવી સ્થિતિમાં એમ્પ્લોયરે કામદારને 15 દિવસની રજા એન્કેશમેન્ટ ચૂકવવાની રહેશે અને બાકીના 30 દિવસની રજા આગામી કેલેન્ડર વર્ષમાં કેરી ફોરવર્ડ કરવાની રહેશે.
સતત બદલાતા જતા કોર્પોરેટ જગત (Corporate world)માં કામના કલાકો અને રજા સહિતની કામકાજની પરિસ્થિતિઓને કંટ્રોલ કરવાની અને તર્કસંગત બનાવવાની તાતી જરૂર હતી. ત્યારે એમ્પ્લોયર અને કર્મચારીના સંબંધો (Employer-Employee Relationship)ને લગતા નિયમોમાં સુધારો કરવા અને શ્રમ કાયદામાં સુધારો કરવા માટે સરકારે ચાર લેબર કોડ (New labour codes) જાહેર કર્યા છે. નવા ઘડવામાં આવેલા લેબર કોડ્સમાં વેતન, સોશિયલ સિક્યુરિટી (પેન્શન, ગ્રેચ્યુઇટી), શ્રમ કલ્યાણ, આરોગ્ય, સલામતી અને કામ કરવાની સ્થિતિને લગતા અનેક સુધારાઓ કરવામાં આવ્યા છે.
નવા કોડથી નોકરીના કલાકો પર શું અસર થશે?
હાલ કર્મચારીઓના કામના કલાકો અને રજા (પેઇડ /પ્રિવિલેજ લીવ) કેન્દ્રીય સ્તરે ફેક્ટરીઝ એક્ટ, 1948 અને રાજ્ય સ્તરે સંબંધિત શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ દ્વારા કોન્ટ્રોલ થાય છે. સરકારનું મુખ્ય ધ્યાન કામકાજના કલાકો અને ફેક્ટરી કામદારોની રજાઓ તેમજ સર્વિસ ઈન્ડસ્ટ્રીને સુવ્યવસ્થિત કરવાનું છે. સરકારે નવા લેબર કોડ રજૂ કરીને આ ખાલી ગેપ ભરવાનો પ્રયાસ કર્યો છે. આ લેબર કોડ્સ દરેક ઉદ્યોગને લાગુ પડશે.
જો કે, સંબંધિત રાજ્ય સરકારો હજી પણ કામના કલાકોનું નિયમન કરી શકે છે અને શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટના માધ્યમથી તે પડતું પણ મૂકી શકે છે.
નોંધનીય છે કે, નવા લેબર કોડ હેઠળ સરકાર માત્ર કામદારો તરીકે વર્ગીકૃત કરવામાં આવતા કર્મચારીઓને જ લાભ આપવા તૈયાર છે. સરકારે મેનેજરીયલ, એડમિનિસ્ટ્રેટિવ અને સુપરવાઇઝરી સ્ટાફના કામના કલાકો અને રજાને સ્પર્શ કર્યો નથી. તેઓ રાજ્ય સરકારના સંબંધિત શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ કાયદા દ્વારા કન્ટ્રોલ થશે. નવા લેબર કોડ્સ હેઠળ 'કામદારો'ની વ્યાખ્યા ફેક્ટરીઝ એક્ટ હેઠળ પૂરી પાડવામાં આવેલી કામદારોની વ્યાખ્યાની તર્જ પર છે, જો કે, ઉપરોક્ત લાભો ફક્ત બ્લુ કોલર કામદારો માટે જ લાગુ પડે છે તેવો તેનો અર્થ નથી.
નવી વ્યવસ્થા હેઠળ સર્વિસ સેક્ટર સહિત તમામ ઉદ્યોગોને નવા લેબર કોડના એકસમાન અમલીકરણને ધ્યાનમાં રાખીને દરેક વ્યક્તિગત ફાળો આપનાર (સુપરવાઇઝર માટે મુખ્યત્વે મેનેજરીયલ/એડમિનિસ્ટ્રેટિવ કે સુપરવાઇઝરી ભૂમિકામાં ન હોય તેવી વ્યક્તિ માટે દર મહિને વેતનની રૂ. 18,000ની મર્યાદા નક્કી કરવામાં આવી છે) પછી ભલેને તેને સોંપવામાં આવેલ કામ અથવા મહેનતાણા (સુપરવાઇઝરના કિસ્સા સિવાય)ને ધ્યાનમાં લીધા વિના તે નવા લેબર કોડ્સ હેઠળ કામદાર તરીકે લાયક હોવો જોઈએ.
ઉદાહરણ તરીકે સોફ્ટવેર ડેવલપર. તે વ્યક્તિગત ફાળો આપનાર હોય તથા મેનેજમેન્ટરી, એડમિનિસ્ટ્રેટિવ અને સુપરવાઇઝરી ફરજો ધરાવતો ન હોય અને તેની પાસે વાર્ષિક રૂ. 20 લાખનું સીટીસી હોય, ત્યારે પણ તેને નવા લેબર કોડ્સ હેઠળ કામદાર તરીકે ગણવામાં આવે તેવી શક્યતા છે. કારણ કે, કાયદો કામદારોની વ્યાખ્યાને ફેક્ટરીઓ સુધી મર્યાદિત કરતો નથી, તેથી તે સોફ્ટવેર ડેવલપમેન્ટ કંપનીને પણ લાગુ પડે છે.
બીજી તરફ ભારતીય કોર્પોરેટ્સમાં આ બાબતે ભાગ પડી ગયા છે. ઘણા કોર્પોરેટ ઉપર જણાવેલ દૃષ્ટિકોણને ટેકો આપતા નથી. જેથી સરકારને આ સંદર્ભમાં જરૂરી સ્પષ્ટતા પૂરી પાડવા માટે પ્રોફેશનલ / લીગલ ફર્મ / ઈન્ડસ્ટ્રીયલ બોડી તરફથી વારંવાર વિનંતી કરવામાં આવી રહી છે
નવા લેબર કોડ્સ હેઠળ ડેઇલી અને વિકલી કામકાજના કલાકોની મર્યાદા અનુક્રમે 12 કલાક અને 48 કલાક નક્કી કરવામાં આવી છે. આને કારણે 4 દિવસના કામના અઠવાડિયાના અમલીકરણ માટે માર્ગ મોકળો થયો છે.
આ ઉપરાંત ઉદ્યોગોમાં ક્વાર્ટરમાં કામદારો માટે ઓવરટાઇમના મહત્તમ કલાકોની સંખ્યા 50 કલાકથી વધારીને 125 કલાક કરવામાં આવી છે. આનાથી કંપનીઓને 4 દિવસ કામ કરવાની પદ્ધતિ સ્વીકારવા અને જો જરૂરી હોય તો સપ્તાહના અંતે કામદારોને રોજગારી આપવા માટે અનુકૂળતા મળશે.
અહીં ઉલ્લેખનીય છે કે, 4 દિવસના વર્ક વિક બેધારી તલવાર તરીકે કામ કરી શકે છે, કારણ કે એક તરફ કામદારોને આરામના લાંબા સમયગાળાથી ફાયદો થશે. પરંતુ બીજી બાજુ અઠવાડિયામાં દિવસે લાંબા કામના કલાકો હોવાથી કામદારોનું સ્વાસ્થ્ય બગડી શકે છે. તેવી જ રીતે ઓવરટાઇમ મર્યાદામાં વધારો કરવાથી કામદારોને વધારાની કમાણી થઈ શકે, પરંતુ વધુ કલાકો સુધી કામ કરવું પડે અથવા સંભવત: સપ્તાહના અંતે પણ કામ કરવું પડી શકે.
વાર્ષિક રજા પર શું અસર થશે?
કામના કલાકો ઉપરાંત સરકારે નીચેની બાબતોને પણ તર્કસંગત બનાવવાનું પણ લક્ષ્ય રાખ્યું છે.
(i) કામદાર તેની નોકરી દરમિયાન રજાનો લાભ લઈ શકે છે. (ii) આગળના વર્ષ માટે કેરી ફોરવર્ડ લિવ (iii) નોકરીના કાર્યકાળ દરમિયાન રજાનું એન્કેશમેન્ટ
નવા લેબર કોડ્સે રજાઓ માટેની પાત્રતાની આવશ્યકતાને એક વર્ષમાં કામના 240 દિવસથી ઘટાડીને કામના 180 દિવસ કરી દીધી છે. આનો અર્થ એ છે કે હાલના કાયદા મુજબ, કંપની કે પેઢીમાં કોઈ નવો કર્મચારી જોડાય તો તેણે રજા ભોગવવા માટે પાત્ર બનવા 240 દિવસ કામ કરવું પડે છે. જો કે, નવા લેબર કોડમાં રજા માટે પાત્ર બનવા માટે નવા કર્મચારીના કામના દિવસોની સંખ્યા ઘટાડીને 180 દિવસ કરવામાં આવી છે.
બીજી તરફ અરનેડ લિવનું પ્રમાણ યથાવત રહેશે, એટલે કે, દર 20 દિવસના કામ માટે મેળવેલી 1 દિવસની રજા. એ જ રીતે કેરી ફોરવર્ડ લિવની મર્યાદામાં કોઈ ફેરફાર સૂચવવામાં આવ્યો નથી. કેરી ફોરવર્ડ લિવ 30 દિવસની રહે છે.
લાયકાતના માપદંડને બાદ કરતા રજા અંગેની જોગવાઈઓમાં કોઈ ફેરફાર થયો નથી. પણ રજાની જોગવાઈઓ પહેલા ફક્ત મેન્યુફેક્ચરિંગ એકમોને જ લાગુ પડતી હતી અને હવે તે નવા લેબર કોડ્સ હેઠળ દરેક ક્ષેત્ર માટે ફરજિયાત બનાવવામાં આવી છે. જેથી આ નિર્ણય આવકારવા લાયક છે.
દાખલા તરીકે, ધારો કે કોઈ કર્મચારીને કેલેન્ડર વર્ષના અંતે 45 દિવસની રજા છે, તો આવી સ્થિતિમાં એમ્પ્લોયરે કામદારને 15 દિવસની રજા એન્કેશમેન્ટ ચૂકવવાની રહેશે અને બાકીના 30 દિવસની રજા આગામી કેલેન્ડર વર્ષમાં કેરી ફોરવર્ડ કરવાની રહેશે.
અહીં નોંધનીય છે કે, હાલનો શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટમાં સામાન્ય રીતે નોકરીના સમયગાળાના અંતે (એટલે કે, રાજીનામું અથવા નિવૃત્તિ સમયે) જ રજા એન્કેશમેન્ટની જોગવાઈ છે.
એકંદરે, એવું કહી શકાય કે નવા લેબર કોડ્સ એ કામદારોના કલ્યાણ અને કંપની માટે કામદારોના ખર્ચને સંતુલિત કરવાનો પ્રયાસ કરતો વેલફેર કાયદો છે. અલબત્ત રાજ્ય સરકારો શંકાઓને સ્પષ્ટ કરવા માટે શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટમાં ભાગ લેશે અને જરૂરી ફેરફારો કરશે કે કેમ? તે જોવાનું બાકી છે.
અનેક કર્મચારીઓ માટે સારી બાબત એ છે કે, કોરોના કાળ બાદ હવે દરેક ક્ષેત્રમાં પ્રચલિત બનેલી વર્ક ફ્રોમ હોમ પદ્ધતિને કેન્દ્ર સરકાર દ્વારા સર્વિસ ઈન્ડસ્ટ્રીને લાગુ ડ્રાફ્ટ મોડેલ સ્ટેન્ડિંગ ઓર્ડરમાં માન્યતા આપવામાં આવી છે. અલબત્ત, વિગતવાર માર્ગદર્શિકા ઈન્ડસ્ટ્રીને કામના કલાકોના નિયમન, ઓવરટાઇમ, રજા વગેરે માટેના પેરામીટર્સ ઘડવામાં મદદ કરશે. કર્મચારીઓના કાર્ય અને જીવન સંતુલનને સુનિશ્ચિત કરવા માટે કંપનીઓ પાસે વર્ક ફ્રોમ હોમ સંબંધિત કેટલાક સિદ્ધાંતો પણ હોવા જરૂરી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર