Home /News /business /1 એપ્રિલથી આ વસ્તુઓમાં થશે ભાવ વધારો: TV, AC, ફ્રીજ, LED અને Mobile થશે મોંઘા, અહીં જાણો કેટલું ભારણ આવશે
1 એપ્રિલથી આ વસ્તુઓમાં થશે ભાવ વધારો: TV, AC, ફ્રીજ, LED અને Mobile થશે મોંઘા, અહીં જાણો કેટલું ભારણ આવશે
સ્માર્ટફોનની કિંમત વધશે
New Financial Year: નાણામંત્રી નિર્મલા સીતારમણે આ વર્ષે ફેબ્રુઆરીમાં રજૂ કરેલા બજેટમાં અનેક પ્રોડક્ટ પર ઈમ્પોર્ટ ડ્યૂટી વધારી હતી અને કેટલાક પર ડ્યુટીમાં કાપ મૂકવામાં આવ્યો હતો.
નવી દિલ્હી: પેટ્રોલ-ડીઝલ (Petrol diesel price hike)ના કારણે દેશમાં મોંઘવારી ફરી એકવાર ઝડપથી ફેલાઈ રહી છે. માર્ચમાં ઇંધણના ભાવ વધવાના કારણે સામાન્ય માણસનું બજેટ બગડી ગયું છે. ત્યારે એપ્રિલમાં વધુ ભાવ વધારો જોવા મળવાનો છે. આ મહિને અમુક એવી વસ્તુઓના ભાવમાં વધારો (Price hike in April) થવાની શક્યતા છે, જે માર્ચમાં થયેલા ભાવવધારાથી અસ્પૃશ્ય રહી હતી. નવું નાણાકીય વર્ષ (New financial year) 1 એપ્રિલથી શરૂ થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં મોંઘવારીની સાથે બીજા પણ ઘણા મોટા ફેરફારો જોવા મળશે. બજેટ 2022માં કરવામાં આવેલી કેટલીક જોગવાઈઓના કારણે 1 એપ્રિલથી ગ્રાહકો પર મોંઘવારીનો બોજ વધુ વધવાનો છે. આવતીકાલથી ટીવી, એસી ફ્રિજ સાથે મોબાઈલ ચલાવવો પણ મોંઘો પડશે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે આ વર્ષે ફેબ્રુઆરીમાં રજૂ કરેલા બજેટમાં અનેક પ્રોડક્ટ પર ઈમ્પોર્ટ ડ્યૂટી વધારી હતી અને કેટલાક પર ડ્યુટીમાં કાપ મૂકવામાં આવ્યો હતો. નવી ફી 1 એપ્રિલથી અમલમાં આવશે. પરિણામે જે કાચા માલ પર એક્સાઇઝ ડ્યૂટી વધારવામાં આવી છે તેના ભાવ સાથે સંકળાયેલા ઉત્પાદનોના ભાવમાં વધારો થવાનું નક્કી હોવાનું મનાય છે.
ટીવી, એસી, ફ્રીજ મોંઘા થવાના કારણ
સરકારે 1 એપ્રિલથી એલ્યુમિનિયમ ઓર (Ore) અને કોન્સન્ટ્રેટ પર 30 ટકા આયાત ડ્યુટી લગાવી છે. તેનો ઉપયોગ ટીવી, એસી અને ફ્રિજના હાર્ડવેર બનાવવા માટે થાય છે. કાચા માલના મોંઘા પુરવઠાને કારણે કંપનીઓનો ઉત્પાદન ખર્ચ વધશે અને તેનો સીધો બોજ ગ્રાહકો પર પડશે. આ ઉપરાંત કોમ્પ્રેસરમાં ઉપયોગમાં લેવાતા પાર્ટ્સ પર પણ ઈમ્પોર્ટ ડ્યૂટી વધારવામાં આવી છે, જેના કારણે રેફ્રિજરેટરના ભાવમાં વધારો થશે.
LED બલ્બમાં પણ થશે ભાવ વધારો
સરકારે LED બલ્બ બનાવવામાં ઉપયોગમાં લેવાતી સામગ્રી પર કસ્ટમ ડ્યુટીની સાથે 6 ટકા વળતર ફી વસૂલવાની વાત કરી છે. 1 એપ્રિલથી નવો નિયમ લાગુ થયા બાદ LED બલ્બ પણ મોંઘા થઇ જશે.
સ્ટીલ અને ચાંદીના વાસણો મોંઘા થશે
સરકારે ચાંદી પર આયાત ડ્યૂટીમાં પણ ફેરફાર કર્યો છે, જેના કારણે 1 એપ્રિલ બાદ સિલ્વરવેર અને તેના ઉત્પાદનો મોંઘા થશે. આ ઉપરાંત સ્ટીલની વસ્તુઓ પર પણ મોંઘવારીનો માર પડશે અને આવતીકાલથી સ્ટીલથી બનેલા વાસણો મોંઘા થશે.
મોબાઇલ ખિસ્સા પરનું ભારણ વધારશે
સરકારે મોબાઇલ ફોન બનાવવામાં ઉપયોગમાં લેવાતા પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ પર કસ્ટમ્સ ડ્યુટી પણ લગાવી દીધી છે. એટલે કે હવે આ ઉત્પાદનોની બહારથી આયાત મોંઘી થશે. જેની અસર કંપનીઓના ઉત્પાદન ખર્ચ પર પડશે. અમેરિકાની કંપની Grant Throntonના જણાવ્યા અનુસાર, સરકારના આ નિર્ણયની સીધી અસર ગ્રાહકો પર પડશે અને મોબાઇલના ભાવ વધી શકે છે.
ટેલિકોમ કંપનીઓ અત્યારસુધી પોતાના ગ્રાહકોને ફ્રી અનલિમિટેડ ડેટા અને કોલિંગની સુવિધા આપતી હતી. જોકે, હવે 31 માર્ચે આ સેવાઓ સમાપ્ત કરશે. આવી સ્થિતિમાં 4જી માર્કેટમાં વધી રહેલી સ્પર્ધા વચ્ચે ગ્રાહકોએ હવે ટેરિફ પ્લાન પસંદ કરવો પડશે અને તેના કારણે ખર્ચ આપોઆપ વધી જશે.
વાયરલેસ ઇયરબડ્સ અને હેડફોન મોંઘા થશે
સરકારે બજેટમાં વાયરલેસ ઇયરબડ્સમાં વપરાતા કેટલાક ઉપકરણો પર આયાત ડ્યૂટી વધારી છે, જેના કારણે તેનું ઉત્પાદન મોંઘું થશે. આવી સ્થિતિમાં એપ્રિલથી વાયરલેસ ઇયરબડ્સ બનાવતી કંપનીઓ પણ પોતાની પ્રોડક્ટની કિંમતોમાં વધારો કરી શકે છે. આ ઉપરાંત પ્રીમિયમ હેડફોન આયાત પર પણ ફી વધશે, જેના કારણે ગ્રાહકોને 1 એપ્રિલ બાદ હેડફોન ખરીદવા મોંઘા પડશે.
બજેટમાં સરકારે સ્માર્ટફોનથી સંબંધિત મોબાઇલ ચાર્જર, ટ્રાન્સફોર્મર, કેમેરા લેન્સ મોડ્યુલ જેવી અનેક વસ્તુઓ પર આયાત ડ્યુટી ઘટાડી છે. નવી ડ્યૂટી લાગુ થયા બાદ તેની સાથે સંકળાયેલી પ્રોડક્ટ્સના ભાવ ઘટી શકે છે. સરકારે સ્માર્ટવોચ અને ફિટનેસ બેન્ડના કેટલાક ભાગો પર એક્સાઈઝ ડ્યુટીમાં પણ ઘટાડો કર્યો છે, જેના કારણે એપ્રિલથી આ પ્રોડક્ટ્સ થોડી સસ્તી થઈ ગઈ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર