નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેબિનેટ (Modi Govt Cabinet)એ રક્ષા નિર્માણ ક્ષેત્રમાં રોકાણ વધારવાની મંજૂરી આપી દીધી છે. ત્યારબાદ FDIની મર્યાદા ઓટોમેટિક રૂટના માધ્યમથી 49 ટકાથી વધીને 74 ટકા કરાવામાં આવશે. પરંતુ તેમાં રાષ્ટ્રીય સુરક્ષાની શરતો (National Security Clause) જોડવામાં આવી છે. આત્મનિર્ભર ભારત પેકેજ (Aatma Nirbhar Bharat Package) હેઠળ નાણા મંત્રીએ જુલાઈમાં તેની જાહેરાત કરી હતી. આ પહેલા જુલાઈ 2018માં સરકારે રક્ષા નિર્માણના ક્ષેત્રમાં 49 ટકા FDIને ઓટોમેટિક રૂટથી મંજૂરી આપી હતી.
રાષ્ટ્રીય સુરક્ષાની શરતો મુજબ રક્ષા નિર્માણના ક્ષેત્રમાં વિદેશી રોકાણની નેશનલ સિક્યુરિટીના આધાર પર તપાસ કરવામાં આવશે અને સરકારની પાસે તેની સમીક્ષા કરવાનો અધિકાર હશે. હાલની નીતિ હેઠળ ડિફેન્સ ઇન્ડસ્ટ્રી 49 ટકા સુધી FDI ઓટોમેટિક રૂટથી લાવી શકે છે અને તેનાથી વધારે FDI માટે સરકાર પાસેથી મંજૂરી લેવાની જરૂર છે.
ભારતમાં રક્ષા ક્ષેત્રમાં 70 ટકા આયાત થાય છે અને ભારતમાં રક્ષા નિર્માણને પ્રોત્સાહન આપવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે આ ક્ષેત્રમાં વિદેશી રોકાણ વધુ નથી આવી રહ્યું. એપ્રિલ 2000થી માર્ચ 2020 સુધી 20 વર્ષમાં માત્ર 56.88 કરોડ રૂપિયાનું વિદેશી રોકાણ આવ્યું છે. હવે રોકાણની મર્યદા વધારવાથી સરકારને આશા છે કે રોકાણ વધશે. આ ઉપરાંત કેબિનેટે ત્રણ લેબર કોડને મંજૂરી પણ આપી છે.
દેશને આત્મનિર્ભર બનાવવા માટે મોદી સરકાર (Modi Government) શક્ય તમામ પગલાં ભરી રહી છે. ભારતને આપબળે દુનિયા સામે સ્થાપિત કરવા માટે કેન્દ્ર સરકારે નવા પગલાં ભર્યા છે. કેન્દ્રએ રક્ષા ક્ષેત્ર (Defence Sector)માં ભારતને આત્મનિર્ભર બનાવવા માટે 74 ટકા FDIને મંજૂરી આપી દીધી છે. મળતી માહિતી મુજબ તેની સાથે જોડાયેલું બિલ 14 સપ્ટેમ્બરથી શરૂ થનારા સંસદના ચોમાસુ સત્ર (Parliament Monsoon Session)માં રજૂ કરવામાં આવી શકે છે.
થોડા દિવસ પહેલા વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે ડિફેન્સ સેક્ટરમાં આત્મનિર્ભર ભારતથી દેશના રક્ષા નિર્માણ ક્ષેત્રમાં અગત્યની ભૂમિકા થઈ જશે. PM મોદીએ જણાવ્યું હતું કે આ દિશામાં કેટલાક મહત્વપૂર્ણ પગલાં ભરવામાં આવ્યા છે. વડાપ્રધાને કહ્યું હતું કે અમારો ઉદ્દેશ્ય રક્ષા ઉત્પાદન, નવી ટેકનીક વિકસિત કરવી અને ડિફેન્સ સેક્ટરમાં પ્રાઇવેટ પ્લેયર્સને અગત્યની ભૂમિકા આપવાનો છે.
નોંધનીય છે કે, રક્ષા મંત્રાલયે થોડાક દિવસ પહેલા 101 વિદેશી રક્ષા ઉપકરણોના આયાત પર પ્રતિબંધ મૂકી દીધો હતો. આત્મનિર્ભર ભારત માટે આ ખૂબ અગત્યનું પગલું છે. લૉકડાઉન દરમિયાન દેશમાં ઊભી થયેલા આર્થિક સંકટની વચ્ચે પીએમ મોદીએ આત્મનિર્ભર ભારતની દિશામાં પગલાં ભરવાનું આહવાન કર્યું હતું. તેઓ સતત અલગ-અલગ મંચોથી સ્વદેશી ચીજોનો ઉપયોગ કરવાની અપીલ કરતાં રહે છે. સાથોસાથ પોતાના જ દેશમાં નિર્માણ પર ભાર મૂકી રહ્યા છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું કે રક્ષા મંત્રાલય આત્મનિર્ભર ભારતની દિશામાં આગળ વધવા માટે તૈયાર છે. કેબિનેટે રક્ષા ક્ષેત્રમાં FDIની મર્યાદા 49 ટકાથી વધારીને 74 ટકા કરી દીધી છે. માનવામાં આવી રહ્યું છે કે તેનાથી રક્ષા ઉપકરણોના દેશમાં ઉત્પાદનને ગતિ મળશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર