મુંબઇ: ખાદ્ય તેલ (Edible Oil) આગામી દિવસોમાં સસ્તું થઈ શકે છે. સરકારી કાચા ખાદ્ય તેલ (Crude edible oil) પર લાગતી આયાત ડ્યૂટી (import duties)માં ઘટાડો કરવાની તૈયારી કરી રહી છે. આ ઘટનાની જાણકારી ધરાવતા સૂત્રોનું કહેવું છે કે કાચા ખાદ્ય તેલ પર લાગતી બે સેસમાં ઘટાડો કરવામાં આવી શકે છે. આ ઉપરાંત સરકાર ખાદ્ય તેલની ઇમ્પોર્ટ ડ્યૂટી પર લાગૂ કપાતને પણ 30મી સપ્ટેમ્બર સુધી ચાલુ રાખવાની યોજના બનાવી રહી છે.
કાચા ખાદ્ય તેલ પર હાલ 5.5 ટકા ઇમ્પોર્ટ ડ્યૂટી લાગે છે. સરકારે અમુક મહિનાઓ પહેલા ડ્યૂટી 8.5 ટકાથી ઘટાડીને 5.5 ટકા કરી હતી. વર્તમાન ટેક્સ વ્યવસ્થામાં બેઝિક કસ્ટમ ડ્યૂટી સામેલ નથી, જે હાલ તમામ કાચા ખાદ્ય તેલની આયાત કરવા પર શૂન્ય છે. તેના બદલે બે સેસ લાગૂ કરવામાં આવી છે. જેમાં એગ્રીકલ્ચરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સેસ (AIDC) અને સોશિયલ વેલફેર સેસ સામેલ છે.
સરકારે સેસમાં કર્યો ઘટાડો
ગત 13 ફેબ્રુઆરીના રોજ સરકારે એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સેસને 7.5 ટકાથી ઘટાડીને પાંચ ટકા કરી હતી. જેનાથી ખાદ્ય તેલની ઇમ્પોર્ટ ડ્યૂટી 8.5 ટકાથી ઘટીને 5.5 ટકા થઈ હતી. ઇમ્પોર્ટ ડ્યૂટીમાં આ રાહત 30 સપ્ટેમ્બર, 2022 સુધી લાગૂ છે.
આ કારણે ભાવમાં વધારો
સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઇન્ડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ (CBITC)ના અધિકારીઓએ જણાવ્યું કે, આ સેસમાં હજુ વધારે ઘટાડો કરવામાં આવી શકે છે. તેમણે કહ્યુ કે રશિયા-યુક્રેન યુદ્ધ અને અન્ય પરિસ્થિતિઓને પગલે વૈશ્વિક સ્તર પર ખાદ્ય તેલના ઉત્પાદન અને સપ્લાઇ પર અસર પડી છે, જેના પગલે કિંમતો વધી છે. ભાવ વધારાનો બોઝ ગ્રાહકો પર ન પડે તે માટે સરકારે ઓક્ટોબર, 2021થી લાગૂ ડ્યૂટીમાં કપાત કરી છે, જે સપ્ટેમ્બર, 2022 સુધી લાગૂ છે.
ખાદ્ય તેલ પર લાગતી ઇમ્પોર્ટ ડ્યૂમાં સૌથી પહેલા જૂન 2021 દરમિયાન કપાત કરવામાં આવી હતી. જે બાદમાં ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં બેઝિક કસ્ટમ ડ્યૂટીમાં ઘટાડો કરાયો હતો. એ સમયે કપાત 30 સપ્ટેમ્બર 2021 સુધી લાગૂ હતી. જોકે, ખાદ્ય તેલની રિટેલ કિંમત વધારે જ રહી હતી, જેના પગલે કપાત ચાલૂ જ રહી હતી.
ઓક્ટોબર 2021 દરમિયાન પામ ઑઇલ, સોયાબીન ઑઇલ અને સનફ્લાવર ઑઇલ પર લાગતી તમામ ઇમ્પોર્ટ ડ્યૂટીને 31મી માર્ચ, 2022 સુધી રદ કરવામાં આવી હતી. જે બાદમાં કાચા પામ ઑઇલ પર લાગતી ઇમ્પોર્ટ ડ્યૂટી 24.75 ટકાથી ઘટીને શૂન્ય થઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે ભારત પોતાની જરૂરિયાતનું 80 ટકા પામ ઑઇલ કાચા સ્વરૂપમાં જ ખરીદે છે.
ખાદ્ય તેલ અને તેલીબિયાંની કિંમતો પર નિયંત્રણ માટે કેન્દ્ર સરકારે તાજેતરમાં રાજ્યોને આ કોમોડિટીમાં સ્ટોક મર્યાદા લાગૂ કરવાનો આદેશ કર્યો છે. કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને કહ્યુ છે કે તેઓ સપ્લાઈ બનાવી રાખે અને કોઈ જ અડચણ વગર આદેશને લાગૂ કરે. ગ્રાહકો બાબતોના કેન્દ્રીય મંત્રાલયે સ્ટોક મર્યાદાનો નિયમ 30 જૂન સુધી લાગૂ રાખવાનો આદેશ કર્યો છે. આદેશમાં સ્ટોકની મર્યાદાનો પણ ઉલ્લેખ કરાયો છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર