Home /News /business /Cryptocurrencies: ક્રિપ્ટો અને NFT મૂર્ખ બનાવવાની વસ્તુ - બિલ ગેટ્સ

Cryptocurrencies: ક્રિપ્ટો અને NFT મૂર્ખ બનાવવાની વસ્તુ - બિલ ગેટ્સ

બિલ ગેટ્સે ક્રિપ્ટોકરન્સી અને એનએફટી પર કટાક્ષ કર્યો

ગેટ્સને એમ પણ પૂછવામાં આવ્યું હતું કે, એવું કયું ટેક ઇનોવેશન છે, જેના વિના દુનિયા વધુ સારી રહેશે? તેમણે તરત જ જવાબ આપ્યો હતો કે, આજે ક્રિપ્ટોકરન્સી જે રીતે કામ કરે છે તેનાથી ગુનાહિત પ્રવૃત્તિઓ થઈ શકે છે. એમાંથી છુટકારો મેળવવો જ સારો રહેશે.

વધુ જુઓ ...
આજકાલ ક્રિપ્ટોકરન્સી (Cryptocurrencies)ના દિવસો સારા નથી ચાલી રહ્યા. ક્રિપ્ટોકરન્સી હાલમાં જ સૌથી નીચી વેલ્યૂને સ્પર્શી હતી. જેના કારણે ક્રિપ્ટોકરન્સીમાં રોકાણકારોએ લાખો-કરોડો ગુમાવ્યા છે. આ દરમિયાન દુનિયાના ચોથા સૌથી મોટા ધનવાન અને દિગ્ગજ ટેક કંપની માઈક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સ (Bill Gates) ફરી એકવાર ક્રિપ્ટોકરન્સી પર વરસી પડ્યા છે. તેમણે નોન-ફંજીબલ ટોકન આધારિત ક્રિપ્ટોકરન્સીને બનાવટી ગણાવી તે માત્ર મૂર્ખ બનાવવાની થીયરી પર આધારિત હોવાનું કહ્યું છે.

માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સે ટેકક્રંચ સેશન્સ: ક્લાઇમેટ 2022માં ક્રિપ્ટોકરન્સી અને એનએફટી પર કટાક્ષ કર્યો હતો. આ સાથે આવા એસેટ ક્લાસમાં વિશ્વાસનો અભાવ પણ સ્પષ્ટપણે વ્યક્ત કર્યો હતો. તેમણે સમજાવ્યું કે, ક્રિપ્ટોનું મૂલ્ય એ જ છે જે કોઈ અન્ય વ્યક્તિ નક્કી કરે કે કોઈ બીજું તેના માટે ચૂકવણી કરશે. તેથી અન્ય રોકાણો જેમ તે સમાજમાં કોઈ ઉપજ આપતું નથી. બિલ ગેટ્સે નોન-ફંજીબલ ટોકન્સ (NFT)ની અતિશય કિંમત અંગે પણ વ્યંગમાં કહ્યું હતું કે વાંદરાઓના મોંઘા ફોટાથી દુનિયામાં ઘણો સુધારો થવાનો છે!

તેમણે ઉમેર્યું હતું કે, મને પરંપરાગત એસેટ ક્લાસ અને રોકાણની જાણકારી છે. ઉદાહરણ તરીકે કોઈ ખેતર કે જ્યાં કોઈ ઉપજ મળે છે અથવા એવી કોઈ કંપની કે જ્યાં પ્રોડક્ટ બને છે. તેમના મત મુજબ ક્રિપ્ટોકરન્સી એસેટ ક્લાસ સાથે સંકળાયેલ નથી. તેમણે કહ્યું કે, ક્રિપ્ટોકરન્સીમાં મારુ કોઈ રોકાણ નથી. મને એવી વસ્તુઓમાં રોકાણ કરવું ગમે છે જેમાં મૂલ્યવાન ઉત્પાદન હોય.

આ પણ વાંચો -ક્રૂડ ઓઇલની કિંમતમાં થયો ઘટાડો, સામાન્ય વ્યક્તિને વધુ રાહત મળે તેવી શક્યતા

અહીં નોંધનીય છે કે ભૂતકાળમાં જાણીતા રોકાણકાર વોરેન બફેટ પણ આવું જ નિવેદન આપી ચૂક્યા છે. ગેટ્સ અને બફેટ રોકાણ મુદ્દે સરખા વિચાર ધરાવે છે. બફેટે તાજેતરમાં જણાવ્યું હતું કે બધા જ બિટકોઇનને 25 ડોલરની ફેંકી દેવાની કિંમતે ઓફર કરવામાં આવે તો પણ હું બિટકોઇન નહીં લઉં. તેનાથી કશું જ ઉત્પન્ન થતું નથી.

બીજી તરફ બીલ ગેટ્સે ક્રિપ્ટો માટે અગાઉ પણ આવા જ શબ્દોનો ઉપયોગ કર્યો હતો. તેઓ લાંબા સમયથી આ એસેટ ક્લાસના ટીકાકાર છે. 2018માં CNBCએ બફેટ અને ચાર્લી મુંગેર સાથે તેમનો ઇન્ટરવ્યુ લીધો હતો. ત્યારે ગેટ્સે કહ્યું હતું કે, જો એસેટ ક્લાસ તરીકે કંઈપણ ઉત્પાદન થતું ન હોય તો તો તમારે તે વધવાની અપેક્ષા રાખવી જોઈએ નહીં. તેમના મત મુજબ આવું રોકાણ મૂર્ખ બનાવવાની થીયરી છે.

તે સમયે ગેટ્સને એમ પણ પૂછવામાં આવ્યું હતું કે, એવું કયું ટેક ઇનોવેશન છે, જેના વિના દુનિયા વધુ સારી રહેશે? તેમણે તરત જ જવાબ આપ્યો હતો કે, આજે ક્રિપ્ટોકરન્સી જે રીતે કામ કરે છે તેનાથી ગુનાહિત પ્રવૃત્તિઓ થઈ શકે છે. એમાંથી છુટકારો મેળવવો જ સારો રહેશે.

આ પણ વાંચો -1 જુલાઇથી બદલાઇ જશે ઓનલાઇન પેમેન્ટની પદ્ધતિ, જાણી લો નવો નિયમ નહીં તો થશે નુક્સાન

જો કે, અહી ઉલ્લેખનિય છે કે બિલ ગેટ્સ બ્લોકચેન તકનીકની વિરુદ્ધ નથી. 2020માં માઇક્રોસોફ્ટે ક્રિપ્ટો-માઇનિંગ તકનીકને પેટન્ટ કરી હતી, જે ચેટબોટ સાથે સર્ચ કે વાતચીત કરવા જેવા ઓનલાઇન કાર્યો કરવા માટે શારીરિક પ્રવૃત્તિઓ, મગજના તરંગો અને શરીરની ગરમીમાં ખર્ચવામાં આવતી ઉર્જાનો ઉપયોગ કરે છે.

બિલ ગેટ્સ ક્રિપ્ટોકરન્સી રોકાણકારોને પણ ચેતવણીઓ આપતા હોય છે. ફેબ્રુઆરી 2021માં બ્લૂમબર્ગ સાથેના ઓનલાઇન ઇન્ટરવ્યૂમાં ગેટ્સને એલન મસ્કના ટ્વીટ્સના આધારે ક્રિપ્ટો ભાવની હિલચાલ પર તેમના વિચારો શેર કરવા કહેવામાં આવ્યું હતું. ત્યારે ગેટ્સે સ્પષ્ટપણે જવાબ આપ્યો હતો કે, એલન પાસે ઘણા બધા પૈસા છે. તેથી તેના બિટકોઇન બેફામ રીતે ઉપર કે નીચે જાય તેની મને ચિંતા નથી. પણ જે લોકો પાસે વધારાના પૈસા ન હોય તે પણ આ મેનિયામાં ખરીદી લે છે. જેથી જો તમારી પાસે એલન કરતાં ઓછા પૈસા હોય તો તમારે ધ્યાન રાખવું જોઈએ.

અહી ઉલ્લેખનીય છે કે, અત્યારે સૌથી લોકપ્રિય અને સૌથી જૂની ક્રિપ્ટોકરન્સી બિટકોઇનમાં ભારે ઘટાડો થયો છે, ત્યાં ગેટ્સનું આ નિવેદન સામે આવ્યું છે. બિટકોઇનમાં સોમવારે 15 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો હતો, જ્યારે મંગળવારે પણ તેમાં 5.4 ટકાનો ઘટાડો નોંધાયો હતો. હાલ તેની કિંમત $21,000ની આસપાસ છે. અમેરિકામાં મોંઘવારી વધવાથી ક્રિપ્ટોકરન્સીના ભાવ પર અસર પડી હોવાનું જાણવા મળે છે. લોકપ્રિય એનએફટી કલેક્શનને પણ તેનો ફટકો પડ્યો છે.
First published:

Tags: Bill Gates, Cryptocurrency, Cryptocurrency market

विज्ञापन