Home /News /business /સોશિયલ મીડિયા પર સફળ બિઝનેસ ટીપ આપનાર આ યુવાનને મળો, રતન ટાટા પણ લે છે તેની સલાહ

સોશિયલ મીડિયા પર સફળ બિઝનેસ ટીપ આપનાર આ યુવાનને મળો, રતન ટાટા પણ લે છે તેની સલાહ

શાંતનુએ નાની ઉંમરમાં જ બિઝનેસ ઇન્ડસ્ટ્રીમાં આગવું સ્થાન મેળવ્યું

આજે અહીં એક એવા યુવાનની વાત કરવી છે જેણે નાની ઉંમરમાં જ બિઝનેસ ઇન્ડસ્ટ્રીમાં આગવું સ્થાન મેળવ્યું છે. દિગ્ગજ બીઝનેસમેન રતન ટાટા પણ તેના આઈડિયાના ચાહક છે

    નવી દિલ્હી : આજે અહીં એક એવા યુવાનની વાત કરવી છે જેણે નાની ઉંમરમાં જ બિઝનેસ ઇન્ડસ્ટ્રીમાં આગવું સ્થાન મેળવ્યું છે. દિગ્ગજ બીઝનેસમેન રતન ટાટા પણ તેના આઈડિયાના ચાહક છે. આ યુવાનનું નામ શાંતનુ નાયડુ છે. ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન રતન ટાટા જે પણ સ્ટાર્ટઅપમાં પોતાનું વ્યક્તિગત રોકાણ કરે છે તેની પાછળ શાંતનુ નાયડુનું મગજ હોય છે. તેમના કામે ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન રતન ટાટાનું દિલ જીતી લીધું છે. ચાલો જાણીએ શાંતનુના જીવન અંગે..

    શાંતનુ કરે છે સ્ટાર્ટઅપને મદદ

    નાયડુ પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર દર રવિવારે ઓન યોર સ્પાર્ક્સ સાથે લાઈવ આવે છે. તેમણે અત્યાર સુધીમાં સાત સેશનમાં ભાગ લીધો છે. નાયડુ ઓન યોર સ્પાર્ક્સ વેબીનાર માટે વ્યક્તિદિઠ રૂ. 500 ચાર્જ કરે છે. તેમની કંપનીનું નામ મોટોપોઝ(Motopaws) છે. જે કૂતરાના કોલરને ડિઝાઇન અને નિર્માણ કરે છે. જે અંધારામાં પણ ચમકે છે. જેથી કૂતરાઓ સાથેના અકસ્માતને ખાળી શકાય. આ કંપનીનું કામ 20થી વધુ શહેરો અને 4 દેશોમાં પથરાયેલું છે.

    કૂતરા તરફ લાગણીના કારણે ટાટાની નજરમાં આવ્યા

    શાંતનુ કહે છે કે, તેણે વાહનોની હડફેટે આવી જતા ઘણા કૂતરાને મરતા જોયા છે. તે ખૂબ જ પીડાદાયક હતું. ડ્રાઇવરો યોગ્ય સમયે કૂતરાઓને જોઈ શકતા નથી, જે અકસ્માતોનું મોટું કારણ હોય છે. આનાથી શાંતનુને કૂતરા માટે કોલર રિફ્લેક્ટર બનાવવાનો વિચાર આવ્યો હતો. કેટલાક પ્રયોગો પછી મોટોપોઝ નામના કોલર બનાવવામાં આવ્યા હતા. જેથી ડ્રાઇવરો રાત્રે સ્ટ્રીટ લાઇટ વગર પણ દૂરથી કૂતરાઓને જોઈ શકતા હતા. પરિણામે શેરીના કૂતરાઓના જીવ બચી રહ્યા હતા. આ નાના પણ મહત્વના કામને ટાટા જૂથની કંપનીઓના ન્યૂઝલેટરમાં ટાંકવામાં હતું. રતન ટાટાએ પણ આ વાતની નોંધ લીધી હતી. જેઓ પોતે કૂતરાઓને ખૂબ પસંદ કરે છે.

    પિતાના કહેવાથી ટાટાને લખ્યો પત્ર, આવી ગયું આમંત્રણ

    પિતાના કહેવાથી શાંતનુએ ટાટાને પત્ર લખ્યો હતો. ત્યારબાદ તેમને રતન ટાટાને મળવાનું આમંત્રણ મળ્યું હતું. શાંતાનુ ટાટા જૂથમાં કામ કરનારી તેના પરિવારની પાંચમી જનરેશન છે. પરંતુ ક્યારેય ટાટાને મળવાની તક મળી નહોતી. આ બેઠકમાં ટાટાએ સ્ટ્રીટ ડોગ્સ પ્રોજેક્ટની મદદની ઓફર કરી પરંતુ શાંતનુએ ના પાડી હતી. ટાટાએ આગ્રહ કર્યો અને રોકાણ કર્યું હતું. રતન ટાટાએ રોકાણ કર્યા બાદ મોટોપોઝની પહોંચ દેશના 11 શહેરો સુધી થઈ ગઈ હતી. આ કારણે ટાટા સાથે તેમની મુલાકાતોનો દૌર ચાલુ હતો.

    2018માં ટાટાની ઓફીસમાં કામ કરવાની તક મળી

    એક દિવસ શાંતનુએ રતન ટાટાને કોર્નેલમાં એમબીએ કરવા વિશે કહ્યું હતું. કોર્નેલમાં પ્રવેશ પણ મળી ગયો હતો. એમબીએ દરમિયાન આખું ધ્યાન એન્ટરપ્રેન્યોરશિપ, રોકાણ, નવા સ્ટાર્ટઅપ્સ તેમજ વિશ્વસનીય સ્ટાર્ટઅપ્સ, રસપ્રદ વ્યવસાયિક વિચારો અને કી ઉદ્યોગના ટ્રેન્ડ શોધવા પર હતું. અભ્યાસક્રમ પૂરો થયા પછી વર્ષ 2018માં તેમને ટાટા તરફથી તેમની ઓફિસમાં જોડાવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું.

    શાંતનુ કહે છે કે, તેમની સાથે કામ કરવું એ સન્માનની વાત છે. આ પ્રકારની તક જીવનમાં ફક્ત એક જ વાર આવે છે. તેમની સાથે રહેવાથી દર મિનિટે કંઈક નવું શીખવા મળે છે. ક્યારેય જનરેશન ગેપ જેવું લાગ્યું નથી. તમે રતન ટાટા સાથે કામ કરી રહ્યા છો તેવું તેઓ તમને ક્યારેય અનુભવવા દેતા નથી.

    સ્ટાર્ટઅપ્સને મળે છે ટાટાના અનુભવનો લાભ

    81 વર્ષના રતન ટાટાને દેશના સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં ઊંડો વિશ્વાસ છે. 2016ના જૂન મહિનામાં રતન ટાટાની પ્રાઈવેટ ઇન્વેસ્ટમેન્ટ કંપની આરએનટી એસોસિએટ્સ અને યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા ઓફ ધી રિજન્ટ્સે ભારતમાં 'યુસી-આરએનટી ફંડ્સ' તરીકે નવા સ્ટાર્ટઅપ્સ, નવી કંપનીઓ અને અન્ય સાહસોને ફંડ આપવા હાથ મિલાવ્યા હતા. જોકે, રતન ટાટાના મોટાભાગના રોકણોની રકમ અંગે જાણકારી નથી. પરંતુ જે પણ સ્ટાર્ટઅપ તેઓને પોતાની સાથે રાખવામાં સફળ રહે છે. તેઓને નાણાકીય મદદની સાથે રતન ટાટાના અનુભવનો ખજાનો પણ મળી જાય છે.
    First published:

    Tags: Business, Business news, Ratan Tata, રતન ટાટા

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો