Vedanta Semiconductor Plant: જો આવું થયું તો હાલ રુ.1 લાખમાં મળતું લેપટોપ ફક્ત રુ. 40 હજારમાં મળી શકે છે, શું ખરેખર આ શક્ય છે, હાલમાં જ ગુજરાતના અમદાવાદ પાસે વેદાંતા અને ફોક્સકોન દ્વારા ભારતના ઇતિહાસનું સૌથી મોટું રોકાણ કરવાની જાહેરાત કરી છે. આ સમયે વેદાંતાના ચેરમેને દાવો કર્યો હતો કે એકવાર ભારતમાં તેમનો પ્લાન્ટ પ્રોડક્શન ચાલું કરશે પછી અનેક પ્રોડક્ટની કિંમતોમાં મોટો ઘટાડો થશે.
મુંબઈઃ ગુજરાતના અમદાવાદમાં ભારતની આઝાદી પછીનું સૌથી મોટું પ્રાઈવેટ ઇન્વેસ્ટમેન્ટ થવા જઈ રહ્યું છે. ભારતીય કંપની વેદાંતા તાઈવાનની ઈલેક્ટ્રોનિક્સ કંપની ફોક્સકોન સાથે મળીને ગુજરાતમાં રૂ. 1.54 લાખ કરોડના ખર્ચે નવો સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપી રહી છે. વેદાંતાના ચેરમેન અનિલ અગ્રવાલે અમારી પાર્ટનર ચેનલ CNBC-TV18 સાથે વાત કરતાં જણાવ્યું હતું કે ભારતમાં સેમિકન્ડક્ટર ચિપ્સના ઉત્પાદનથી ઘણી પ્રોડક્ટ્સની કિંમતોમાં મોટો ઘટાડો જોવા મળી શકે છે. તેમણે ચેનલને કહ્યું, “આજે એક સારા લેપટોપની કિંમત લગભગ રૂ.1 લાખ આસપાસ છે અને એકવાર ગ્લાસ તેમજ સેમિકન્ડક્ટર ચિપ ભારતમાં ઉત્પાદન થવા લગાશે પછી આ લેપટોપની કિંમત રૂ. 40,000 અથવા તેનાથી પણ ઓછી હોઈ શકે છે. તેમણે કહ્યું હતું કે, "હાલમાં ગ્લાસનું ઉત્પાદન તાઇવાન અને કોરિયામાં થાય છે, પરંતુ ટૂંક સમયમાં તેનું ઉત્પાદન ભારતમાં પણ કરવામાં આવશે."
તેમણે વધુમાં કહ્યું હતું કે દેશની આન્ત્રપ્રેન્યોરશિપ ક્ષમતાઓને ધ્યાનમાં રાખતા વેદાન્તા મહારાષ્ટ્રમાં પણ એક મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપશે. જ્યાં મોબાઇલ ફોન, લેપટોપ અને ઇલેક્ટ્રિક વાહનો (EVs) જેવા ઉત્પાદનો માટે જરુરી પ્રોડક્ટનું ઉત્પાદન કરવામાં આવશે. વેદાંત અને ફોક્સકોનના સંયુક્ત સાહસ અંગે જણાવતા તેમણે કહ્યું, “એવી કોઈ સંસ્થા નથી જે અમને ભંડોળ આપવા ન માંગતી હોય. ફોક્સકોન 38 ટકા ઇક્વિટી હશે અને તે રીતે આ કંપનીઓ અમારા પ્રોડક્શન યુનિટ માટે જરુરી ભંડોળ લઈને આવશે. આ પ્રોજેક્ટ માટે ભંડોળ ક્યારેય અડચણ નહીં બને.
તમને જણાવી દઈએ કે વેદાંતાએ ફોક્સકોન મળીને 13 સપ્ટેમ્બરના રોજ ગુજરાત રાજ્ય સરકાર સાથે રૂ.1.54 લાખ કરોડના રોકાણ સાથે ચિપ અને ડિસ્પ્લે FAB પ્લાન્ટ સ્થાપવા અંગે કરાર કર્યા હતા. આ પ્રોજેક્ટ વેદાંતાના સૌથી મોટા રોકાણમાં સામેલ છે. સેમિકન્ડક્ટર માર્કેટ ઝડપથી વધી રહ્યું છે અને આગામી ચાર વર્ષમાં એટલે કે વર્ષ 2026 સુધીમાં તે $6300 મિલિયન સુધી પહોંચી શકે છે. વર્ષ 2020 માં આ માર્કેટ માત્ર $1500 મિલિયનનું હતું.
સેમીકન્ડક્ટરનો ઉપયોગ ઓટો અને સ્માર્ટફોન ઉદ્યોગમાં વ્યાપક પ્રમાણમાં થાય છે. આ સિવાય તેનો ઉપયોગ ઇલેક્ટ્રિક સામાનમાં પણ થાય છે. અત્યારે વિશ્વના મોટાભાગના દેશો ચિપની સપ્લાય માટે તાઈવાન સહિત અન્ય દેશો પર નિર્ભર છે, પરંતુ ટૂંક સમયમાં ભારત પણ તેમાં સામેલ થઈ શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર