નવી દિલ્હી: એલઆઈસીના આઈપીઓ (LIC IPO) માટે અરજી કરનારા લોકો માટે સારા સમાચાર નથી. એલઆઈસીના શેરનું ગ્રે માર્કેટ પ્રીમિયમ (LIC IPO GMP) ઝીરોથી નીચે ચાલ્યું ગયું છે. ગ્રે માર્કેટ પ્રીમિયમ પરથી એ વાતનો સંકેત મળે છે કે આઈપીઓનું લિસ્ટિંગ (LIC IPO listing) કેવું થશે. એલઆઈસીનો શેર 17મી મેના રોજ બજારમાં લિસ્ટ થશે. સૌથી ખાસ વાત એ છે કે રિટેલ રોકાણકારો (Retail investors) તરફથી આઈપીઓને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે.
આઈપીઓ કેટલો ભરાયો?
એલઆઈસીનો આઈપીઓ આશરે ત્રણ ગણો (2.95 ગણો) ભરાયો છે. આઈપીઓ મારફતે કંપની 16 કરોડ શેર (એન્કર રોકાણકારોને અલૉટ કરેલા શેરને બાદ કરતા) વેચી રહી છે. આઈપીઓમાં પૉલિસીધારકો (LIC Policyholders) માટે અનામત હિસ્સો 6.12 ગણો ભરાયો છે. એલઆઈસી કર્મચારીઓ માટે અનામત હિસ્સો 4.40 ગણો ભરાયો છે. રિટેલ રોકાણકારો માટે અનામત હિસ્સો 1.99 ગણો ભરાયો હતો. નૉન-ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ (NII) માટે અનામત હિસ્સો 2.91 ગણો ભરાયો છે. ક્વૉલિફાઇડ ઇન્સ્ટૂટ્યૂશનલ બાયર્સ (QIB) માટે અનામત હિસ્સો 2.83 ગણો ભરાયો છે.
ગ્રે માર્કેટ પ્રીમિયમ (LIC GMP)
ગ્રે માર્કેટમાં એલઆઈસીના શેરનું પ્રીમિયમ નેગેટિવ થઈ ગયું છે. એક ટ્રેડરે નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું કે, "એક સમયે ગ્રે માર્કેટમાં એલઆઈસીના શેરનો ભાવ 93-95 રૂપિયા પ્રતિ શેર પહોંચી ગયો હતો. જે બાદથી તે સતત ઘટી રહ્યું છે. પાંચમી મેના રોજ પ્રીમિયમ 8-10 રૂપિયા થઈ ગયું હતું. છઠ્ઠી મેના રોજ તે 10 રૂપિયા થઈ ગયું હતું. બુધવારે તે ઘટીને માઇનસ 15 પૈસા થઈ ગયું છે."
...તો રોકાણકારોને મળશે નિરાશા
જો એલઆઈસીના શેરનું લિસ્ટિંગ ઇશ્યૂથી ઓછી કિંમતે થાય છે તો લિસ્ટિંગ લાભના ઇરાદે આઈપીઓ ભરનારા રોકાણકારોને નિરાશા મળશે. ઉલ્લેખનીય છે કે એલઆઈસીના આઈપીઓ પહેલા ખૂબ મોટા પ્રમાણમાં ડીમેટ ખાતા ખુલ્યા છે. એપ્રિલ મહિનામાં જ 40 લાખ ડીમેટ ખાતા ખુલ્યા છે. આ વર્ષે જાન્યુઆરીથી એપ્રિલ દરમિયાન એક કરોડ નવા ડીમેટ ખાતા ખુલ્યા છે.
નવા ડીમેટ ખાતા ખોલનારા લોકોમાં મોટી સંખ્યામાં એલઆઈસીના પૉલિસીધારકો છે. જોકે, એલઆઈસીએ પૉલિસીધારકોને પ્રતિ શેર 60 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપ્યું છે, જેનાથી આઈપીઓમાં રોકાણ કરવાની ચાહત વધી ગઈ છે. આ એવા લોકો છે જે પહેલા સ્ટૉક માર્કેટમાં રોકાણ કરતા ન હતા. જો એલઆઈસીનો શેર ઇશ્યૂ કિંમતની નજીક લિસ્ટ થાય છે તો તેમને સામાન્ય નફો થશે. આવી સ્થિતિમાં પ્રતિ શેર 60 રૂપિયાનો લાભ નક્કી છે, જે તેમને ડિસ્કાઉન્ટ સ્વરૂપે મળ્યો છે.
એલઆઈસી તરફથી અલોટમેન્ટની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમે શેર લાગ્યા કે નહીં તે તપાસી શકો છો. આ માટે તમે BSEની વેબસાઇટ અથવા આઈપીઓ માટે અધિકૃત રજિસ્ટ્રારની વેબસાઇટ પર સ્ટેટસ જોઈ શકો છો. એલઆઈસીના આઈપીઓ માટે ઑફિશિયલ રજિસ્ટ્રાર કેફિન ટેક્નોલોજીસ (KFin Technologies) છે. હાલ કેફિન વેબસાઇટ પર અલોટમેન્ટ સ્ટેટસ ચેક કરવા પર Coming Soon સંદેશ આવી રહ્યો છે. (વાંચો સમગ્ર અહેવાલ...)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર