Home /News /business /

LIC IPO: આઈપીઓ ખુલતા પહેલા એલઆઈસીના ગ્રે માર્કેટ પ્રીમિયમમાં પાંચ ગણો વધારો, જાણો આજનું GMP

LIC IPO: આઈપીઓ ખુલતા પહેલા એલઆઈસીના ગ્રે માર્કેટ પ્રીમિયમમાં પાંચ ગણો વધારો, જાણો આજનું GMP

એલઆઈસી આઈપીઓ

LIC IPO GMP: છેલ્લા 10 દિવસમાં એલઆઈસીના ઇશ્યૂનું ગ્રે માર્કેટ પ્રીમિયમ 15 રૂપિયાથી વધીને 75 રૂપિયા પર પહોંચ્યું. એલઆઈસીના આઈપીઓમાં પૉલિસીધારકોને 60 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે.

    નવી દિલ્હી: દેશના સૌથી મોટા આઈપીઓ (IPO) એટલે કે એલઆઈસીના આઈપીઓ (LIC IPO) માટે આજે એન્કર બુક ખુલશે. અન્ય રોકાણકારો માટે આઈપીઓ ચોથી મેના રોજ ખુલશે અને નવમી મેના રોજ બંધ થશે. આઈપીઓ ખુલે તે પહેલા જ એલઆઈસીના શેરના ગ્રે માર્કેટ પ્રીમિયમ (Grey Market Premium)માં ખૂબ વધારો થયો છે. છેલ્લા 10 દિવસથી ઇશ્યૂના ગ્રે માર્કેટ પ્રીમિયમમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. એલઆઈસીનું ગ્રે માર્કેટ પ્રીમિયમ (GMP) 15 રૂપિયાથી વધીને 70 રૂપિયા સુધી પહોંચી ગયું છે. બીજી મેના રોજ એટલે કે આજે એલઆઈસીના આઈપીઓનું ગ્રે માર્કેટ પ્રીમિયમ વધીને 75 રૂપિયા થઈ ગયું છે.

    ગ્રે માર્કેટ પ્રીમિયમ (LIC Grey Market Premium)


    એલઆઈસીએ આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ (LIC Price Band) 902-949 રૂપિયા રાખી છે. આ પ્રમાણે હાલ અનલિસ્ટેડ માર્કેટમાં એલઆઈસીનો એક શેર 1,020 રૂપિયા (949+72) લેખે ટ્રેડ થઈ રહ્યો છે. એટલે કે આઈપીઓ ખુલ્યા પહેલા જ ગ્રે માર્કેટમાં સારી એવી તેજી નજરે પડી રહી છે. છેલ્લા 15 દિવસમાં એલઆઈસીના ગ્રે માર્કેટ પ્રીમિયમમાં સતત વધારો નોંધાયો છે. એલઆઈસી તેના પૉલિસીધારકોને આઈપીઓમાં પ્રતિ શેર 60 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ ઉપરાંત કર્મચારીઓ અને રિટેલ રોકાણકારોને પ્રતિ શેર 45 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. આ જ કારણ છે કે લોકો એલઆઈસીના આઈપીઓમાં વધુ રસ લઈ રહ્યા છે.

    શું રોકાણ કરવું જોઈએ?


    કંપનીના ઇશ્યૂ અંગે આનંદ રાઠી (Anand Rathi)એ કહ્યુ કે, LIC છેલ્લા 65 વર્ષથી ભારતના લોકોને લાઇફ ઇન્શ્યોરન્સ પ્રોડક્ટ આપી રહી છે. તે દેશની સૌથી મોટી વીમા કંપની છે. પ્રીમિયમ પ્રમાણે બજારમાં તેની ભાગીદારી 61.6 ટકા છે. ન્યૂ બિઝનેસ પ્રીમિયમ પ્રમાણે તેની બજારમાં ભાગીદારી 61.4 ટકા છે. જાહેર કરવામાં આવેલી વ્યક્તિગત પૉલિસીના કેસમાં તેની ભાગીદારી 71.8 ટકા છે.

    પ્રાઇસ બેન્ડના ઉપરના સ્તર પર એલઆઈસીના આઈપીઓની કિંમત તેની એમ્બેડેડ કિંમતથી 1.11 ગણી છે. રોકાણકારો માટે એલઆઈસીનો આઈપીઓ આકર્ષક છે. એલઆઈસીએ સૌથી મોટો આઈપીઓ રજૂ કર્યો છે. તેની પ્રોડક્ટ્સમાં વૈવિધ્યતા છે. નાણાંકીય ઇતિહાસ સારો રહ્યો છે. આ જ કારણે આનંદ રાઠીએ એલઆઈસીનો આઈપીઓ ભરવાની સલાહ આપી છે.

    અરિહંત કેપિટલ તરફથી કહેવામાં આવ્યું છે કે એલઆઈસીના આઈપીઓ મારફતે 3.5 ટકા ભાગીદારી વેચીને સરકાર આશરે 21 હજાર કરોડ રૂપિયા એકઠા કરશે. પ્રીમિયમ, જાહેર કરેલી પોલિસી અને નવા બિઝનેસ પ્રીમિયમ પ્રમાણે તે દેશની સૌથી મોટી વીમા કંપની છે. તેનો બજારમાં હિસ્સો 61.4 ટકા છે, જ્યારે તેના સૌથી મોટા પ્રતિસ્પર્ધીનો બજાર હિસ્સો 9.16 ટકા છે. એલઆઈસીના પોર્ટફોલિયોમાં તમામ પ્રકારની પ્રોડક્ટ છે.

    અલોટમેન્ટ (LIC stock allotment)


    એલઆઈસીના શેરનું અલોટમેન્ટ 16મેના રોજ થશે. જે લોકોને શેર નથી લાગ્યા તેમના ખાતામાં 17મી મે સુધી શેર આવી જશે. જેમને શેર નથી લાગ્યા તેમના પૈસા પરત આવી જશે.

    કેટલું ડિસ્કાન્ટ મળશે?


    આ આઈપીઓમાં એલઆઈસીના પૉલિસીધારકોને 60 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. બીજી તરફ રિટેલ રોકાણકારો અને કર્મચારીઓને 45 રૂપિયા ડિસ્કાઉન્ટ મળશે.

    આ પણ વાંચો: શું તમારી પાસે LICની પૉલિસી છે? જાણો આઈપીઓમાં તમને કેટલો ફાયદો મળશે

    કોના માટે કેટલો હિસ્સો અનામત (LIC IPO Quota)


    પૉલિસીધારકોને આઈપીઓ પ્રત્યે પ્રોત્સાહિત કરવા માટે આ આઈપીઓમાં 10 ટકા હિસ્સો પૉલિસીધારકો માટે અનામત રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત આઈપીઓમાં કર્મચારીઓ માટે પણ અમુક ટકા હિસ્સો અનામત રહેશે.

    આશરે 50 ટકા હિસ્સો ક્વૉલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIB) માટે અનામત હશે. આઈપીઓનો આશરે 15 ટકા હિસ્સો નૉન-ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ (NII) અને 35 ટકા હિસ્સો રિટેલ રોકાણકારો માટે અનામત હશે.

    માર્ચમાં લોંચ થવાનો હતો આઈપીઓ


    સરકારે ફેબ્રુઆરીમાં સેબી સમક્ષ રજૂ કરેલા દસ્તાવેજ પ્રમાણે એલઆઈસીનો આઈપીઓ માર્ચ 2022ના અંત સુધીમાં લિસ્ટ થવાનો હતો. જોકે, રશિયા અને યુક્રેન યુદ્ધને પગલે વિશ્વભરના બજારોમાં આવેલી મંદીને પગલે સરકારે આઈપીઓ લોંચ કરવાનો પ્લાન મુલતવી રાખ્યો હતો.

    આ પણ વાંચો: આઈપીઓમાં મૂડી લગાવતા પહેલા આ પાંચ વાત જરૂરથી ધ્યાનમાં રાખો

    મહત્ત્વની તારીખો (LIC IPO important dates)


    આઈપીઓ ખુલશે - May 4, 2022
    આઈપીઓ બંધ થશે - May 9, 2022
    શેરનું અલોટમેન્ટ - May 12, 2022
    રિફંડ - May 13, 2022
    ડિમેટ ખાતામાં શેર આવશે - May 16, 2022
    લિસ્ટિંગ તારીખ - May 17, 2022

    કેટલું રોકાણ કરવું પડશે?


    રિટેલ રોકાણકારો એલઆઈસીના આઈપીઓમાં લૉટમાં બીડ કરી શકશે. એક લૉટમાં 15 શેર હશે. એલ લૉટ માટે ઓછામાં ઓછું ₹14,235નું રોકાણ કરવું પડશે. વધુમાં વધુ 14 લૉટ માટે બોલી લગાવી શકશે. આ માટે 210 શેર માટે ₹199,290નું રોકાણ કરવું પડશે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: GMP, Investment, IPO, LIC IPO

    આગામી સમાચાર