Home /News /business /IPO ભરવા ઇચ્છતા પોલિસીધારકો માટે LIC તરફથી ખાસ સંદેશ, આ કામ કરવું જરૂરી
IPO ભરવા ઇચ્છતા પોલિસીધારકો માટે LIC તરફથી ખાસ સંદેશ, આ કામ કરવું જરૂરી
એલઆઈસી આઈપીઓ
LIC IPO Latest News: 13મી ફેબ્રુઆરીના રોજ સરકાર હસ્તકની LIC એ સેબી સમક્ષ પાંચ ટકા હિસ્સો વેચવા માટે DRHP દાખલ કર્યું છે. આઈપીઓ મારફતે સરકાર 5 ટકા હિસ્સો વેચશે અને 31.6 કરોડ શેર બજારમાં મૂકશે.
મુંબઇ. LIC IPO Latest News: દેશની સૌથી મોટી વીમા કંપની LIC (Life insurance corporation)નો આઈપીઓ માર્ચ મહિનામાં આવી શકે છે. આઈપીઓમાં પોલિસીધારકો (LIC policyholders) અને કર્મચારીઓ માટે અમુક હિસ્સો અનામત રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત બંનેને ઇશ્યૂ પ્રાઇસ (Issue price) પર ડિસ્કાઉન્ટ પણ મળી શકે છે. આઈપીઓ માટે એલઆઈસીએ SEBI સમક્ષ તાજેતરમાં જ DRHP (draft red herring prospectus) દાખલ કર્યું છે. જે પ્રમાણે એલઆઈસીએ તેના વર્તમાન પોલિસીધારકોને 28મી ફેબ્રુઆરી સુધી પોતાની પોલિસીમાં PAN કાર્ડની વિગત અપડેટ કરવાની સૂચના આપી છે. આ સૂચના એવા લોકો માટે છે જેઓ આઈપીઓ ભરવા માંગે છે.
13મી ફેબ્રુઆરીના રોજ સરકાર હસ્તકની LIC એ સેબી સમક્ષ પાંચ ટકા હિસ્સો વેચવા માટે DRHP દાખલ કર્યું છે. આઈપીઓ મારફતે સરકાર 5 ટકા હિસ્સો વેચશે અને 31.6 કરોડ શેર બજારમાં મૂકશે. આઈપીઓ ઇશ્યૂ કિંમત પર વર્તમાન પૉલિસીધારકો અને કર્મચારીઓને અમુક ડિસ્કાઉન્ટ ઑફર કરવામાં આવે તેવી પણ શક્યતા છે.
એલઆઈસીનો પોલિસીધારકો માટે ખાસ સંદેશ
"અમારા પોલિસીધારકોએ એ વાતની ખાતરી કરવાની રહેશે કે તેમનું નામ પોલિસી રેકોર્ડમાં છે કે નહીં. DRHP દાખલ કર્યાંના બે અઠવાડિયામાં (28 ફેબ્રુઆરી સુધી) જે પોલિસીધારકોએ પોતાના પાન કાર્ડની વિગત અમારા રેકોર્ડમાં અપડેટ નહીં કરી હોય તે લોકોને લાયક પોલિસીધારકો નહીં ગણવામાં આવે," એલઆઈસીએ DRHPમાં આવી વિગતો લખી છે. ઉલ્લેખનીય છે કે પોલિસીધારકો તેના પાન કાર્ડની વિગતો LICની વેબસાઇટ અથવા એજન્ટ મારફતે કરી શકે છે.
સેબી પાસે જમા કરવામાં આવેલા પ્રોસ્પેક્ટ્સ પ્રમાણે ઇશ્યૂનો વધુમાં વધુ 10 ટકા હિસ્સો પૉલિસીધારકો માટે અનામત રહેશે. કોઈ પણ સંજોગોમાં અનામત હિસ્સો 10 ટકાથી વધારે ન હોઈ શકે. જો કોઈની પોલિસી લેપ્સ થઈ ચૂકી હોય તો પણ તે રિઝર્વ ક્વોટા માટે બોલી લગાવી શકશે.
એલઆઈસીના કર્મચારીઓ માટે કુલ પાંચ ટકા હિસ્સો અનામત રહેશે. કંપની ઇશ્યૂ કિંમત પર કર્મચારી અને પૉલિસીધારકોને કેટલું ડિસ્કાઉન્ટ આપશે તેની કોઈ વિગત સામે આવી નથી. આ વાત ઇશ્યૂ શરૂ થયાના બે દિવસ પહેલા જ માલુમ પડશે. આ ઇશ્યૂ સંપૂર્ણ રીતે ઑફર ફૉર સેલ હશે. જેમાં સરકાર પોતાની પાંચ ટકા ભાગીદારી વેચશે.
આ રીતે તમે તમારી PANની વિગતો અપડેટ કરી શકો છો:
- સૌ પ્રથમ https://linkpan.licindia.in/UIDSeedingWebApp/getPolicyPANStatus પર જાઓ.
- હવે તમારો પોલીસી નંબર, જન્મ તારીખ, PAN અને કેપ્ચા કોડ વગેરે માહિતી દાખલ કરો અને સબમિટ પર ક્લિક કરો.
- આટલું કર્યા બાદ તમે તમારી પોલીસી અને PAN લિંકનું સ્ટેટસ જાણી શકશો.