Home /News /business /LIC IPO Updates: એલઆઈસીનો આઈપીઓ શનિવાર અને રવિવારે પણ ભરી શકાશે; ગ્રે માર્કેટ પ્રીમિયમમાં સતત ઘટાડો
LIC IPO Updates: એલઆઈસીનો આઈપીઓ શનિવાર અને રવિવારે પણ ભરી શકાશે; ગ્રે માર્કેટ પ્રીમિયમમાં સતત ઘટાડો
એલઆઈસી આઈપીઓ
LIC IPO subscription data: ક્વૉલિફાઇડ ઇન્સ્ટીટ્યૂશનલ બાયર્સ (QIB) અને નૉન-ઇન્સ્ટીટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ (NII) માટે અનામત હિસ્સો હજુ સુધી સંપૂર્ણ નથી ભરાયો. બંને ક્રમશ: 55 ટકા અને 68 ટકા ભરાયા છે.
મુંબઇ. LIC IPO Day-3: દેશની સૌથી મોટી જીવન વીમા કંપની LIC (Life Insurance corporation of India)નો IPO (Initial public offering) ત્રણ દિવસના અંતે 1.33 ગણો ભરાયો છે. LIC આઈપીઓ અંતર્ગત 16.2 કરોડ શેર વેચી રહી છે. જેના બદલામાં 21.51 કરોડ શેર માટે બીડ મળી ચૂકી છે. ત્રીજા દિવસના અંતે પૉલિસીધારકો (LIC Policyholders) માટે અનામત હિસ્સો સૌથી વધારે ભરાયો છે. પૉલિસીધારકો માટે અનામત હિસ્સો ત્રણ દિવસના અંતે 3.89 ગણો ભરાયો છે. કર્મચારીઓ માટે અનામત હિસ્સો 2.96 ગણો ભરાયો છે. રિટેલ રોકાણકારો માટે અનામત હિસ્સો 1.19 ગણો ભરાયો છે.
ક્વૉલિફાઇડ ઇન્સ્ટીટ્યૂશનલ બાયર્સ (QIB) અને નૉન-ઇન્સ્ટીટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ (NII) માટે અનામત હિસ્સો હજુ સુધી સંપૂર્ણ નથી ભરાયો. બંને ક્રમશ: 55 ટકા અને 68 ટકા ભરાયા છે. સામાન્ય રીતે એવું જોવા મળતું હોય છે કે QIB અને NII રોકાણકારો આઈપીઓના અંતિમ દિવસે મોટા પ્રમાણમાં રોકાણ કરતા હોય છે.
ગ્રે માર્કેટ પ્રીમિયમ (LIC IPO GMP)
બીજી તરફ એલઆઈસીના આઈપીઓના ગ્રે માર્કેટ પ્રીમિયમમાં સતત ઘટાડો થયો છે. રિઝર્વ બેંક તરફથી રેપો રેટમાં વધારો કરવામાં આવ્યા બાદથી ગ્રે માર્કેટ 125 રૂપિયાથી ઘટીને 50 રૂપિયા પર આવી ગયું છે. બજાર નિષ્ણાતો માની રહ્યા છે કે શેર બજારના સેન્ટીમેન્ટ્સ સુધરવાની સાથે જ ગ્રે માર્કેટ પ્રીમિયમમાં ફરીથી વધારો જોવા મળશે.
એલઆઈસીના આઈપીઓ માટે નવમી મે સુધી બોલી લગાવી શકાશે. આજે એટલે કે શનિવારે અને રવિવારે પણ આઈપીઓ ભરી શકાશે. એલઆઈસીનો આઈપીઓ ચોથી મેના રોજ ખુલ્યો હતો. એક રિપોર્ટ પ્રમાણે એસબીઆઈ આઈપીઓ માટે પોતાની બ્રાંચ શનિવારે અને રવિવારે ખુલ્લી રાખશે. એલઆઈસીએ પોતાના આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 902-949 રૂપિયા રાખી છે. આઈપીઓમાં રોકાણ કરવા માંગતા પૉલિસીધારકોને એલઆઈસી પ્રતિ શેર 60 રૂપિયા ડિસ્કાઉન્ટ આપી રહી છે. બીજી તરફ રિટેલ રોકાણકારો અને કર્મચારીઓને પ્રતિ શેર 45 રૂપિયા ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.
એલઆઈસી દેશની સૌથી મોટી વીમા કંપની છે. બજારમાં તેની ભાગીદારી 61 ટકાથી વધારે છે. એલઆઈસી દુનિયાની પાંચમી સૌથી મોટી જીવન વીમા કંપની છે. કુલ અસ્કયામતોની દ્રષ્ટીએ તે દુનિયાની 10મી સૌથી મોટી જીવન વીમા કંપની છે. એલઆઈસીના દેશભરમાં 13.5 લાખ એજન્ટ્સ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર