29 કરોડ પોલિસીધારકો અને 11 લાખ Agents, ભારતીય સ્ટૉક માર્કેટની તસવીર બદલી શકે છે LIC IPO
29 કરોડ પોલિસીધારકો અને 11 લાખ Agents, ભારતીય સ્ટૉક માર્કેટની તસવીર બદલી શકે છે LIC IPO
એલઆઈસી આઈપીઓ
Life Insurance Corporation IPO: LIC આઈપીઓ મારફતે 70,000 કરોડથી 1,00,000 કરોડ રૂપિયા એકઠા કરવા માંગે છે. હાલ આ કંપનીમાં સરકારની ભાગીદારી 100 ટકા છે. લિસ્ટિંગ બાદ એલઆઈસીનું વેલ્યૂએશન 13થી 15 લાખ કરોડ રૂપિયા રહેવાની આશા છે.
નવી દિલ્હી: ભારતીય જીવન વીમા નિગમ (Life Insurance Corporation of India)નો આઈપીઓ (LIC IPO) આવતા મહિને આવશે. કંપની આઈપીઓ મારફતે 70,000 કરોડથી 1,00,000 કરોડ રૂપિયા એકઠા કરવા માંગે છે. હાલ આ કંપનીમાં સરકારની ભાગીદારી 100 ટકા છે. લિસ્ટિંગ બાદ એલઆઈસીનું વેલ્યૂએશન (LIC Valuation) 13થી 15 લાખ કરોડ રૂપિયા રહેવાની આશા છે. આ રીતે એલઆઈસી દેશની સૌથી મોટી કંપનીઓની ક્લબમાં સામેલ થશે. આ આઈપીઓ ભારતીય શેર બજાર (Indian Stock Market) માટે અનેક રીતે મહત્ત્વ ધરાવે છે.
29 કરોડથી વધારે ગ્રાહકો
એલઆઈસીની સ્થાપના 1888માં થઈ હતી. એલઆઈસીના પૉલિસીધારકોની સંખ્યા 29 કરોડ છે. કંપની પોતાના ગ્રાહકો માટે શેર રિઝર્વ રાખવા અંગે વિચારી રહી છે. જે પોલિસીધારકોનું પાન કાર્ડ પોલિસી સાથે લિંક હશે તેમને ફાયદો મળશે. કંપની તેમને ડિસ્કાઉન્ટ પણ આપી શકે છે.
11 લાખ એજન્ટ્સ
દેશભરમાં એલઆઈસીની આઠ ઝોનલ ઓફિસ આવેલી છે. આ આઠ ઝોનલ ઓફિસ હેઠળ 113 વિભાગીય ઑફિસ આવેલી છે. દેશભરમાં એલઆઈસીના 11.48 લાખ એજન્ટ્સ છે. એલઆઈસીની 2,000 કરતા વધારે બ્રાંચ છે. એલઆઈસી 57,780 કરોડ રૂપિયા સરપ્લસ જનરેટ કરે છે. જેમાંથી 2,889 કરોડ રૂપિયા ડિવિડન્ટ તરીકે સરકારે ચૂકવવામાં આવે છે.
દાવાની ચૂકવણીનું પ્રમાણે 98 ટકાથી વધારે
એલઆઈસીનો ક્લેમ સેટલમેન્ટ રેશિયો 98.27 ટકા છે. આટલી જૂની અને આટલી મોટી કંપનીનો આટલો મોટો ક્લેમ સેટલમેન્ટ રેશિયો તેના કામની ગુણવત્તાની ખાતરી આપે છે. તેનો સૉલ્વેન્સી રેશિયો 176 ટકા છે, જે 150 ટકાના નિર્ધારિત માપદંડથી વધારે છે. કુલ રોકાણ પર એલઆઈસીની એનપીએ 7.78 ટકા છે.
ભારતમાં જીવન વીમા ઉદ્યોગની વિકાસની ખૂબ મોટી સંભાવના રહેલી છે. હજુ વસ્તીનો મોટો હિસ્સો જીવન વીમા પૉલિસીથી દૂર છે. લાઇફ ઇન્શ્યોરન્સ ઇન્ડસ્ટ્રીનો વાર્ષિક ગ્રોથ 22.5 ટકા છે. એલઆઈસીનું રિટર્ન ઑન ઇન્વેસ્ટમેન્ટ પણ બીજી વીમા કંપનીઓથી વધારે છે.
ભારતીય શેર બજારની ચમક વધવાની સંભાવના
એલઆઈસીના આઈપીઓનીથી ભારતીય સ્ટૉક માર્કેટ્સની ચમક વધવાની આશા છે. એનું કારણ એવું છે કે હાલ સીડીએસએલ પાસે પાંચ કરોડથી વધારે ડીમેટ ખાતા ખુલ્યા છે. એલઆઈસીના પૉલિસીધારકોની સંખ્યા 29 કરોડથી વધારે છે, જેનાથી ડીમેટ ખાતાની સંખ્યામાં મોટો ઉછાળો આવી શકે છે.
એલઆઈસીના બોર્ડે શુક્રવારે આઈપીઓના પ્લાનને મંજૂરી આપી દીધી છે. જોકે, બોર્ડે ડ્રાફ્ટ ડોક્યુમેન્ટ્સમાં નજીવો ફેરફાર કરવાની સૂચના આપી છે. હવે 15 સભ્યોના બોર્ડની ફરીથી બેઠક મળશે. આશા છે કે આવતા અઠવાડિયે સોમવારે સુધી એલઆઈસી સેબી સમક્ષ પ્રોસ્પેક્ટ્સ મોકલી આપશે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર