મુંબઈ: ઘણા સમયથી વ્યાજદરમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. જેના કારણે બચત કરનાર લોકો પરેશાન છે. તાજેતરમાં જ જાહેર ક્ષેત્રની બેંકોએ ટેક્સ સેવિંગ ફિક્સ ડિપોઝીટ (FDs)માં 5-15 bpsનો ઘટાડો કર્યો હતો. યુનિયન બેંક (Union bank) દ્વારા વ્યાજદર 5.55થી ઘટાડીને 5.50 કરાયો હતો. જ્યારે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (State bank of India)એ પણ વ્યાજ દર 5.30 ટકાથી ઘટાડીને 5.15 કર્યો હતો.
વ્યાજદર ભલે ઘટી રહ્યા હોય, તમારે તમારા પોર્ટફોલિયોનો અમુક ભાગ વધુ વળતર આપતી ટેક્સ સેવિંગ એફડી (tax-saving FDs)માં રોકાણ કરવો જોઈએ. ટેક્સ પ્લાનિંગના નિર્ણયો તમારા ફાઇનાન્શિયલ ગોલને ધ્યાનમાં રાખીને લેવા જોઈએ. ઈક્વિટી-લિંક્ડ સેવિંગ્સ સ્કીમ (ELSS) દ્વારા વોલેટાઈલ ઇક્વિટી માર્કેટમાં રોકાણ કરવાની ભલામણ થતી નથી. આવી સ્થિતિમાં પાંચ વર્ષની ટેક્સ સેવિંગ એફડીમાં રોકાણ રોકાણકારોને રાહત આપે છે. સામાન્ય રીતે રોકાણકારો ફિક્સ્ડ ડિપોઝિટ (એફડી)માં નિશ્ચિત વળતરના કારણે તેમાં રોકાણનો આગ્રહ રાખે છે અને નીચા ટેક્સ બ્રેકેટમાં રહેલા લોકોને બેંક એફડી વધુ આકર્ષક લાગે છે.
ટેક્સ સેવિંગ FDમાં રોકાણ કરીને તમે કલમ 80C ટેક્સ ડીડક્શનનો લાભ લઈ શકો છો. આવકવેરા એકટની કલમ 80C હેઠળ ટેક્સ ડીડક્શન માટે રૂ. 1.5 લાખ સુધીના રોકાણને ક્લેમ કરી શકાય છે. સામાન્ય રીતે ટેક્સ સેવિંગ એફડીમાં પાંચ વર્ષનો લોક-ઈન પીરિયડ હોય છે અને પ્રિમેચ્યોર વિડ્રોને મંજૂરી નથી.
અત્યારે બેંક એફડીના વ્યાજદર તૂટી રહ્યા હોવ છતાં અમુક બેંકો તમને આકર્ષક વ્યાજદર ઓફર કરે છે. ઊંચા વ્યાજદર નાની ખાનગી બેંકો દ્વારા ઓફર થાય છે. બેંકબજારના ડેટા મુજબ આવી બેંકોમાં ટેક્સ સેવિંગ એફડીના વ્યાજદર 6.50 ટકા સુધીના હોય છે. આ ટકાવારી જાહેર બેંકો કરતા વધુ છે.
ઉલ્લેખનીય છે કે, DCB બેંક, RBL બેંક અને યસ બેંક ટેક્સ સેવિંગ ડિપોઝિટ પર 6.50 ટકા વ્યાજ ઓફર કરે છે. જ્યારે ઈન્ડસઈન્ડ બેંક પાંચ વર્ષની ટેક્સ સેવિંગ FD પર 6 ટકા વ્યાજ આપે છે. બીજી તરફ ઉજ્જીવન સ્મોલ ફાઈનાન્સ બેંક (Ujjivan Small Finance Bank) ટેક્સ સેવિંગ એફડીમાં 6.75 ટકા, AU સ્મોલ ફાઇનાન્સ બેંક 6.25 ટકા અને સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેન્ક (Suryoday Small Finance Bank) 6.25 ટકા વ્યાજ ઓફર કરે છે. મોટી ખાનગી બેન્કો કરતા નાની ફાઈનાન્સ બેંકો દ્વારા ઊંચા વ્યાજ દર ઓફર થાય છે. જેમાં વિદેશી બેંક ડ્યુશ બેંક (Deutsche Bank) 6.25 અને સિટી બેંક 3.50 ટકા વ્યાજ આપે છે. ટેક્સ સેવિંગ FD પર એક્સિસ બેંક 5.75 ટકા, આઈસીઆઈસીઆઈ બેંક 5.35 ટકા અને એચડીએફસી બેંક 5.30 ટકા વ્યાજ આપે છે.
નોંધનીય છે કે, 5 વર્ષની ટેક્સ સેવિંગ FD પર સૌથી વધુ વ્યાજ ઓફર કરનાર જાહેર ક્ષેત્રની બેંક યુનિયન બેંક ઓફ ઇન્ડિયા અને કેનેરા બેંક છે. આ બેંકો 5.50 ટકા વ્યાજ આપે છે. ત્યારબાદ SBI 5.40 ટકા અને BOB 5.25 ટકા વ્યાજ આપે છે. આંકડા પરથી જણાય છે કે, DCB બેંક અને યુનિયન બેંક ઓફ ઇન્ડિયાની ટેક્સ-સેવિંગ એફડીમાં રોકવામાં આવેલી રૂ. 1.5 લાખની રકમ પાંચ વર્ષ પછી અનુક્રમે 2.07 લાખ અને 1.97 લાખ થઈ જાય છે.
ગ્રાહકોનો સંખ્યા ઓછી હોય તેવી નાની ખાનગી બેંકો અને નાની ફાઈનાન્સ બેંકો દ્વારા ગ્રાહકોને આકર્ષવા માટે ઊંચા વ્યાજદર ઓફર થાય છે. બીજી તરફ જાહેર બેંકો પાસે ગ્રાહકોની સંખ્યા વધુ છે. જેથી તે ઓછા વ્યાજદર ઓફર કરે છે. જોકે, ઊંચું વ્યાજ મળતું હોય એટલે તેમાં રોકાણ કરવું જ તે જરૂરી નથી. ઊંચા વ્યાજદર આપતી બેંકમાં ડિપોઝીટ કરો પણ મજબૂત મેનેજમેન્ટ અને નાણાંકીય વ્યવસ્થા ધરાવતી બેંકો તરફ પણ નજર દોડાવવી જોઈએ.
ઉલ્લેખનીય છે કે, અહીં અપાયેલા ડેટા બેન્કોની વેબસાઇટ પરથી 21 જુલાઈ 2021ના રોજ સંકલિત કરવામાં આવ્યા હતા અને બેંકબજાર દ્વારા સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ હોય તેવી જ બેન્કોનો ઉલ્લેખ કરાયો છે. વેબસાઈટ પર ડેટા ન મુકનાર બેંકોને બાકાત રખાઈ છે. આ વ્યાજદર નોન સિનિયર સીટીઝનની પાંચ વર્ષની ટેક્સ સેવિંગ FD માટેનો છે. (HIRAL THANAWALA, Moneycontrol)
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર