નવી દિલ્હી: મોટાભાગના રોકાણકારો (Investors) ખૂબ ઓછા સમયમાં પોતાની મૂડી રોકીને વધારે નફો કમાવા માંગતા હોય છે. પરંતુ આવા કેસમાં જોખમ (Risk) પણ એટલું જ રહે છે. વધારે જોખમને પગલે મોટાભાગના રોકાણકારો રોકાણ કરવા અંગે મૂંઝવણ અનુભવતા હોય છે. તેઓ હંમેશા એવી દ્વીધામાં રહેતા હોય છે કે તેમના માટે મ્યુચ્યુઅલ ફંડ (Mutual funds), ફિક્સ્ડ ડિપૉઝિટ (Fixed Deposit) કે પછી ડેટ ફંડ (Debt funds)નો વિકલ્પ સૌથી સારો છે. સાથે જ કયા વિકલ્પમાં રોકાણ કરવાથી ખૂબ ઓછા સમયમાં તેને વધારે સારું વળતર મળી જશે. તો જાણીએ કયા વિકલ્પની પસંદગી કરવાથી કેટલું વળતર મળે છે.
ઉત્તમ વળતર માટે ત્રણથી ચાર મહિનામાં મૂડીનું રોકાણ કરવું ખરેખર મૂંઝવણ ભર્યું છે. કારણ કે દરેક વિકલ્પમાં રોકાણના અલગ અલગ ફાયદા હોય છે. પ્રથમ વિકલ્પ પૈસાને બેંકના બચત ખાતામાં રાખવાનો છે. જેના પર સામાન્ય રીતે ત્રણ ટકા જેટલું વ્યાજ મળતું હોય છે. જેમાં જમા થયેલા 10,000 સુધીના વ્યાજને તમે ઇન્કમ ટેક્સ એક્ટ સેક્શન 80TTA અંતર્ગત ટેક્સ ડિડક્શન ક્લેમ કરી શકો છો. આ ઉપરાંત ત્રણથી ચાર મહિના માટે તમે બેંકમાં ફિક્સ્ડ ડિપૉઝિટમાં પણ પૈસા રોકી શકો છો. દેશની સૌથી મોટી સરકારી બેંક SBI 46થી 179 દિવસની એફડી પર 3.90 ટકા વ્યાજ આપે છે.
લિક્વિડ ફંડ્સમાં મળે છે ફિક્સ્ડ ડિપૉઝિટ જેટલું વ્યાજ
સ્વિપ ઇન-સ્વિપ આઉટ એફડી (sweep-in sweep-out FD) પણ ઉત્તમ રોકાણનો વિકલ્પ છે. જેમાં બેંક એટલા દિવસનું વ્યાજ આપે છે જેટલા દિવસ પૈસા જમા રહે છે. લિક્વિડ ફંડ (Liquid fund)માં ઓછા સમય માટે રોકાણ કરવા માટે આશરે એફડી જેટલો જ ફાયદો મળે છે. લિક્વિડ ફંડ્સમાં ઓછા સમય માટે રોકાણમાં 3.65 ટકા વ્યાજ મળે છે, પરંતુ જો તમે તમામ પૈસા ઉપાડી લો છો તો એક વર્ષથી ઓછી મુદતના રોકાણ પર થયેલા ફાયદા પર ટેક્સ લાગે છે.
આ વિકલ્પ ત્રણથી છ મહિનામાં આપે છે એફડીથી વધારે નફો
અમદાવાદ સ્થિત ફાઇનાન્સિયલ લિટરસી ઇનિશિએટિવ Moneyeduschoolના સ્થાપક અર્ણવ પંડ્યા (Arnav Pandya)એ મનીકંટ્રોલ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, જો તમે પાંચ લાખ રૂપિયા શૉર્ટ ટર્મ માટે રોકાણ કરો છો તો તમારા માટે અલ્ટ્રા શૉર્ટ ટર્મ મ્યુચ્યુઅલ ફંડ્સ (Ultra-Short-Term Mutual Funds) એક સારો વિકલ્પ છે. જેની પાકતી મુદત ત્રણથી છ મહિના હોય છે. આ મ્યુચ્યુઅલ ફંડે છેલ્લા એક વર્ષમાં 5.35 ટકા રિટર્ન આપ્યું છે, જે કોઈ પણ સેવિંગ ઇન્સ્ટ્રૂમેન્ટથી બે ટકા વધારે છે. જ્યારે ડેટ ફંડ્સ (Debt Fund)માં રોકાણકારોએ ઉપાડના સમયની ચિંતા કરવાની જરૂરી નથી રહેતી. ઉલ્લેખનીય છે કે એફડીમાં પ્રી-મેચ્યોર વિડ્રોઅલમાં પેનલ્ટી લાગે છે. ડેટ્સ ફંડમાં આ લાગૂ નથી થતું.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર