નાણાકિય સંકટનો સામનો કરી રહેલી એરલાઇન્સ કંપની જેટ એરવેઝ (Jet Airways)ના પાયલટોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉડ્ડયન મંત્રી સુરેશ પ્રભુ પાસે કંપનીને બચાવવા માટે વહેલી તકે પગલાં લેવા માંગ કરી છે. જેટ એરવેઝના ભારતીય પાયલટોએ રજિસ્ટર્ડ યૂનિયન નેશનલ એવિએટર્સ ગિલ્ડે (NAG) પીએમ મોદીને પત્ર લખીને કહ્યું છે કે એરલાઇન્સ બરબાદ થવાથી હજારો લોકો બેરોજગાર થઈ જશે. આ ઉપરાંત હવાઈ ભાડું પણ વધી જશે. મીડિયા રિપોર્ટસ મુજબ, જેટના 260 પાયલટ તેની પ્રતિસ્પર્ધી એરલાઇન્સ સ્પાઇસ જેટમાં નોકરી મેળવવા માટે પ્રયાસમાં લાગી ગયા છે. તેનાથી કંપનીની મુશ્કેલી વધુ શકે છે.
નોંધનીય છે કે, થોડાક દિવસો પહેલા જ પાયલટોએ ચેતવણી આપી હતી કે 31 માર્ચ સુધી તેમની અગાઉની સેલરી ન મળી, તો તેઓ 1 એપ્રિલથી હડતાળ પર ઉતરી જશે. મળતી માહિતી મુજબ પાયલટ અને એન્જિનિયરોને બાદ કરતાં બાકી તમામ કર્મચારીઓને સમયસર સેલરી મળી રહી છે.
જેટ એરવેઝના ભારતીય પાયલટોની NAGએ પીએમ મોદીને પત્ર લખ્યો છે. જેમાં તેઓએ આશંકા વ્યક્ત કરી છે કે એરલાઇન્સ બરબારીના આરે પહોંચી ગઈ છે. જો એવું થશે તો હજારો લોકો બેરોજગાર થઈ જશે. તેનાથી ભારતીય એવિએશન સેક્ટરમાં મુશ્કેલીઓ વધી શકે છે. એવામાં ભાડું વધી જશે. જેથી પેસેન્જર્સની મુશ્કેલી વધી જશે.
જેટ એરવેઝની મુશ્કેલીઓ
- જેટ એરવેઝમાં નરેશ ગોયલ માલિકી હક ધરાવે છે. તેમની કંપની છેલ્લા 25 વર્ષના ઈતિહાસના સૌથી મોટા નાણાકીય સંકટનો સામનો કરી રહી છે.
- કંપની પર લગભગ 8,500 કરોડ રૂપિયાનું દેવું છે. કંપનીના 120 પ્લેનના બેડામાંથી લગભગ એક તૃતિયાંશના પૈડા થંભી ગયા છે. પહેલા રોજ સંચાલિત 450 ફ્લાઇટની તુલનામાં કંપની માત્ર 150 ફ્લાઇટનું સંચાલન કરી રહી છે.
- કંપની પોતાની બેંકોનું દેવું નથી ચૂકવી રહી અને સપ્લાયર્સને ચૂકવણી પણ નથી કરી રહી. ભારતીય સ્ટેટ બેંક કંપનીને બચાવવા માટે એક બેલઆઉટ પેકેજ તૈયાર કરી રહી છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર