મુંબઈ. ITC shares: ભારતીય શેર બજારમાં છેલ્લા થોડા દિવસોથી ITC શેર ખૂબ ચર્ચામાં છે. લાંબા સમય સુધી આ શેર એક જ પ્રાઇસ ઝોન (Price zone)માં ટ્રેડ કરી રહ્યો હતો. એટલે સુધી કે સોશિયલ મીડિયા પર મિમ્સ પણ બનતા થયા હતા કે આ શેર ક્યારે ચાલશે. હવે આઈટીસીનો શેર (ITC stocks) દોડવા લાગ્યો છે. આઈટીસીનો શેર મંગળવારે ત્રણ ટકાના વધારા સાથે 52 અઠવાડિયાની ટોચ પર (ITC shares at 52 week high) પહોંચી ગયો હતો. BSE પર આ શેર 242.35 રૂપિયા પર પહોંચ્યો છે. આઈટીસીના શેરમાં થોડા દિવસોથી રોકાણકારો ખૂબ રસ દાખવી રહ્યા છે. આ જ કારણે ભાવ થોડા જ મહિનામાં 15% વધ્યો છે. જેમાં 12% તેજી તો ફક્ત ચાર જ દિવસમાં જોવા મળી છે.
વર્તમાન સ્તર ખૂબ આકર્ષક
આ દરમિયાન નિફ્ટીના FMCG (Fast-moving consumer goods) ઇન્ડેક્સમાં પણ મંગળવારે તેજી જોવા મળી હતી. નિષ્ણાતોનું કહેવું છે કે એફએમસીજી સેક્ટરમાં રિકવરી અને સિગારેટની કિંમતમાં વધારાને પગલે આઈટીસીના શેરમાં ઉછાળો જોવા મળ્યો છે. આઈટીસીના શેર ખૂબ લાંબા સમયથી એક જ રેન્જમાં ટ્રેડ કરી રહ્યા હતા. બજાર નિષ્ણાતોનું કહેવું છે કે વર્તમાન સ્તર પર કંપની ખૂબ આકર્ષક લાગી રહી છે અને તેના શેરમાં તેજી આવી શકે છે.
આ દરમિયાન ગ્લોબલ બ્રોકરેજ ફર્મ જેફરીઝ તરફથી આઈટીસી સ્ટૉક પર બાય રેટિંગ યથાવત રાખવામાં આવ્યું છે. આ સ્ટોક માટે ટાર્ગેટ કિંમત 245 રૂપિયાથી વધારીને 300 રૂપિયા કરવામાં આવી છે. ફર્મનું કહેવું છે કે, "જીએસટી કાઉન્સિલની બેઠકમાં સિગાર અને તમાકુ પર ટેક્સમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો. ન તો તેને પર કોઈ સેસ નાખવામાં આવી છે."
બ્રોકરેજ ફર્મનું કહેવું છે કે, "FMCG સેક્ટર રિકવરી મોડ પર છે. અમારું માનવું છે કે આગામી ક્વાર્ટર દરમિયાન સિગારેટનું વેચાણ વધશે." બ્રોકરેજ ફર્મનું માનવું છે કે કંપનીના શેરમાં તાજેતરમાં આવેલી તેજી છતાં તે આકર્ષક વેલ્યૂએશન પર ટ્રેડ કરી રહી છે. આ સ્ટૉક 5% યીલ્ડ ઑફર કરે છે. મંગળવારે ITCના શેર 3.34% વધીને 241.40 રૂપિયા પ્રતિ શેર પર ટ્રેડ કરી રહ્યા હતા.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર