શું બજારમાં બની રહી છે 2008 જેવી સ્થિતિ? જાણો તમારે શા માટે ચિંતા કરવાની જરૂર નથી
શું બજારમાં બની રહી છે 2008 જેવી સ્થિતિ? જાણો તમારે શા માટે ચિંતા કરવાની જરૂર નથી
ભારતીય શેર બજાર
Stock Market Crash: ઘટાડાનો અંદાજ તમે એ વાત પરથી લગાવી શકો છો કે એક વર્ષમાં સેન્સેક્સ અડધો થઈ ગયો હતો. 22 ફેબ્રુઆરી, 2008ના રોજ સેન્સેક્સ 17,349 પર હતો. 20 ફેબ્રુઆરી, 2009ના રોજ સેન્સેક્સ 8,849 પર બંધ થયો હતો.
મુંબઇ: શેર બજાર (Indian stock market)માં આવેલા ઘટાડાએ રોકાણકારોને ડરાવી દીધા છે. ગઈકાલે એટલે કે અઠવાડિયાના પ્રથમ દિવસે બજાર મોટા ઘટાડા સાથે બંધ રહ્યું હતું. સેન્સેક્સ (Sensex) 1491 પોઈન્ટ એટલે કે 2.74 ટકા તૂટીને 52,843 પર બંધ રહ્યો હતો. નિફ્ટી (Nifty) 382 પોઇન્ટ તૂટીને 15,863 પર બંધ રહ્યો હતો. હકીકતમાં રશિયાના યુક્રેન પર હુમલા (Russia Ukraine war)એ બજારની હવા કાઢી નાખી છે. આજે હુમલાનો 13મો દિવસ છે. આ દરમિયાન રશિયા કે યુક્રેન નબળા પડ્યાં હોય તેવું જરા પણ લાગી રહ્યું નથી. રશિયાએ યુક્રેન પર હુમલા ચાલુ જ રાખ્યા છે. બીજી તરફ યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ સતત એવું કહી રહ્યા છે કે તેઓ હાર નહીં માને.
બે અઠવાડિયામાં સેન્સેક્સ 4500 પોઈન્ટ તૂટ્યો
રશિયાએ 24મી ફેબ્રુઆરીએ સવારે યુક્રેન પર હુમલો કરી દીધો હતો. 24 ફેબ્રુઆરીથી અત્યારસુધી સેન્સેક્સમાં 4500 પોઇન્ટનો કડાકો બોલી ગયો છે. આ દરમિયાન નિફ્ટી 1,200 પોઇન્ટ તૂટ્યો છે. આ ઘટાડાએ રોકાણકારોને 2008ના વર્ષની યાદ અપાવી દીધી છે. વર્ષ 2008માં 21મી જાન્યુઆરીના રોજ શેર બજારમાં મોટો ઘટાડો આવ્યો હતો. એ દિવસે સેન્સેક્સ 1,408 પોઇન્ટ ઘટીને 17,065 પર બંધ થયો હતો. ટકામાં આ ઘટાડો ગતરોજના ઘટાડા કરતા ચાર ગણો વધારે હતો. એ દિવસે પણ સોમવાર હતો.
2008માં પણ બજારમાં આવ્યો હતો સતત ઘટાડો
22 જાન્યુઆરી 2008ના રોજ સેન્સેક્સ 875 પોઇન્ટ તૂટ્યો હતો. 11 ફેબ્રુઆરીના રોજ ફરીથી મોટો ઘટાડો આવ્યો હતો. એ દિવસે સેન્સેક્સ 834 પોઇન્ટ તૂટીને 16,630 પર બંધ થયો હતો. પછી આખું વર્ષ શેર માર્કેટમાં ઘટાડો આવ્યો હતો. એ ઘટાડાનો અંદાજ તમે એ વાત પરથી લગાવી શકો છો કે એક વર્ષમાં સેન્સેક્સ અડધો થઈ ગયો હતો. 22 ફેબ્રુઆરી, 2008ના રોજ સેન્સેક્સ 17,349 પર હતો. 20 ફેબ્રુઆરી, 2009ના રોજ સેન્સેક્સ 8,849 પર બંધ થયો હતો.
એક વર્ષમાં બજારમાં શાનદાર રિકવરી
તેના એક વર્ષ પછી શેર બજારમાં શાનદાર તેજી આવી હતી. 26 ફેબ્રુઆરી, 2010ના રોજ સેન્સેક્સ ફરી 16,429 પર બંધ રહ્યો હતો. અમે તમને એ જણાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે ઘટાડા બાદ બજાર સ્થિર થઈ ગયું હતું. આ માટે જ રોકાણકારોએ 2008ના વર્ષમાં શું થયું હતું તે જાણી લેવું જરૂરી છે. હકીકતમાં કોરોના મહામારી બાદ શેર બજારમાં અસંખ્ય નવા રોકાણકારો આવ્યા છે. તેમને માર્કેટમાં 2008 પછી આવેલા ઘટાડા વિશે માહિતી નથી.
અમે તમને જણાવી દઈએ કે 2008ના વર્ષ બાદ આવેલા ઘટાડા બાદ જે રોકાણકારોએ ધીરજ રાખી હતી તેઓ આજે કરોડપતિ બની ગયા છે. એ ઘટાડાનો ફાયદો ઉઠાવીને રોકાણકારોએ ખૂબ નફો મેળવ્યો છે. 2009થી 2022 સુધી 13 વર્ષમાં એવી તમામ કંપનીઓ છે જેમણે રોકાણકારોને 30થી 40 ટકા નફો આપ્યો છે. એટલે કે તમે એ વખતે ફક્ત ત્રણ લાખ રૂપિયા રોક્યા હોત તો આજે કરોડ રૂપિયાના માલિક હોત.
કંપની
ફેબ્રુઆરી 2009
8 માર્ચ બંધ ભાવ
ટીસીએસ
118 રૂપિયા
3481 રૂપિયા
મારુતિ સુઝુકી
677 રૂપિયા
6775 રૂપિયા
માઇન્ડટ્રી
51 રૂપિયા
3869 રૂપિયા
બાટા ઇન્ડિયા
641 રૂપિયા
1700 રૂપિયા
બજાર ફાઇનાન્સ
5.70 રૂપિયા
6144 રૂપિયા
ઉદાહરણ જોઈએ તો ટીસીએસનો શેર 2008થી અત્યારસુધી 30 ગણો વધી ગયો છે. મારુતિ સુઝુકીની શોર છેલ્લા 13 વર્ષમાં 10 ગણો વધ્યો છે. માઇન્ડટ્રીનો ભાવ આ દરમિયાન 75 ગણો વધ્યો છે. બજાજ ફાઇનાન્સનો શેર આ દરમિયાન 100 ગણો વધ્યો છે.
આ શેર્સની કિંમત પરથી એવું કહી શકાય કે જે રોકાણકારોએ બજારમાં પોતાનું રોકાણ જાળવી રાખ્યું, આજે તેઓ મોટી સંપત્તિના માલિક છે. આથી તમારે શેર બજારમાં આવી રહેલા ઘટાડાથી પરેશાન થવાની કોઈ જરૂર નથી. જો તમે સારી કંપનીઓમાં રોકાણ કર્યું છે તો તમારે ડરવાની જરૂર નથી. રશિયા-યુક્રેન યુદ્ધ ખતમ થયા બાદ બજારમાં ફરી રોનક આવશે. એ સમયે આજે જે શેર્સમાં કડાકો બોલી ગયો છે તેઓ ફરીથી તેજીમાં આવશે. એટલું જ નહીં, તેઓ નવી ઊંચાઈને પણ સ્પર્શ કરશે. જો તમારી પાસે વધારાના પૈસા છે, જેની તમારે આગામી 2-3 વર્ષમાં જરૂર નથી તો આ ઘટાડો તમારા માટે ખરીદીનો મોકો છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર