IRFC IPO Listing: 2021ના વર્ષના પ્રથમ આઈપીઓ IRFCના શેરનું આજે લિસ્ટિંગ થયું છે. સરકારી કંપની ઇન્ડિયન રેલવે ફાઇનાન્સિયલ કૉર્પોરેશનનો શેર આજે NSE પર આશરે ચાર ટકા ડિસ્કાઉન્ટ સાથે 24.90 રૂપિયા પર લિસ્ટ થયો હતો. જ્યારે BSE પર આ શેર 25 રૂપિયા પર લિસ્ટ થયો હતો.
IRFCનો આઈપીઓ 18મી જાન્યુઆરીના રોજ ખુલીને 20 જાન્યુઆરીના રોજ બંધ થયો હતો. આ આઈપીઓ આશરે ત્રણ ગણો ભરાયો હતો. જેનો QIB (Qualified institutional buyer) હિસ્સો 3.78 ગણો અને NII (Non-institutional investors) હિસ્સો 2.67 ગણો ભરાયો હતો. જ્યારે RII (Retail individual investors) હિસ્સો 3.66 ગણો અને કર્મચારીનો હિસ્સો 43.76 ગણો ભરાયો હતો.
આ IPOના શેરની પ્રાઇસ બેન્ડ 25-26 પ્રતિ શેર છે. આ આઈપીઓ 2021ના વર્ષનો પ્રથમ IPO હતો. કંપનીએ આ આઈપીઓ મારફતે 4,600 કરોડ રૂપિયા એકઠા કર્યાં છે. IPO બાદ કંપનીમાં સરકારની ભાગીદારી ઘટીને 86.4 ટકા થઈ જશે.
IRFCનો આ IPO દેશની કોઈ પણ નૉન-બેન્કિંગ ફાઇનાન્સિયલ કંપની (NBFC)નો પ્રથમ IPO છે. IRFC પબ્લિક સેક્ટરની પ્રથમ NBFC છે, જે જાહેર થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા રેલવે વિભાગની IRCTCનો આઈપીઓ આવી ચૂક્યો છે. આ ઉપરાંત RailTELનો આઈપીઓ પણ બહુ ઝડપથી આવી રહ્યો છે.
IRFCએ આ આઈપીઓ મારફતે એન્કર રોકાણકારો પાસેથી 1,390 કરોડ રૂપિયા એકઠા કર્યાં છે. આની સ્થાપના 1986ના વર્ષમાં થઈ હતી. IRFC ઇન્ડિયન રેલવા માટે સ્થાનિક અને વિદેશી બજારમાંથી ફંડ એકઠું કરવાનું કામ કરે છે.
કંપની IPO મારફતે એકઠા કરેલા નાણાનો ઉપયોગ બિઝનેસના વિકાસ અને ભવિષ્યની નાણાકીય જરૂરિયાતને પહોંચી વળતા અને પોતાના કોર્પોરેટ ખર્ચ પૂરા કરવા માટે કરશે. રોકાણની નીતિ શું હશે?
IRFCના શેર અંગે Geojit Financial Servicesના ગૌરાંગ શાહ કહે છે કે, જે લોકોએ લિસ્ટિંગ ફાયદાના ઈરાદા સાથે આઈપીઓ ભર્યો હતો તેઓ નિરાશ થયા છે. પરંતુ લાંબાગાળાનું વિચારીએ તો આ શેર પોર્ટફોલિયોમાં જરૂર હોવો જોઈએ. ગૌરાંગ શાહનું કહેવું છે કે આગામી એક વર્ષમાં આ શેરમાં 35 રૂપિયાનું સ્તર જોવા મળી શકે છે. પહેલી ફેબ્રુઆરીના રોજ જાહેર કરવામાં આવનાર બજેટમાં પણ રેલવે અંગે મહત્ત્વની જાહેરાત કરવામાં આવી શકે છે, આની અસર પણ શેર પર જોવા મળશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર