Home /News /business /Investment in Gold : સોનામાં રોકાણ કરીને મેળવી શકો છો મસમોટો નફો, અપનાવવી પડશે આ સ્ટ્રેટજી
Investment in Gold : સોનામાં રોકાણ કરીને મેળવી શકો છો મસમોટો નફો, અપનાવવી પડશે આ સ્ટ્રેટજી
સોનામાં રોકાણ કરીને મેળવી શકો છો મસમોટો નફો
આજની યુદ્ધ અને કપરી પરિસ્થિતિમાં પણ તમે સોનામાં રોકાણ કરીને સારૂં વળતર મેળવી શકો છો. આ રોકાણ માટેનું માધ્યમ માત્ર ફિઝિકલ સોનું જ નથી. ભૌતિક સોના સિવાય વ્યક્તિ વિવિધ નાણાંકીય સાધનો જેમ કે ડિજિટલ ગોલ્ડ, ગોલ્ડ ETF, ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ્સ, સોવરેન ગોલ્ડ બોન્ડ્સ વગેરે દ્વારા સોનામાં રોકાણ કરી શકે છે.
મોંઘવારીના માર સામે લડત લડવા માટે વૈશ્વિક સેન્ટ્રલ બેંકોએ વ્યાજદરમાં વધારો કરવાની ફરજ પડી હતી. જોકે વ્યાજદરમાં વધારો કરતા ઈક્વિટી અને અન્ય રોકાણ માધ્યમોમાંથી મોટાપાયે પૈસા પરત ખેંચાઈ રહ્યાં છે અને સામે પક્ષે સેફ હેવન ગણાતા સોનામાં રોકાણ વધી રહ્યું છે. જોકે માત્ર એવું ન કહી શકાય કે સોનું સંકટ સમયની સાંકળ છે. સામાન્ય સ્થિતિમાં પણ સોનું એક ઉત્તમ રોકાણ માધ્યમ છે અને તેમાં નોંધપાત્ર વળતર રોકાણકારોને મળતું રહે છે.
આજની યુદ્ધ અને કપરી પરિસ્થિતિમાં પણ તમે સોનામાં રોકાણ કરીને સારૂં વળતર મેળવી શકો છો. આ રોકાણ માટેનું માધ્યમ માત્ર ફિઝિકલ સોનું જ નથી. ભૌતિક સોના સિવાય વ્યક્તિ વિવિધ નાણાંકીય સાધનો જેમ કે ડિજિટલ ગોલ્ડ, ગોલ્ડ ETF, ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ્સ, સોવરેન ગોલ્ડ બોન્ડ્સ વગેરે દ્વારા સોનામાં રોકાણ કરી શકે છે. આ તમામ ઈન્વેસ્ટમેન્ટ પ્રોડકટો સોનાના ભાવ સાથે જ જોડાયેલી છે. જોકે આ તમામ રોકાણ માધ્યમોમાં તેમના ખર્ચ, વળતર, લિક્વિડિટી, રિસ્ક, લોક-ઇન પીરિયડ, ખરીદીના વિકલ્પો અને ટેક્સના સંદર્ભમાં ઘણા બધા તફાવતો છે.
સોનાના રિટર્ન પર એક નજર
એક રિટર્ન એસેટ તરીકે જોઈએ તો સોનાએ છેલ્લા 40 વર્ષમાં વાર્ષિક 9.6 ટકા વળતર આપ્યું છે. જોખમના પરિપ્રેક્ષ્યમાં સોનાએ ચોક્કસપણે ઇક્વિટી કરતાં ઓછી અસ્થિરતા દર્શાવી છે. વાસ્તવમાં સોનું અને શેરબજારો વચ્ચે એક પ્રકારનો વિપરીત સંબંધ છે. એટલે કે જ્યારે શેરબજાર ઘટે છે અથવા ઘણી અનિશ્ચિતતા હોય છે, ત્યારે સોનાના ભાવમાં વધારો થાય છે. સામે પક્ષે જ્યારે અર્થવ્યવસ્થા મંદીમાં ધકેલાય છે, ત્યારે જેમકે 1991-92, 2000, 2008/2009 અને વર્ષ 2020 જેવી મોટી આર્થિક સંકટની સ્થિતિ હોય ત્યારે સોનું ખૂબ સારું પ્રદર્શન કરે છે.
ફિઝિકલ સોનું-બેસ્ટ કે નહીં?
ફીઝિકલ સોનું ખરીદવાનો ગેરલાભ એ છે કે મેકિંગ અને ડિઝાઇનિંગ ચાર્જિસને કારણે તે વધુ મોંઘું બને છે. જો તમે તેને લોકર વગેરેમાં રાખો છો તો તમારે તેના પર પણ પૈસા ખર્ચવા પડશે. ઉપરાંત ફિઝિકલ સોનું વેચવું મોંઘું છે, કારણ કે તે સંપૂર્ણપણે શુદ્ધ સોનું નથી. આ સિવાય તમારે તેનું શુદ્ધતા પ્રમાણપત્ર પણ તમારી પાસે રાખવું પડશે. કેટલાક સંજોગોમાં તમે તેને ક્યાંથી ખરીદ્યું તે અંગે પ્રશ્નો ઉભા થઈ શકે છે. આ સિવાય ખોવાઈ જવાનો કે ચોરી-આ ફિઝિકલ સોનાનું આકર્ષણ સૌથી વધુ ઘટાડે છે.
સોનું ફિઝિકલ ફોર્મેટ અને ઈલેક્ટ્રોનિક ફોર્મેટમાં ખરીદી શકાય છે. તમે ઘણી એપ્સ દ્વારા ડિજિટલ સોનું ખરીદી શકો છો. આ સિવાય ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ્સ પણ આવે છે. ગોલ્ડ ETF વિશે વાત કરીએ તો તેના દ્વારા તમે તમારા ડીમેટ એકાઉન્ટમાંથી પણ સોનું ખરીદી શકો છો. છેલ્લા 6-8 વર્ષમાં મોદી સરકારે લોન્ચ કરેલ સોવરિન ગોલ્ડ બોન્ડનો ક્રેઝ પણ વધ્યો છે. સોવરિન ગોલ્ડ બોન્ડ મર્યાદિત સમય માટે જ ઉપલબ્ધ છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દર એક-બે મહિને એક ઈશ્યુ લઈને આવે છે, જેમાં તમે સોવરેન ગોલ્ડ બોન્ડ ખરીદી શકો છો. આ ખરીદી માટે તમારે આરબીઆઈની વેબસાઈટ જોતા રહેવું પડશે. આ સોવરેન ગોલ્ડ બોન્ડ ફંડની વિન્ડો પાંચ દિવસ સુધી ખુલ્લી રહે છે.
જોખમ કેટલું છે?
ફિઝિકલ સોનું ચોરી, ગુણવત્તા સાથે છેડછાડ અને બનાવવાની પ્રક્રિયામાં થોડું ઘસારો સહિત અનેક નાના અને મોટા મુદ્દાઓ સાથે સંવેદનશીલ છે. ડિજિટલ ગોલ્ડ સાથેનું મુખ્ય જોખમ નિયમન છે. આ કંપનીઓની બાબતો પર નજર રાખવા માટે કોઈ સેબી, કોઈ RBI કે અન્ય કોઈ નિયમનકારી સંસ્થા નથી. ડિજિટલ ગોલ્ડ માટે નિયમનનો અભાવ એ એક સૌથી મોટો માઇનસ પોઇન્ટ છે. ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ અથવા ગોલ્ડ ETF એ એવા સાધનો છે જે ફિઝિકલ સોના સાથે સંબંધિત છે. ઇટીએફ પ્રત્યક્ષ રીતે સોના અથવા સોનાના ખાણકામ અને રિફાઇનિંગ કંપનીઓમાં રોકાણ કરે છે. ગોલ્ડ ઇટીએફ માટે આ એક મોટો પ્લસ પોઇન્ટ છે કારણ કે આ નાણાંકીય સાધન વાસ્તવિક સોના દ્વારા સમર્થિત છે. જ્યારે ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ એ ફક્ત ઇટીએફનું વિસ્તરણ છે, કારણ કે મોટાભાગના ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ વિવિધ ગોલ્ડ ઇટીએફમાં રોકાણ કરે છે. ગોલ્ડ ઇટીએફ અને ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ્સ વિશેની એક સારી બાબત એ છે કે આ બંને પ્રોડક્ટ્સ સેબીની દેખરેખ અને તેમના નિયંત્રણ હેઠળ આવે છે. સોવરેન ગોલ્ડ બોન્ડનું જોખમ પણ ઘણું ઓછું છે, કારણકે તેના પર સરકારની ગેરન્ટી હોય છે. એટલે કે ભારત સરકાર જો ડિફોલ્ટ થાય તો જ ગોલ્ડ બોન્ડમાં કરેલું રોકાણ ડૂબી શકે છે.
ટેક્સ અંગેની જરૂરી માહિતી
સોનામાં કરેલ ઈન્વેસ્ટમેન્ટની જ્યારે Maturity આવે છે એટલે કે પરિપક્વ થાય અથવા તમે વેચાણ કરો ત્યારે તમારે ટેક્સ ચૂકવવો પડશે. ફિઝિકલ ગોલ્ડ, ડિજિટલ ગોલ્ડ, ગોલ્ડ ETF અને ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડના વેચાણમાંથી મળતો કેપિટલ ગેઇન ટેક્સ ચૂકવવાને પાત્ર છે. આ ટેક્સ તમારા હોલ્ડિંગ સમયગાળા પર આધારિત છે. જો સોનું ત્રણ વર્ષમાં નફા પર વેચવામાં આવે તો તેના પર શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ લાગશે આનો અર્થ એ છે કે નફો તમારી આવકમાં ઉમેરવામાં આવશે અને તમારા આવકવેરા સ્લેબ મુજબ કર લાદવામાં આવશે. જો સોનું ત્રણ વર્ષ પછી નફા પર વેચવામાં આવે તો તેના પર લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ લાગશે. આ કિસ્સામાં ટેક્સ ઇન્ડેક્સેશન લાભો સાથે તમારો લાંબાગાળાનો કેપિટલ ગેઈન 20 ટકા હશે. સોવરિન ગોલ્ડ બોન્ડ્સમાંથી મેળવેલ તમામ વ્યાજ તમારી આવકમાં ઉમેરવામાં આવે છે અને તમારા આવકવેરા સ્લેબ મુજબ કર લાદવામાં આવે છે. બીજી તરફ જો સોવરેન ગોલ્ડ બોન્ડને આઠ વર્ષ પછી રિડીમ કરવામાં આવે તો તમામ કેપિટલ ગેઈન સંપૂર્ણપણે કરમુક્ત છે.
સોનું એ એક મહત્વપૂર્ણ અસ્કયામત છે અને પોર્ટફોલિયોમાં હોવું આવશ્યક છે, કારણ કે તે સ્ટેબલ અને રિસ્ક ફ્રી રિટર્ન આપે છે અને ફુગાવાથી બચાવે છે. સામે પક્ષે ઈક્વિટીના જોખમની સામે સેફ રોકાણ પણ છે. જો તમે પાંચ વર્ષ કે તેથી વધુ સમય માટે રોકાણ કરો છો તો સોવરેન ગોલ્ડ બોન્ડ પસંદ કરો. અહીં તમને તમારા રોકાણ પર વ્યાજ પણ મળશે અને જો તમે RBI વિન્ડોમાંથી રિડીમ કરો છો તો કેપિટલ ગેઈન ટેક્સ ફ્રી રહેશે. બીજી તરફ જો તમે ટૂંકા ગાળા માટે સોનામાં રોકાણ કરવા માંગતા હો તો તમે ગોલ્ડ ઇટીએફ અને ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકો છો કારણ કે તમને અહીં ઘણી બધી લિક્વિડિટી મળશે અને સંબંધિત ટેક્સ ચૂકવવાનો રહેશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર