નવી દિલ્હી: દેશની પાંચમી સૌથી મોટી પેઇન્ટ કંપની ઇન્ડિગો પેઇન્ટ્સ (Indigo Paints)નો IPO આજે (20-જાન્યુઆરી) ખુલી ગયો છે. ઈન્ડિગો પેઇન્ટ્સ આઈપીઓ મારફતે 1,170 કરોડ રૂપિયા એકઠા કરશે. આઈપીઓ 22મી જાન્યુઆરીના રોજ બંધ થશે. IPOમાં કંપની 300 કરોડ રૂપિયાના નવા શેર જાહેર કરશે, જ્યારે પ્રમોટર્સ અને ઇન્વેસ્ટર્સ ઑફર ફૉર સેલ (OFS) અંતર્ગત 58,40,000 ઇક્વિટી શેર વેચી રહ્યા છે. આ માટે Indigo Paintsના શેરની પ્રાઇસ વેલ્યૂ 1488-1490 રૂપિયા રાખવામાં આવી છે. જોકે, બજાર નિષ્ણાતોનું કહેવું છે કે ઇન્ડિગો પેઇન્ટ્સે IPO પ્રાઇસ બેન્ડ અન્ય પેઇન્ટ કંપનીઓની સરખાણીમાં ડિસ્કાઉન્ટ ભાવે રજૂ કરી છે. આ જ કારણ છે કે રોકાણકારો આ શેર પ્રત્યે આકર્ષિત થશે.
બ્રોકરેજ ફર્મ આનંદ રાઠી ફાઇનાન્સિયલ લિમિટેડ (Anand Rathi Securities Ltd) તરફથી કહેવામાં આવ્યું છે કે વેલ્યૂએશન મોરચા પર ઇન્ડિગો પેઇન્ટ્સે આ આઈપીઓના અપર બેન્ડને ડિસ્કાઉન્ટ ભાવે રજૂ કર્યો છે. બ્રોકરેક ફર્મનું કહેવું છે કે ઇન્ડિગો પેઇન્ટ્સનું વેલ્યુએશન છેલ્લા 12 મહિનાની કમણીના (TTM earnings) ફક્ત 98.5 ગણું છે. એટલે કે કંપનીએ આ IPO માટે એક શેરનો ઇશ્યૂ ભાવ છેલ્લા 12 મહિનાની કમાણીના 98.5 ગણો નક્કી કર્યો છે. જ્યારે ઇન્ડિગો પેઇન્ટ્સની સરખામણીમાં તેની પ્રતિસ્પર્ધી કંપનીના શેર જેવા કે એશિયન પેઇન્ટ્સ (Asian Paints Ltd)ના શેરનું વેલ્યૂએશન (TTM earnings) 113.76 ગણું અને બર્જર પેઇન્ટ્સ (Berger Paints India Ltd)ના શેરનું વેલ્યૂએશન 128.23 ગણું છે.
તમને જણાવી દઈએ કે શેર માર્કેટમાં પેઇન્ટ સ્ટૉક્સની કિંમત ખૂબ વધારે છે. 1488-1490ની ઊંચી કિંમત છતાં ઇન્ડિગો પેઇન્ટ્સના IPO પ્રત્યે રોકાણકારો આકર્ષિત થશે. આનું મુખ્ય કારણ ખાસ પ્રોડક્ટ અને ગ્રામ્ય ભારતમાં કંપનીની પહોંચ છે. વધુ એક બ્રોકરેક ફર્મ અલારા કેપિટલનું કહેવું છે કે વર્ષ 2020માં કંપનીના નફામાં 28.6 ટકા ફાળો વિશેષ પ્રોડક્ટ પોર્ટફોલિયોનો રહ્યો હતો. ડીલરો માટે આ એક આકર્ષણ છે. આ કારણે જ નાના શહેરોમાં ઘર ઘર સુધી ઇન્ડિગો પેઇન્ટ્સની પહોંચ છે. કંપનીની 85 ટકા આવક ટિયર-2થી લઈને ટિયર-4 શહેરમાંથી આવે છે. જ્યારે સ્પેશિયલાઇઝ્ડ પ્રોડક્ટમાંથી કંપનીને 28 ટકા કમાણી થાય છે.
આઈઆઈએફએલ સિક્યોરિટીઝ (IIFL Securities) પ્રમાણે Indigo Paintsની પ્રતિ શેર કમાણી નાણાકીય વર્ષ 2020-2023 દરમિયાન 48% વાર્ષિક ગ્રોથ સાથે વધવાની આશા છે. જ્યારે આ દરમિયાન એશિયન પેઇન્ટ્સ અને બર્જર પેઇન્ટ્સની વાર્ષિક EPS ગ્રોથ (Earning-per share Growth) 14થી 15 ટકા રહેવાનું અનુમાન છે. આ ઉપરાંત આ વર્ષના પ્રથમ છ મહિના દરમિયાન કંપનીની આવકમાં કોરોના મહામારીને કારણે પાંચ ટકાનો ઘટાડો નોંધાયો છે. એશિયન પેઇન્ટ્સની આવકમાં 18.5 ટકા ઘટાડો થયો છે. અલારા કેપિટલ અને આનંદ રાઠી ફાઇનાન્સિયલ સર્વિસિસ તરફથી આ IPO ભરવાની સલાહ આપવામાં આવી છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર