નવી દિલ્હીઃ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (International Monetary Fund-IMF) સંસ્થાની ચીફ ઇકોનોમિસ્ટ ગીતા ગોપીનાથ (Gita Gopinath)એ કહ્યું છે કે તાજેતરમાં અમલમાં આવેલા કૃષિ કાયદાઓ (New Agriculture Laws) માં ખેડૂતોની આવક (Farmers’ Income) વધારવાની ક્ષમતા રહેલી છે. પરંતુ ગોપીનાથે તેની સાથે જ પછાત અને ખેતમજૂરોને સામાજિક સુરક્ષા (Social Security) પૂરી પાડવા ઉપર ભાર મૂક્યો છે. તેઓએ એમ પણ કહ્યું કે ભારતીય કૃષિ ક્ષેત્રમાં (Indian Agriculture)માં મોટાપાયે સુધારાની જરૂરી છે.
ગીતા ગોપીનાથે કહ્યું કે, કૃષિમાં અનેક સુધારાની જરૂર છે જેમાં માળખાકિય સુવિધા ઊભી કરવી પણ પ્રાથમિકતા છે. નોંધનીય છે કે, કેન્દ્ર સરકારે ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં ત્રણ નવા કૃષિ કાયદાઓને અમલામાં મૂક્યા હતા અને સરકારનો દાવો છે કે આ કૃષિ સુધારણાનું સૌથી મોટું પગલું છે અને તેના કારણે વચેટિયાઓથી છુટકારો મળશે ઉપરાંત ખેડૂતો દેશમાં ગમે ત્યાં પોતાનો પાક વેચી શકશે.
ભારતના નવા કૃષિ કાયદાઓ વિશે અભિપ્રાય પૂછાતાં ગીતા ગોપીનાથે કહ્યું કે, માર્કટિંગ માટે એક ખાસ કૃષિ કાયદો લાવવામાં આવ્યો છે. જેના કારણે ખેડૂતોને વેચાણ માટે બહોળું માર્કેટ મળી રહેશે. કોઈ પણ ટેક્સ ચૂકવ્યા વગર ખેડૂત માર્કેટ યાર્ડની બહાર એકથી વધારે સ્થળે પોતાનો પાક વેચી શકશે. અમારા મતે આના કારણે ખેડૂતોની આવકમાં વધારો થશે. તેઓએ વધુમાં કહ્યું કે, હંમેશા જ્યારે નવા રિફોર્મ અમલામાં મૂકવામાં આવે છે ત્યારે તેનો ટ્રાન્જિશન કોસ્ટ આવે છે. તેથી આવી પરિસ્થિતિમાં પછાત ખેડૂતો અને ખેતમજૂરોની સામાજિક સુરક્ષા ન જોખમાય તે બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. હાલમાં આ બાબતે ચોક્કસપણે ચર્ચાઓ ચાલી રહી છે અને તેના શું તારણ આવે છે તેની પર અમે નજર રાખી રહ્યા છીએ.
ઉલ્લેખનીય છે કે, મુખ્યત્વે પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રના ખેડૂતો કૃષિ કાયદાઓ રદ કરવાની માંગ સાથે દિલ્હી સરહદો પર છેલ્લા બે મહિનાથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તેમનો દાવો છે કે નવા કૃષિ કાયદામાં ટેકાના ભાવ (MSP)ની જોગવાઈ હટાવી દેવામાં આવતા ખેડૂતોને પોતાની ઉપજના યોગ્ય ભાવ પણ નહીં મળે. કેન્ર્6 સરકાર અને ખેડૂતો વચ્ચે અત્યાર સુધીમાં 11 ચરણની મંત્રણા થઈ છે પરંતુ તેમાં કોઈ ઠોસ ઉકેલ સામે નથી આવ્યો.
11મા ચરણની બેઠકમાં સરકારે ખેડૂતો સમક્ષ રજૂઆત કરી હતી કે તેઓ કૃષિ કાયદાઓનું અમલ એકથી દોઢ વર્ષ માટે રદ કરી દેશે, જેથી વિરોધ કરી રહેલા મુદ્દાઓનો ઉકેલ શોધી શકાય. પરંતુ ખેડૂત સંગઠનોએ સરકારની આ માંગને ઠુકરાવી દીધી હતી અને કહ્યું હતું કે તેમની એક જ માંગ છે કે સરકાર ત્રણેય કૃષિ કાયદા રદ કરે. સરકાર આ નિર્ણય નહીં લે ત્યાં સુધી વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે તેવી તેમણે રજૂઆત કરી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર