ન્યૂઝ18 ગુજરાતીઃ મંગળવારનો દિવસ ભારતીય રૂપિયા માટે અમંગળ રહ્યો છે. અમેરિકન ડોલર સામે રૂપિયો નબળો પડતો જોવા મળ્યો છે. રૂપિયો 71.34 પ્રતિ ડોલરની સરખામણીએ 72.46 પ્રતિ ડોલર પર ખુલ્યો છે. સોમવારની સરખામણીમાં 1.12 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. નોંધનીય છે કે 13મી નવેમ્બર પછી રૂપિયો સૌથી નીચલા સ્તર પર છે. નિષ્ણાતોનું કહેવું છે કે ઉર્જિત પટેલના રાજીનામાની અસર રૂપિયા પર પડી છે.
સોમવારે રૂપિય 54 પૈસા તૂટીને 71.34 પર બંધ થયો હતો. જ્યારે શુક્રવારે રૂપિયો 10 પૈસાના વધારા સાથે 70.80 પર બંધ થયો હતો.
75 સુધી ગગડી શકે છે રૂપિયો
ફિચ રેટિંગ્સનું અનુમાન છે કે 2019ના અંત સુધીમાં ભારતીય રૂપિયો ગગડીને ડોલરની સરખામણીમાં 75 સુધી પહોંચી શકે છે. ફિચ પ્રમાણે ચાલુ ખાતામાં ખાધ વધવાથી અને દુનિયામાં કરજ મોંઘું થવાથી રૂપિયામાં ઘટાડો નોંધાશે. એશિયામાં ભારતીય રૂપિયો અત્યારે સૌથી વધારે ખરાબ પ્રદર્શન કરતું ચલણ છે. આ વર્ષે રૂપિયો 15 ટકા સુધી નબળો પડી ચુક્યો છે. આ વર્ષે ઓક્ટોબરમાં એક ડોલરની સરખામણીમાં ભારતીય રૂપિયો ગગડીને 74.39ના સ્તર પર પહોંચી ગયો હતો.
માર્સેલસ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સ સૌરભ મુખરજીનું કહેવું છે કે ભવિષ્યમાં રૂપિયો વધારે ગગડી શકે છે. જેનો ફાયદો આઈટી અને ફાર્મા કંપનીને મળી શકે છે. સૌરભ મુખરજીના મત પ્રમાણે ડોલરનો ભાવ રૂ. 75ને પાર જઈ શકે છે. એવામાં રોકાણકારો ફાર્મા કંપનીઓના શેરમાં અને ખાસ કરીને ડો. રેડ્ડીઝ અને આઈટી કંપનીમાં ટીસીએસના શેર ખરીદી શકે છે.
આમ આદમી પર શું અસર થશે?
- ભારત દેશ પોતાની જરૂરિયાતની 80 ટકા પેટ્રોલિયમ પ્રોડક્ટ આયાત કરે છે.
- રૂપિયો ગગડતા આયાત કરવામાં આવતી પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ મોંધી થશે.
- ઓઈલ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલની ઘરેલૂ કિંમતમાં વધારો કરી શકે છે.
- ડીઝલના ભાવ વધવાથી ટ્રાન્સપોર્ટેશન ચાર્જ વધી શકે છે, જેના કારણે મોંઘવારીમાં વધારો થઈ શકે છે.
- આ ઉપરાંત ભારત મોટા પ્રમાણમાં ખાદ્ય તેલ અને દાળની પણ આયાત કરે છે.
- રૂપિયામાં ઘટાડો થતાં સ્થાનિક બજારમાં ખાદ્ય તેલ અને દાળોની કિંમતમાં વધારો થઈ શકે છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર