નવી દિલ્હી: ઇન્ડિયન ઑઇલ કૉર્પોરેશને (IOC) રશિયા (Russia) પાસેથી મોટા ડિસ્કાઉન્ટ સાથે આશરે 30 લાખ બેરલ ક્રૂડ ઓઇલ (Crude Oil) ખરીદ્યું છે. સૂત્રો તરફથી આ જાણકારી પ્રાપ્ત થઈ છે. ઇન્ડિયન ઑઇલે એવા સમયે આ ખરીદી કરી છે જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં રશિયા-યુક્રેન યુદ્ધને પગલે ક્રૂડ ઓઇલની કિંમત ખૂબ વધી ગઈ છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈના એક રિપોર્ટ પ્રમાણે ઇન્ડિયન ઑઇલે મે મહિનામાં ડિલિવરી માટે રશિયન ક્રૂડને એ દિવસના આંતરરાષ્ટ્રીય ક્રૂડની કિંમતથી આશરે 20થી 25 ડૉલર ઓછી કિંમતે ખરીદી કરી છે.
અમેરિકા સહિત અને પશ્ચિમ દેશોએ રશિયા પર આર્થિક પ્રતિબંધો લગાવ્યા છે. જે બાદમાં રશિયાએ ભારત સહિત અનેક ક્રૂડ ઓઇલની આયાત કરતા દેશોને ડિસ્કાઉન્ટ ભાવે ક્રૂડની સાથે સાથે અન્ય વસ્તુઓ પણ ઑફર કરી છે.
આ શરતે ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદશે
જોકે, ઇન્ડિયન ઑઇલે પોતાની શરતોને આધિન રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદી કરી છે. જેમાં એવી શરત પણ સામેલ છે કે ઇન્ડિયન ઑઇલે રશિયાની જે ઑઇલ કંપની પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદી કરી છે, તે જ ભારતીય સમુદ્ર સુધી ડિલિવરી કરશે. આવી શરત ઓઇલના પુરવઠા અને વીમા પર મૂકવામાં આવેલા પ્રતિબંધને પગલે કોઈ મુશ્કેલીથી બચવા માટે મૂકવામાં આવી છે.
85% ક્રૂડની આયાત
ભારત પોતાની જરૂરિયાતનું આશરે 85 ટકા ક્રૂડ ઓઇલ વિદેશમાંથી આયાત કરે છે. ભારત હાલ સસ્તી કિંમતે ક્રૂડ ઓઇલની ખરીદી કરીને પોતાની એનર્જી ખર્ચ ઓછો કરવા માંગે છે.
રશિયા પાસેથી ફક્ત 1.3 ટકા ક્રૂડ ઓઇલ ખરીદી છે ભારત
આ પહેલા પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ સોમવારે રાજ્યસભામાં કહ્યુ હતુ કે દેશ બિન-પરંપરાગત સપ્લાયર્સ પાસેથી ઇંધણ ખરીદવા માટે જરૂરી વીમા અને માલના પરિવહન જેવા પાસાઓ પર વિચાર કર્યા બાદ જ સસ્તી કિંમતે ક્રૂડ ઓઇલ વેચવાના રશિયાના પ્રસ્તાવનું મૂલ્યાંકન કરશે. ભારત હાલ પોતાની જરૂરિયાતનો ફક્ત 1.3 હિસ્સો રશિયા પાસેથી ખરીદે છે.
સરકારી ઓઇલ કંપનીઓએ ગુરુવારે પેટ્રોલ-ડીઝલની નવી કિંમત જાહેર કરી દીધી છે. આજે દિલ્હી-મુંબઈ જેવા મોટા શહેરોમાં ઇંધણની કિંમતમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો. જોકે, નાના શહેરોમાં પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ફેરફાર થયો છે. સરકારી ઑઇલ કંપનીઓએ લખનઉ, જયપુર, પટના જેવા શહેરોમાં પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ફેરફાર કર્યો છે. મુંબઈમાં હાલ પેટ્રોલની કિંમત 110 રૂપિયા પ્રતિ લીટર છે.