પોતાના ક્ષેત્રમાં એકાધિપત્ય ધરાવતી કંપનીએ આઈપીઓ બાદ રોકાણકારોને બમ્પર કમાણી કરાવી હતી, પરંતુ છેલ્લા છ માસમાં બોનસની જાહેરાત બાદ IEXના શેરમાં જોવા મળેલ ગાબડા બાદ કંપનીમાં રોકાણકારોનો વિશ્વાસ ફરી વધે તે હેતુસર બોર્ડે શેર બાયબેક કરવાની જાહેરાત કરી છે. વર્તમાન રોકાણકારોને આ બાયબેક ઓફરમાં પણ શાનદાર 25%નું બમ્પર રિટર્ન મળી શકે છે. ઉર્જા સેક્ટરની દિગ્ગજ કંપની ઈન્ડિયન એનર્જી એક્સચેન્જ(IEX)એ શેર બાયબેક એટલે કે સ્ટોકની પુનઃખરીદીની જાહેરાત કરી છે. કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે રૂ. 98 કરોડના શેર બાયબેક પ્રસ્તાવને મંજૂરી આપી છે. આ અંતર્ગત કંપની ઓપન માર્કેટમાંથી રૂ. 200 પ્રતિ ઈક્વિટી શેરના ભાવે ખરીદી કરશે.
કંપનીની આ જાહેરાત પહેલા શુક્રવારે શેરના ભાવમાં 3 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. પરંતુ આજે શેર ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે.
રેકોર્ડ અને ક્લોઝિંગ ડેટ?
25 નવેમ્બરે એક્સચેન્જને આપવામાં આવેલી માહિતીમાં કંપનીએ બાયબેક પ્લાન વિશે જાણકારી આપી હતી. બાયબેક હેઠળ કંપની મહત્તમ 49 લાખ શેર પરત ખરીદશે. બાયબેકની જાહેરાત પહેલા IEXના શેરમાં તેજી જોવા મળી હતી. ટ્રેડિંગ સપ્તાહના છેલ્લા દિવસે શુક્રવારે શેર રૂ. 150.35 પર બંધ થયો હતો, પરંતુ આજે શેરમાં સામાન્ય ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યો છે. જોકે કંપનીએ બાયબેક સંબંધિત રેકોર્ડ અને અંતિમ તારીખ સાથે સંબંધિત માહિતી આપી નથી.
Buyback: જ્યારે કોઈ કંપની ઓપન માર્કેટમાં ઉપલબ્ધ શેર્સની સંખ્યા ઘટાડવા માટે તેના બાકી શેરો પાછા ખરીદે છે, ત્યારે તેને બાયબેક(Buyback) કહેવામાં આવે છે. આનો અર્થ એ છે કે, કંપની રોકાણકારો પાસેથી તેના પોતાના શેર પાછા ખરીદે છે. બજારમાં સપ્લાય ઘટાડીને શેરની કિંમત વધારવાનો-આકર્ષવાનો અથવા અન્ય શેરધારકોને નિયંત્રિત હિસ્સાથી વંચિત રાખવા જેવા ઘણા કારણોસર કંપની શેરો પાછા ખરીદે છે.
બાયબેક દ્વારા કંપની બજારમાં ફરી રહેલ શેરની સંખ્યા ઘટાડે છે અને તેને પગલે શેર દીઠ કમાણી(EPS) પણ વધવાની આશાએ રોકાણકારો કંપની પ્રત્યે ઉત્સાહિત બને છે. સામાન્ય રીતે કોઈપણ કંપની બે રીતે શેર બાયબેક કરે છે.
સૌપ્રથમ, શેરધારકોને ટેન્ડર ઓફર કરવામાં આવી શકે છે. તેમાં શેરધારકો પાસે આપેલ સમયગાળામાં તેમની પાસે રહેલ તમામ શેર અથવા શેરના અમુક ભાગને બજાર કિંમત કરતાં પ્રીમિયમ સાથે ટેન્ડર કરવાનો વિકલ્પ હોઈ શકે છે. આ સિવાય બીજી રીત એ છે કે કંપની ઓપન માર્કેટમાંથી શેર બાયબેક કરી શકે છે.
ઇન્ડિયન એનર્જી એક્સચેન્જ લિમિટેડ (IEX) રૂ. 13,515.99 કરોડના માર્કેટ કેપ સાથે ફાઈનાન્શિયલ સર્વિસ સેક્ટરમાં કાર્યરત મિડ-કેપ કંપની છે. તે વીજળી, રિન્યૂએબલ એનર્જી અને સિક્યોરિટીસની ફિઝીકલ વિતરણ માટે રાષ્ટ્રીય સ્તરે ઓનલાઈન ટ્રેડિંગ નેટવર્ક પૂરું પાડે છે. IEX સમગ્ર ભારતમાં મજબૂત નેટવર્ક ધરાવે છે અને ઓનલાઈન વિજળી વેપારના ક્ષેત્રે લગભગ એકાધિકાર ધરાવે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર