દાવોસ : વર્ષ 2018માં ભારતમાં કરોડપતિઓની સંપત્તિમાં દૈનિક 2200 કરોડનો વધારો જોવામાં આવ્યો હતો. ઓક્સફેમના રિપોર્ટમાં સામે આવ્યું છે કે દેશના એક ટકા અમીરોની સંપત્તિમાં વર્ષ 2018માં 39 ટકાનો વધારો થયો હતો. જ્યારે દેશના સૌથી ગરીબ માનવામાં આવતા લોકોની સંપત્તિમાં ફક્ત ત્રણ ટકાનો વધારો થયો હતો. આ અભ્યાસ પ્રમાણે, ભારતમાં 9 અમીરો પાસે દેશની અડધી સંપત્તિ છે. જ્યારે આશરે દેશની 60 ટકા વસ્તી પાસે ફક્ત 4.8 સંપત્તિ રહેલી છે.
વૈશ્વિક સ્તરે 2018માં કરોડપતિઓની સંપત્તિમાં 12 ટકાનો વધારો જોવામાં આવ્યો હતો. જ્યારે સૌથી ગરીબ માનવામાં આવતા લોકોની સંપત્તિમાં 11 ટકાનો ઘટાડો થયો હતો. દાવોસમાં આયોજિત થનારા વર્લ્ડ ઇકોનોમિક ફોરમ પહેલા ઓક્સફેમ તરફથી આ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે.
આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતની સૌથી ગરીબ 10 ટકા વસ્તી એટલે કે આશરે 13.6 કરોડ લોકો 2004થી સતત દેવામાં ડૂબેલા છે.
ઓક્સફેમે દાવોસ પહોંચી રહેલા રાજકીય નેતાઓ અને ઉદ્યોગપતિઓને અપીલ કરી છે કે તેઓ અમીરો અને ગરીબોની વચ્ચે વધી રહેલા અંતરને ઓછું કરવાની દિશામાં કામ કરે. ઓક્સફેમે કહ્યું કે આ અંતરને કારણે ગરીબી વિરુદ્ધ ચલાવવામાં આવેલું અભિયાન પ્રભાવિત થઈ રહ્યું છે, એટલું જ નહીં વૈશ્વિક અર્થવ્યવસ્થા પર પણ તેની ખરાબ અસર જોવા મળી રહી છે.
ઓક્સફેમના ઇન્ટરનેશનલ એક્ઝિક્યુટિવ બિની બ્યાનિમાએ કહ્યું કે આ "નૈતિક રીતે ક્રૂર" છે કે ભારતમાં ગરીબો બે ટંક ખાવા માટે સંઘર્ષ કરી રહ્યા છે ત્યારે અમુક અમીરોની સંપત્તિ સતત વધી રહી છે. તેમણે કહ્યું, "જો એક ટકા અમીરો અને દેશના અન્ય લોકોની સંપત્તિમાં આ અંતર વધતું જશે તો તેનાથી દેશની સામાજિક અને લોકતાંત્રિક વ્યવસ્થા પૂરી રીતે ખતમ થઈ જશે."
આ રિપોર્ટમાં સામે આવ્યું છે કે દુનિયાના લગભગ 3.8 બિલિયન ગરીબ લોકો પાસે કુલ જેટલી સંપત્તિ છે એટલી સંપત્તિ ફક્ત 26 લોકો પાસે છે. એમેઝોનના સ્થાપક અને દુનિયાન સૌથી અમીર વ્યક્તિ જેફ બેઝોસની કુલ સંપત્તિની ફક્ત એક ટકા રકમ એથોપિયાની આખા વર્ષના હેલ્થ બજેટ બરાબર છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર