Home /News /business /India@75: આઝાદી પહેલા થઈ હતી આ 7 કંપનીઓની સ્થાપના, આજે પણ આખા વિશ્વમાં વગાડે છે ડંકો
India@75: આઝાદી પહેલા થઈ હતી આ 7 કંપનીઓની સ્થાપના, આજે પણ આખા વિશ્વમાં વગાડે છે ડંકો
રતન ટાટા અને કુમાર મંગલમ બિરલા
Independence Day 2022 - આર્થિક મંદી અને મોંઘવારીના ઓછાયા છતાં ભારત દુનિયામાં સૌથી ઝડપથી આગળ વધી રહેલું અર્થતંત્ર હોવાની વાત IMFથી લઈને વિશ્વ બેંક માની ચુક્યા છે. હેલ્થ સેક્ટર, એવિએશન સેક્ટર, આઈટી સેક્ટર અને ઓટો સેક્ટર સહિતના ક્ષેત્રોમાં ભારતીય કંપનીઓએ ડંકો વગાડ્યો છે
દેશમાં દર વર્ષે 15મી ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ (Independence Day)ની ઉજવણી કરવામાં આવે છે. દેશ આઝાદીનો અમૃત મહોત્સવ (Azadi ka Amrit Mahotsav) મનાવી રહ્યો છે. આઝાદી પછી દેશનો ઘણો વિકાસ (India development) થયો છે. ભારતે સમગ્ર વિશ્વમાં મહત્વનું સ્થાન અને દરજ્જો પ્રાપ્ત કર્યો છે. હાલ ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા (Indian economy)માંથી એક છે. જેમાં ભારતીય બિઝનેસ જગતના લીડર્સનું મોટું યોગદાન છે. કેટલાક ઉદ્યોગપતિઓએ આઝાદી પહેલા કંપનીઓ સ્થાપી હતી. આ કંપનીઓ આજે પણ દેશને આર્થિક તાકાત આપી રહી છે.
ભારતની અર્થવ્યવસ્થામાં યોગદાન આપનાર ઉદ્યોગકારો
બિઝનેસ દ્વારા દેશની અર્થવ્યવસ્થામાં યોગદાન આપનાર ટોચના ઉદ્યોગકારોમાં જમશેદજી ટાટા, એસકે અરદેશર અને પિરોજશા ગોદરેજ, માધવ પ્રસાદ બિરલા અને કેએ હમીદનો સમાવેશ થાય છે. આ ઉદ્યોગકારો દ્વારા સ્થાપિત કંપનીઓ હજી પણ મોટા પાયે વેપાર કરી રહી છે અને હજારો-લાખો લોકોને રોજગાર પણ આપી રહી છે.
સમગ્ર વિશ્વમાં ભારતીય કંપનીઓએ ડંકો વગાડ્યો
આર્થિક મંદી અને મોંઘવારીના ઓછાયા છતાં ભારત દુનિયામાં સૌથી ઝડપથી આગળ વધી રહેલું અર્થતંત્ર હોવાની વાત IMFથી લઈને વિશ્વ બેંક માની ચુક્યા છે. હેલ્થ સેક્ટર, એવિએશન સેક્ટર, આઈટી સેક્ટર અને ઓટો સેક્ટર સહિતના ક્ષેત્રોમાં ભારતીય કંપનીઓએ ડંકો વગાડ્યો છે. આજે અહીં આઝાદીના 7 દાયકાથી વધુ સમય બાદ પણ દેશના ઉદ્યોગ જગત માટે ગૌરવ સમાન અને અબજો-કરોડોમાં વેપાર કરનાર ટોચની 7 કંપનીઓ અંગે અહી જાણકારી અપાઈ છે. આ કંપનીઓની સ્થાપના બ્રિટિશ કાળમાં થઈ હતી.
ટાટા જૂથ (ચેરમેન: રતન ટાટા)
આઝાદી પહેલા શરૂ થયેલી કંપનીઓની વાત કરીએ તો ટાટા ગ્રુપનું નામ સૌથી ઉપર આવે છે. આજે મીઠાથી લઈને લક્ઝરી કાર બનાવતા આ ગ્રુપનો પ્રારંભ 1868માં થયો હતો. અત્યારે આઈટી સેક્ટરની સૌથી મોટી કંપની ટીસીએસ, મેટલ સેક્ટરમાં ટાટા સ્ટીલ, ઈન્ડિયન હોટલ કંપની અને ટાટા મોટર્સ આ ગ્રુપનો હિસ્સો છે. એર ઇન્ડિયાના માધ્યમથી ટાટા ગ્રુપ એવિએશન સેક્ટરમાં મોટું નામ ધરાવે છે. વાહનોની બાબતમાં ટાટાના હાથમાં જગુઆર અને લેન્ડ રોવર જેવી બ્રાન્ડ છે. ઇન્ડિયન હોટેલ્સ કંપનીની સ્થાપના જમશેદજી તાતાએ 1903માં કરી હતી. મુંબઈનો તાજમહેલ પેલેસ આજે દેશની ઓળખ બની ગયો છે.
ફૂડ સેક્ટરની મોટી કંપની બ્રિટાનિયાની શરૂઆત પણ આઝાદી પહેલા વર્ષ 1892માં કરવામાં આવી હતી. આજે પણ આ કંપની બિસ્કિટ અને અન્ય ખાદ્ય પદાર્થોના કારોબાર પર વર્ચસ્વ ધરાવે છે. આ કંપનીની સ્થાપના કોલકાતાના વાડિયા ફેમિલીએ કરી હતી. અહેવાલો અનુસાર, એક નાની દુકાનથી શરૂ થયેલો ધંધો બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ઝડપથી વધ્યો હતો. આજે તેનો બિઝનેસ સમગ્ર વિશ્વમાં ફેલાયેલો છે. ફોર્બ્સના જણાવ્યા પ્રમાણે કંપનીની નેટવર્થ 2022માં 370 કરોડ ડોલર સુધી પહોંચી ગઈ છે.
ગોદરેજ (ચેરમેન: નાદિર ગોદરેજ)
ગોદરેજ આજે મેટલ, ઇલેક્ટ્રોનિક્સ સહિત રિયાલિટી સેક્ટરનું જાણીતું નામ છે. આ જૂથ પણ આઝાદી પહેલાથી જ દેશના આર્થિક સ્વાસ્થ્યને સુધારવામાં ભૂમિકા ભજવી રહ્યું છે. આ કંપનીની સ્થાપના 1897માં અરદેશર ગોદરેજ અને તેના ભાઈ પિરોજશા ગોદરેજ દ્વારા કરવામાં આવી હતી. તે સમયે બ્રિટિશરોને પણ કંપનીની તિજોરી પર પૂરો વિશ્વાસ હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 1911માં કિંગ જ્યોર્જ પાંચમા અને ક્વીન મેરીએ દિલ્હીની મુલાકાત દરમિયાન પોતાની કિંમતી ચીજવસ્તુઓ રાખવા માટે ગોદરેજની તિજોરીની પસંદગી કરી હતી.
બિરલા ગ્રુપ (ચેરમેન: કુમાર મંગલમ બિરલા)
આઝાદી પહેલા બિરલા ગ્રુપે બિઝનેસ શરૂ કર્યો હતો. ઘનશ્યામ દાસ બિરલાના દાદા શિવ નારાયણ બિરલાએ શાહુકારી કરતાં કરતાં કપાસનો ધંધો શરૂ કર્યો હતો. આ પછી 1890માં પ્રથમ ઉદ્યોગની સ્થાપના કરવામાં આવી હતી. હાલ બિરલા કોર્પોરેશન લિમિટેડ એ એમપી બિરલા ગ્રૂપની ફ્લેગશિપ કંપની છે. તેની સ્થાપના 1910ના દાયકાના અંતમાં ઘનશ્યામદાસ બિરલા દ્વારા કરવામાં આવી હતી અને તેનું સંચાલન માધવ પ્રસાદ બિરલા દ્વારા કરવામાં આવ્યું હતું. આજે કંપની વિશ્વના 36 દેશોમાં બિઝનેસ કરે છે અને આ બિરલા ગ્રુપ લગભગ 1,40,000 લોકોને રોજગારી આપી રહ્યું છે.
ટીવીએસ (ચેરમેન: વેણુ શ્રીનિવાસન)
ટીવીએસ મોટર ભારતની સૌથી મોટી ટૂ-વ્હીલર નિર્માતા કંપની છે. આ કંપનીની શરૂઆત ઘોડાગાડીઓ અને બગીના જમાનામાં થઈ હતી. તેનું મુખ્ય મથક ચેન્નઈમાં છે અને ટીવીએસ કંપનીની સ્થાપના વર્ષ 1911માં ટીવી સુંદરમ અયંગર દ્વારા કરવામાં આવી હતી. દેશમાં જમીનદારી પ્રથાનો અંત આવ્યા બાદ આર્થિક રીતે સક્ષમ બનવાની સાથે વાહનોનું વેચાણ પણ વધવા લાગ્યું હતું. આજે સ્વતંત્રતાના સાત દાયકા પછી પણ ટીવીએસ મોટર્સની સ્થિતિ અકબંધ છે અને કંપનીનો ટર્નઓવર અબજોમાં છે.
ડાબર (ચેરમેન: આનંદ બર્મન)
આયુર્વેદિક દવાઓનું વેચાણ કરતી ડાબર કંપની વર્ષ 1884માં શરૂ કરવામાં આવી હતી. તેના સ્થાપક એસ.કે.બર્મન વ્યવસાયે ડોક્ટર હતા. આ કંપનીને બજારમાં પોતાની ઓળખ ઉભી કરવા લાંબો સમય સંઘર્ષ કરવો પડ્યો હતો. પરંતુ 1990થી કંપનીનો બિઝનેસ ઝડપથી વધવા લાગ્યો હતો. આજે આ કંપની અબજો રૂપિયાનું ટર્નઓવર ધરાવે છે.
રેમન્ડ લિમિટેડ (ચેરમેન: ગૌતમ હરિ સિંઘાનિયા)
દેશને આઝાદી મળી તે પહેલા શરૂ કરવામાં આવેલી કંપનીઓમાં રેમન્ડ લિમિટેડનું નામ પણ છે. તેની સ્થાપના 1925માં મહારાષ્ટ્રના થાણેમાં ઊનની મિલ તરીકે કરવામાં આવી હતી. ત્યારબાદ 1958માં મુંબઈમાં પ્રથમ એક્સક્લૂઝિવ રેમન્ડ રિટેલ શોરૂમ ખોલવામાં આવ્યો હતો. આ ઉપરાંત દેશમાં અબજો રૂપિયાનું ટર્નઓવર ધરાવતી પંપ અને વાલ્વ બનાવતી કંપની કિર્લોસ્કરની શરૂઆત વર્ષ 1888માં કરવામાં આવી હતી. લક્ષ્મણરાવ કિર્લોસ્કરે આ કંપનીની શરૂઆત ટ્રેડિંગ કંપની તરીકે કરી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર