Home /News /business /આ શહેરમાં CNGના ભાવ પેટ્રોલ કરતાં પણ વધારે, જાણો આખરે આવું કેમ?
આ શહેરમાં CNGના ભાવ પેટ્રોલ કરતાં પણ વધારે, જાણો આખરે આવું કેમ?
નાગપુરમાં પેટ્રોલ કરતાં તો સીએનજી મોંઘો થયો. કિટ ફીટ કરાવનારા પસ્તાઈ રહ્યા છે.
CNG Price In Nagpur: મહારાષ્ટ્રના નાગપુરમાં મંગળવારે સીનએનજીની કિંમતોમાં એકસાથે 6 રુપિયા વધારો કરવામાં આવ્યો અને આ સાથે અહીં CNGની પ્રતિ કિલો કિંમત 116 પહોંચી ગઈ હતી.
અમદાવાદઃ નાગપુરમાં સીએનજીની કિંમતોમાં વધારા પછી અહીં સીએનજી વાહન ચાલકોની મુશ્કેલી વધી ગઈ છે કારણે કે આ વધારા સાથે શહેરમાં સીએનજીની કિંમતો પેટ્રોલ કરતા પણ વધી ગઈ છે. નવા ભાવ વધારા સાથે અહીં સીએનજીની કિંમતો પ્રતિ કિલો 116 રુપિયા પહોંચી ગઈ છે. જોકે તમને જણાવી દઈએ કે નાગપુરમાં સીએનજી જ નહીં પરંતુ પેટ્રોલ અને ડીઝલ પણ ખૂબ જ મોંઘા ભાવે મળે છે. વર્તમાન સમયમાં નાગપુરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટર 106 રુપિયા છે. જ્યારે પાછલા 10 દિવસમાં ડીઝલની કિંમતોમાં 0.14 રુપિયાના વધારા સાથે ડીઝલ 92.75 રુપિયા પ્રતિ લીટર થઈ ગયું છે.
તમને જણાવી દઈએ કે નાગપુર જેવા મોટા શહેરમાં સીએનજીના ફક્ત ત્રણ જ પમ્પ છે. આજના સમયે નાગપુર માટે ગુજરાતમાંથી LNG મંગાવવામાં આવે છે. જેને પ્રોસેસ કરીને સીએનજીમાં ફેરવવામાં આવે છે. આ કારણે નાગપુરમાં દેશના અન્ય શહેરોની સરખામણીએ સીએનજીનો ભાવ સૌથી વધુ હોય છે. નાગપુરમાં જે ત્રણ સીએનજી પંપ છે તે પ્રાઈવેટ કંપનીઓના છે, જેના કારણે નાગપુરમાં સીએનજી ઈંધણ પર આ કંપનીઓની મોનોપોલી છે.
નાગપુરના સીએનજી પંપ અધિકારીઓનું માનીએ તો નાગપુર સુધી ગેસ પાઈપ લાઈન નાખવાનું કામ શરું છે. જે પૂરું થવામાં છે અને તેના બાદ શહેરમાં સીએનજીની કિંમતોમાં રાહત આપવામાં આવી શકે છે. હાલના સમયમાં દિલ્હીમાં સીએનજીની કિંમતો 75.61 રુપિયા પ્રતિ કિલો છે જ્યાં ડીઝલ પ્રતિ લિટર 89.62 અને પેટ્રોલ પ્રતિ લિટર 96.72 રુપિયામાં મળી રહ્યું છે.
મહત્વનું છે કે ગુજરાતમાં પણ અદાણી ગેસ દ્વારા ગઈકાલે એટલે કે 2 ઓગસ્ટના રોજ પોતાના સીએનજીના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. અદાણી ગ્રુપ દ્વારા સીએનજી ગેસમાં પ્રતિ કિલો 1.99 રુપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે રાજ્યમાં અદાણી સીએનજીનો નવો ભાવ પ્રતિ કિલો 85.89 રુપિયા પહોંચી ગયો છે. સીએનજી ગેસના ભાવમાં સતત વધારો થતો રહેતો હોવાથી સીએનજી કીટ ફીટ કરાવનારા લોકોને રાતાપાણીએ રોવાનો વારો આવ્યો છે.
Published by:Mitesh Purohit
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર