Home /News /business /બચત કરતાં રોકાણને શા માટે વધારે મહત્ત્વ આપવું જોઇએ? આ રહ્યું ફાયદાઓનું આખું લીસ્ટ

બચત કરતાં રોકાણને શા માટે વધારે મહત્ત્વ આપવું જોઇએ? આ રહ્યું ફાયદાઓનું આખું લીસ્ટ

બચત કે રોકાણ? કયો વિકલ્પ વધુ સારો

Savings vs Investment: તમારે તમારા નાણાકીય લક્ષ્યને ધ્યાનમાં રાખીને રોકાણ કરવું જોઇએ. નાણાકીય લક્ષ્યો માટે તમારે કેટલી રકમ જોઇશે તેનો અંદાજ લગાવવો મુશ્કેલ છે.

મુંબઈ: શું તમે માત્ર બચત કરો છો? માત્ર બચત (savings) કરવાથી પૈસાની કિંમતમાં વધારો થતો નથી. બચતની રકમ વધારવા માટે તમારે રોકાણ (Invest Money) કરવું જરૂરી છે. રોકાણના યોગ્ય વિકલ્પો પર પૈસા લગાવવાથી તમે લાંબાગાળે વધુ પ્રમાણમાં સંપત્તિ એકઠી કરી શકો છો. પરંતુ હા રોકાણ માટે વધુ પડતા જોખમો લેવા પણ યોગ્ય નથી. તેથી જ્યારે પણ તમે બચત કરો છો તો રોકાણ કરીને તમે તમારા નાણાકીય ઉદ્દેશો (Financial Goals) પાર પાડી શકો છો. આજે અમે તમને જણાવીશું કે બચતની સરખામણીએ રોકાણ શા માટે ફાયદાકારક (Benefits of Investment) છે.

1. આવકનો સ્ત્રોત

તમે હાલના સમયે નોકરી કે ધંધો કરી રહ્યા છો અને તમારી પાસે આવકનો નિયમિત અને સારો સ્ત્રોત છે. પરંતુ શું તમે જાણો છો કે નિવૃત્તિ પછી તમારી પાસે આવકના મર્યાદિત સ્ત્રોત હશે અને તમારા ખર્ચમાં પણ વધારો થશે? તેનું કારણ તે છે કે વધતી ઉંમર સાથે બીમારીઓનો ખતરો પણ વધે છે. તમારે સારવાર માટે અનેક ખર્ચાઓ કરવા પડે છે. પરંતુ તમે કરેલી બચતને જો તમે યોગ્ય જગ્યાએ રોકાણ કરશો તો તમને આવકનો સ્ત્રોત વધારવામાં કરવામાં મદદ મળશે.

2. સંપત્તિ ઊભી કરવી

આજે દરેક વ્યક્તિ ધનવાન બનવાની લ્હાયમાં છે. ભવિષ્યની જરૂરિયાત માટે લોકો નાની-મોટી બચત કરી તો લે છે, પરંતુ બચત અને રોકાણની યોગ્ય રીત કે યોજનાઓથી અજાણ હોવાથી તેઓ ધનવાન બની શકતા નથી. જો તમે રોકાણમાં તમારું પ્રભુત્વ રાખી શકો તો તમે પણ કરોડપતિ બની શકો છો.

ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં નિયમિત રોકાણ કરીને લાંબા સમયગાળામાં તમારા નાણાકીય લક્ષ્યોને મેળવી શકો છો. જોકે, મ્યુચ્યુઅલ ફંડ દ્વારા મળતું વળતર શેરબજારના ઉતાર ચઢાવ પર આધારિત હોય છે, પરંતુ લાંબાગાળે SIP દ્વારા કરવામાં આવેલ રોકાણ સારું રિટર્ન આપવામાં સફળ રહ્યું છે. જો તમે 25 વર્ષની ઉંમરે રોકાણ કરવાની શરૂઆત કરી તો માત્ર 1 લાખ રૂપિયાનું વાર્ષિક રોકાણ તમને 60 વર્ષની ઉંમરે પાંચ કરોડ રૂપિયાના માલિક બનાવી દેશે. જો રોકાણમાં 10 વર્ષનું મોડું થાય તો આટલી જ સંપત્તિ એકઠી કરવા તમારે વાર્ષિક 3.5 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે.

3. નાણાકીય લક્ષ્યો પૂરા કરવા

તમારે તમારા નાણાકીય લક્ષ્યને ધ્યાનમાં રાખીને રોકાણ કરવું જોઇએ. નાણાકીય લક્ષ્યો માટે તમારે કેટલી રકમ જોઇશે તેનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. આજથી 10 વર્ષ બાદ 1 કરોડ એટલી મોટી રકમ નહીં રહે, જેટલી આજે છે. તમારે મોંઘવારી, જોખમ ક્ષમતા અને જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તમારો નાણાકીય લક્ષ્ય નક્કિ કરવો જોઇએ.તેથી ઉદ્દેશ્ય નક્કી કરતા પહેલા થોડી ગણતરી કરી લેવામાં વધુ સમજદારી છે. તમારે તે જાણવાનું છે કે 15 વર્ષ બાદ તમારે આજના 5 લાખ રૂપિયા અનુસાર કેટલી રકમની જરૂરિયાત હશે. તે સમય સુધીમાં મોંઘવારી કેટલી હશે.

4. રિટાયરમેન્ટ પ્લાનિંગ

રિટાયરમેન્ટ માટે બચત અને તેના સારા રિટર્ન આપતા વિકલ્પોમાં રોકાણ જરૂરી છે. રિટાયરમેન્ટ પ્લાન માટે માત્ર EPF યોગદાન પર નિર્ભર રહેવું યોગ્ય નથી. રિટાયરમેન્ટ બાદ તમારે દર મહીને કેટલા પૈસાની જરૂરિયાત રહેશે સૌથી પહેલા તેની ગણતરી કરો. તમે હાલના સમાન મૂલ્યોના આધારે માસિક ખર્ચ કાઢી લો. ત્યાર બાદ 6 ટકાના દરે વાર્ષિક મોંઘવારી ગણીને તેમાં વધારો કરો. તેનાથી તમને તે માસિક ખર્ચ વિશે જાણવા મળશે જેની જરૂરિયાત તમારે રિટાયરમેન્ટ બાદ હશે.

હવે ગણતરી કરો કે તેના માટે તમારે અત્યારથી કેટલા પૈસાની બચત કરવાની જરૂરિયાત રહેશે. ઇન્ટરનેટ પર આ પ્રકારના અનેક કેલ્ક્યુલેટર ઉપલબ્ધ છે, જે તમારી આમાં મદદ કરી શકે છે. અંતે તે રોકાણ ઉત્પાદનો વિશે જાણો જેમાં તમે રોકાણ કરવા ઇચ્છો છો. તમે તમારા રિટાયરમેન્ટ માટે પૈસા એકત્રિત કરવા માટે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડનો વિકલ્પ પસંદ કરી શકો છો.

5. આર્થિક સ્વતંત્રતા

જો તમે પૈસા સંબંધિત જરૂરિયાતો માટે તમારા બાળકો કે પછી સંબંધીઓ પર નિર્ભર રહેવા માંગતા નથી, તો તમારે સારું રિટર્ન આપતા વિકલ્પોમાં રોકાણ કરવું જોઇએ. જો તમે વરિષ્ઠ નાગરિક બન્યા બાદ પણ તમારા જરૂરી ખર્ચાઓ તમારા ખિસ્સામાંથી કરી શકો છો તો તમારા માટે તે આર્થિક આઝાદી છે. તમારી જરૂરિયાતની રકમ તમારી પાસે નિયમિત રૂપે આવતી રહે અને તમારા પૈસા પણ સુરક્ષિત રહે તેવું રોકાણ કરવું જોઇયે. આર્થિક આઝાદી માટે તમારે જોબ શરૂ કરતાંની સાથે જ રોકાણ કરવાનું શરૂ કરી દેવું જોઇએ અને લાંબાગાળાના પ્લાનિંગ કરવા જોઇએ.

આ પણ વાંચો: Mutual fund: ફિક્સ ડિપોઝિટ કે બચત ખાતાની જેમ મ્યુચ્યુઅલ ફંડમાં નિશ્ચિત વળતર શા માટે નથી હોતું?

6. કમ્પાઉન્ડિંગના ફાયદા

જો તમે લાંબા ગાળા માટે મ્યુચ્યુઅલ ફંડ ગ્રોથ પ્લાનમાં રોકાણ કરો છો, તો તમને ચક્રવૃદ્ધિ વ્યાજનો લાભ મળે છે. ધારો કે તમે 10,000 રૂપિયાનું રોકાણ કરો છો અને તમને તેના પર પ્રથમ વર્ષમાં 8% વળતર મળે છે. જે અનુસાર, તમારા રોકાણ પર પ્રથમ વર્ષનું વ્યાજ રૂ. 800 થશે. હવે બીજા વર્ષમાં તમારા રોકાણની રકમ 10,800 રૂપિયા થઈ જશે. જો તમને તેના પર માત્ર 8 ટકા વળતર મળે તો પણ તમારા વળતરની રકમ 864 રૂપિયા થાય છે.

આ પણ વાંચો: મ્યુચ્યુઅલ ફંડ vs શેર: બંને વચ્ચે શું સામ્યતા અને તફાવત છે? જાણો તમામ સવાલના જવાબ

હવે ત્રીજા વર્ષમાં તમારા રોકાણની રકમ 11,664 રૂપિયા થઈ ગઈ છે. હવે જો તમને આ રોકાણ પર 10% વળતર મળે છે, તો તમારું વાર્ષિક વળતર રૂ. 1166 છે. તે મુજબ ચોથા વર્ષમાં તમારી રોકાણની રકમ 12,830 રૂપિયા થઈ ગઈ છે. હવે તમને આ પર વાર્ષિક વ્યાજ/વળતર મળશે. આ રીતે આ સાઇકલ ચાલતી રહેશે અને તમને ચક્રવૃદ્ધિ વ્યાજનો લાભ પણ મળતો રહેશે.
First published:

Tags: Investment, Mutual funds, Personal finance, Savings

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો