મુંબઈ: આયાત નિકાસ (Import exports)નો વ્યવસાય (Business) શરૂ કરવા માંગતા લોકોના મનમાં રજિસ્ટ્રેશન, જરૂરી ડોક્યુમેન્ટ, મૂડીરોકાણ અને કાયદાની જોગવાઈઓ સહિતની બાબતે અનેક પ્રશ્નો રહે છે. આ બધા પ્રશ્નોના જવાબ એક જ સ્થળેથી વ્યવસ્થિત રીતે મળવા મુશ્કેલ છે. જેથી અહીં આયાત નિકાસના વ્યવસાય અંગે સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. ભારતમાં આયાત નિકાસ કારોબાર (Import-Export Business) શરૂ કરવા માટે સૌપ્રથમ તમારે માલિકીના માળખાના આધારે બિઝનેસ એન્ટિટીનો પ્રકાર નક્કી કરવો પડશે. મોટાભાગે કારોબાર કરવા સોલ પ્રોપ્રોપરાઇટરશિપ, ભાગીદારી પેઢી, લિમિટેડ લાયબીલીટી પાર્ટનરશિપ (LLP), સી-કોર્પોરેશન જેવા વિકલ્પ કરવામાં આવે છે. ત્યારબાદ નોંધણી કરવી જરૂરી છે.
પાન કાર્ડ
નવો બિઝનેસ શરૂ કરવા અને નોંધણી કરવા પાન કાર્ડ પણ ખૂબ જ આવશ્યક છે. નવા બિઝનેસ માટે પાન કાર્ડ લેવાની પ્રક્રિયા વ્યક્તિગત પાન કાર્ડ લેવાની પ્રક્રિયા જેટલી જ સરળ છે. તમારે કંપનીના નામે પાન કાર્ડ લેવું પડશે.
વ્યવસાય માટે કરંટ એકાઉન્ટ ખોલવું
આયાત નિકાસના વ્યવસાય માટે તમારી પાસે કરંટ બેંક એકાઉન્ટ હોવું જરૂરી છે. આ સાથે તેમાં ઈન્ટરનેટ બેન્કિંગની સુવિધા પણ હોવી જોઈએ. આવા એકાઉન્ટના માધ્યમથી વેપારીઓ અને ગ્રાહક સાથે આર્થિક વ્યવહાર કરવા સરળ રહેશે. તમે ખાનગી કે જાહેર બેંકમાં કરંટ એકાઉન્ટ ખોલી શકો છો.
કંપનીની નોંધણી કરાવો
ભારતમાં તમારો આયાત-નિકાસ વ્યવસાય શરૂ કરવા તમારે તમારા વ્યવસાયને પહેલા સરકારમાં નોંધણી કરાવવાની જરૂર પડે છે. હવે નવી કંપનીની નોંધણી સરળતાથી થાય છે. તમે દેશના કોઈપણ ભાગમાંથી તમારી કંપનીની નોંધણી કરાવી શકો છો. તમારે કંપનીની નોંધણી માટે કચેરીઓના ધક્કા ખાવાની જરૂર નથી. આ માટે તમે કંપની સેક્રેટરી અથવા CAને કામ સોંપી શકો છો.
રજિસ્ટ્રેશન માટે જરૂરી ડોક્યુમેન્ટમાં પાન કાર્ડની નકલ, લેટેસ્ટ બેંક સ્ટેટમેન્ટ, પાસપોર્ટ સાઇઝનો ફોટો, વોટર આઈડી કે પાસપોર્ટ, ટેલિફોન કે મોબાઇલ બિલ, ભાડા કરાર સહિતનાની જરૂર પડશે.
આયાત નિકાસના બિઝનેસ માટે તમારે પૂરતા મૂડીરોકાણની જરૂર પડશે. પ્રથમ તમારે બિઝનેસમાં થનારા ખર્ચનો અંદાજ કાઢવો પડશે. ત્યારબાદ મૂડીરોકાણ કરવાનું રહેશે. આ વ્યવસાયની જરૂરિયાતો મુજબ ટૂંકા ગાળાના તેમજ લાંબા ગાળાના રોકાણનું સ્વરૂપ લઈ શકે છે. તમે સરકારી સબસિડીનો લાભ પણ લઈ શકો છો. તમે તમારા વ્યવસાયની જરૂરિયાતોને આધારે કોઈપણ ખાનગી બેંકો અથવા સરકારી બેંકો પાસેથી લાંબા ગાળાની અથવા ટૂંકા ગાળાની લોન લઈ શકો છો.
ઇમ્પોર્ટ એક્સપોર્ટ કોડ મેળવો
IEC કોડ એટલે કે, આયાત નિકાસ કોડ એક પ્રકારનો યુનિક 10 અંકનો રજિસ્ટ્રેશન કોડ હોય છે. ભારતમાં આયાત નિકાસ વ્યવસાય શરૂ કરવા આ કોડ હોવો ફરજિયાત છે. ભારત સરકાર આયાત નિકાસ કોડ (IEC) પૂરો પાડે છે. આ કોડ લેવા માટે ડાયરેક્ટર જનરલ ઑફ ફોરેન ટ્રેડ DGFT વેબસાઇટ પર ઑનલાઇન અરજી કરવાની રહેશે.
આયાત નિકાસ માટે યોગ્ય પ્રોડક્ટની પસંદગી કરવી આયાત-નિકાસનો બિઝનેસ શરૂ કરવા કઈ પ્રોડક્ટ વધુ અનુકૂળ, નફાકારક છે તેની તપાસ કરવી જોઈએ. આ સાથે પ્રોડક્ટ અંગેના કાયદાની જાણ હોવી જરૂરી છે. પ્રોડક્ટની માંગ છે કે નહીં? આંતરાષ્ટ્રીય કાયદા કેવા છે? જે તે દેશની રાજકીય સ્થિતિ કેવી છે તેની જાણ પણ જરૂરી છે.
યોગ્ય પ્રોડક્ટ શોધ્યા બાદ યોગ્ય ગ્રાહક પણ શોધવાની જરૂર પડે છે. ગ્રાહકો શોધવા તમે ગ્રાહક અને વેપારીના માર્કેટપ્લેસ પ્લેટફોર્મ પર નોંધણી કરી શકો છો. તમે તમારી વેબસાઇટ પરથી વેચાણ લીડ જનરેટ કરી શકો છો. એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ જેવી સરકારી સંસ્થાઓનો ઉપયોગ કરી શકો છો.
તમારી પ્રોડક્ટ માટે યોગ્ય બજાર શોધવા તમારે રિસર્ચ કરવું પડશે. આંતરાષ્ટ્રીય માર્કેટ અને ડોમેસ્ટિક માર્કેટમાં માંગ અને પુરવઠાના પ્રમાણ અંગે જાણકારી રાખવી પડશે. આ સાથે નિયમો, રાજકીય સ્થિતિ અને ગ્રાહકના વલણનું પણ ધ્યાન રાખવું પડશે.
હવે શરૂ કરો તમારો બિઝનેસ
એકવાર તમારી બધી વ્યવસ્થા ગોઠવાઈ જાય એટલે તમારો આયાત નિકાસ વ્યવસાય શરૂ કરી શકો છો. હવે તમારે માર્કેટ, હરીફો અને વ્યવસાયના પ્રમોશન પર નજર રાખવી પડશે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર