Home /News /business /

Top-up car loan: વર્તમાન કાર લોન પર ટોપ-અપ લોન લેવાના શું ફાયદા? કેવી રીતે લઈ શકાય?

Top-up car loan: વર્તમાન કાર લોન પર ટોપ-અપ લોન લેવાના શું ફાયદા? કેવી રીતે લઈ શકાય?

ટોપ-અપ લોન

Top-Up loan: ટોપ-અપ લોનની મુદત મૂળ લોનના સમયગાળા પર આધારિત હોય છે. કાર ટોપ-અપ લોન વખતે તમને લાંબા ગાળાની મુદતની સુવિધા મળી શકે છે.

  મુંબઈ: ટોપ-અપ લોન એ ફાઈનાન્સિંગનો વધુ એક વિકલ્પ છે. જેમાં તમને તમારી હાલની લોનની ઉપર વધારાની લોનની રકમ મળે છે. હોમ લોન અને પર્સનલ લોન (Personal Loan)માં ટોપ-અપ લોન (Top-up Loan) મળતી હોય છે. તેવી જ રીતે કાર લોનમાં પણ ટોપ-અપનો લાભ લઇ શકાય છે. ટોપ-અપ લોન સારો ક્રેડિટ સ્કોર (Credit score) ધરાવનાર અને સમયે ચૂકવણી કરનાર માટે સરળતાથી ઉપલબ્ધ છે. કાર લોન લીધા પછી તમારે લગ્ન, ઘરનું રિનોવેશન કે મેડિકલ ઇમરજન્સી (Medical emergency) ઊભી થાય તો તમે ટોપ-અપ કાર લોન લઈ શકો છો. તમે ટોપ-અપ લોન તરીકે કારની કિંમતના 150% સુધીનો લાભ લઈ શકો છો. મોટાભાગના કેસમાં કાર લોનમાં 9 હપ્તા રેગ્યુલર (Regular EMI) ભર્યા હોય ત્યારબાદ ટોપ-અપ લોન સરળતાથી મળી શકે છે.

  પગારદારો માટે ટોપ-અપના નિયમો

  • લોન માટે અરજી કરતી વખતે અરજદાર 21 વર્ષથી વધુ અને લોન પૂરી થાય તે સમયની ગણતરીએ 65 વર્ષથી ઓછી વયનો હોવો જોઈએ.

  • બે વર્ષ કે તેથી વધુની નોકરી કરી હોય અને એક જ જગ્યા ઓછામાં ઓછા 1 વર્ષથી નોકરી ચાલુ હોવી જોઈએ.

  • જે વ્યક્તિને ઓછામાં ઓછી રૂ. 2,50,000ની કમાણી વાર્ષિક હોય તેઓને પણ સરળતાથી ટોપ-અપ લોન મળે છે.

  વ્યવસાયિક અરજદારો માટે નિયમો

  • લોન સમયે ઓછામાં ઓછી 25 વર્ષની વયનો હોવો જોઈએ અને લોન પૂરી થવાના સમયની ગણતરી મુજબ તે 65 વર્ષથી વધુનો ન હોવો જોઈએ.

  • ઓછામાં ઓછા 3 વર્ષથી બિઝનેસ કરનાર ટોપ-અપ કાર લોનને પાત્ર રહે છે.

  • રૂ. 2,50,000ની વાર્ષિક કમાણી કરનાર અને એક્ટિવ કાર લોનના 12 હપ્તા રેગ્યુલર ભરનાર વ્યક્તિને સરળતાથી લોન મળી શકે છે.

  ટોપ-અપ કાર લોન લેતી વખતે આ વાત ધ્યાનમાં રાખો:

  1) કાર લોનની મૂળ રકમ

  કાર લોનમાં ટોપ-અપ લેતી વખતે મૂળ લોનમાં કેટલી રકમ બાકી છે તે બાબતને ધ્યાને લેવી જરૂરી છે. મૂળ કાર લોન જેટલી વધુ હશે, ટોપ-અપ લોન પણ એટલી વધુ મળી શકે છે. દા.ત. કોઈ વ્યક્તિએ રૂ. 6 લાખની કાર લોન લીધી હોય તો તેને રૂ. 7થી 8 લાખની ટોપ-અપ લોન મળી શકે છે. જોકે, આ બાબત લોનની મુદત અને ભરેલા હપ્તા પર આધાર રાખે છે.

  2) મૂળ લોનની મુદત

  મૂળ કાર લોનની રકમની જેમ તેની મુદતને પણ ધ્યાને લેવી જરૂરી છે. લોનની મુદત જેટલી લાંબી હશે, તે સમયગાળા દરમિયાન ચૂકવવાના તેના વ્યાજના ચાર્જ એટલા ઊંચા હશે. જોકે, આવી સ્થિતિમાં પણ વધુ ટોપ-અપ લોન મળી શકે છે.

  આ પણ વાંચો: Car loan: કાર લોન લેતી વખતે આ ચાર ભૂલ બિલકૂલ ન કરો, આ બાબતોનું ધ્યાન નહીં રાખો તો પસ્તાવું પડશે

  3) ચાલુ કાર લોનના હપ્તા

  ચાલુ કાર લોન પરની EMI કાર સામેની ટોપ-અપ લોનમાં સ્પિટ નક્કી કરવામાં મદદ કરશે. એટલે કે ચાલુ લોનની EMI સ્પષ્ટ કરવાથી લોનની રકમનો કેટલો ભાગ ચાલુ લોનના ફોર્ક્લોઝરમાં જશે અને તમને હાથમાં રોકડ કેટલી વધશે તેનો ખ્યાલ સ્પષ્ટ થઈ જશે.

  4) ભરેલા હપ્તા

  બેલેન્સ ટ્રાન્સફર કાર રિફાઇનાન્સ અથવા ટોપ-અપ કાર લોન માટે વ્યક્તિએ હાલની કાર લોન પર ઓછામાં ઓછી 9થી 12 EMI ચૂકવવી જરૂરી છે. ચૂકવવામાં આવેલી EMIની સંખ્યા નિર્ણાયક પરિબળ છે. આ સંખ્યા લોનની રકમ નક્કી કરવામાં મદદ કરે છે.

  કાર લોનમાં ટોપ-અપ લેવાના ફાયદા

  1) સરળ અને ઝડપી પ્રક્રિયા

  ચાલુ લોન આપતી વખતે જ બેંક કે નાણાકીય સંસ્થાએ લોન લેનારનું ક્રેડિટ રિસ્કનો તાગ મેળવી લીધો હોય છે. જેથી ટોપ-અપ લોન લેવી સરળ અને ઝડપી હોય છે. આ ઉપરાંત મોટાભાગના કેસમાં તમારે વધુ ડોક્યુમેન્ટ જમા કરવાની જરૂર નથી. અલબત્ત, લોનનો 2-3 વર્ષ જેટલો સમયગાળો વીતી ગયો હોય તેવા કિસ્સામાં તમે જ્યાંથી પહેલા લોન લીધી હોય તે સંસ્થા નવા ડોક્યુમેન્ટ માંગી શકે છે.

  2) આકર્ષક વ્યાજદર

  ટોપ-અપ લોનમાં પણ મૂળ લોનની જેમ વ્યાજ દર આપવામાં આવે છે. જોકે, કેટલાક કિસ્સાઓમાં લોજ આપનાર સાથેના તમારા સંબંધો, તમારી લાયકાત અને લોન આપનારની નીતિના આધારે અલગ અલગ વ્યાજ દર ઓફર થાય છે. તેઓ અમુક ચાર્જ માફ કરવા પણ સંમત થઈ શકે છે.

  આ પણ વાંચો: Best Car loan: કાર લોન લેવા માટે આટલી વાતોનું રાખો ધ્યાન, નહીંતર પડશે મોંઘી

  3) લાંબા ગાળાની મુદત

  ટોપ-અપ લોનની મુદત મૂળ લોનના સમયગાળા પર આધારિત હોય છે. કાર ટોપ-અપ લોન વખતે તમને લાંબા ગાળાની મુદતની સુવિધા મળી શકે છે. ઉલ્લેખનીય છે કે, ભારતમાં 80 ટકા કાર ખરીદદારો પોતાની ડ્રીમ કાર ખરીદવા માટે લોનનો લાભ લે છે. કાર લોન બજાર ઝડપી ગતિએ વધી રહ્યું છે અને બેંકો તથા નાણાકીય સંસ્થાઓ ખરીદદારો માટે આકર્ષક યોજનાઓ શરૂ કરી રહી છે. આવી સ્થિતિમાં કાર લોન ટોપ-અપ લોકોને ખૂબ જ સુવિધા પૂરી પાડે છે. ભારતમાં પણ ટોપ-અપ કાર લોનનું ચલણ વધી રહ્યું છે.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Automobile, Bank, Loan, Personal finance, આરબીઆઇ, કાર

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन