Home /News /business /

Tax savings: 2022માં ટેક્સ કઈ રીતે બચાવવો? અહીં સમજો PF, FD અને વીમામાં કર રાહતનું ગણિત

Tax savings: 2022માં ટેક્સ કઈ રીતે બચાવવો? અહીં સમજો PF, FD અને વીમામાં કર રાહતનું ગણિત

ટેક્સ બચત (પ્રતીકાત્મક તસવીર)

Tax savings guide for 2022: કર બચાવતી FD સામાન્ય FD જેવી જ હોય છે, પરંતુ તે 5 વર્ષના લોક-ઇન પિરિયડ સાથે આવે છે. કર બચાવતી FDમાં રોકાણ માટે મહત્તમ રૂ.1.5 લાખ સુધીનું ટેક્સ ડિડક્શન લઈ શકો છો.

મુંબઈ: ELSS ફંડ અથવા ટેક્સ સેવિંગ મ્યુચ્યુઅલ ફંડ (Tax saving mutual fund)ને રોકાણનો શ્રેષ્ઠ ટેક્સ સેવિંગ વિકલ્પ માનવામાં આવે છે. આ ફંડ તમને કર બચાવવા અને તમારા રોકાણ વળતર (Investment return)ને મહત્તમ કરવાનો બેવડો લાભ આપવા માટે બનાવવામાં આવેલ છે. તમે ELSS ફંડ્સમાં રોકાણ કરીને 46,800 રૂપિયા સુધીનો ટેક્સ બચાવી શકો છો. અહીં યાદ રાખવું કે, લાંબા ગાળા માટે રોકાણ કરાયેલા ELSS ફંડ્સે FD, PPF અથવા NPS જેવા પરંપરાગત ભંડોળ કરતાં વધુ વળતર આપ્યું છે. આ ફંડ ત્રણ વર્ષના લોક ઈન પિરિયડ (Lock in period) સાથે આવે છે. ત્યારે અહીં તમે બચત માટે કયા વિકલ્પોનો ઉપયોગ કરી શકો તે અંગે જાણકારી આપવામાં આવી છે.

કર બચાવતી ફિક્સ ડિપોઝિટ્સ (Fixed Deposits)

કર બચાવતી FD સામાન્ય FD જેવી જ હોય છે, પરંતુ તે 5 વર્ષના લોક-ઇન પિરિયડ સાથે આવે છે. કર બચાવતી FDમાં રોકાણ માટે મહત્તમ રૂ.1.5 લાખ સુધીનું ટેક્સ ડિડક્શન લઈ શકો છો. કોઈપણ વ્યક્તિ ટેક્સ સેવિંગ FDમાં રોકાણ કરવા માટે પાત્ર છે. અલબત્ત આવા રોકાણમાં કમાયેલું વ્યાજ કર પાત્ર હોય છે. સામાન્ય રીતે બેંકોમાં FD વ્યાજદર 5.5 ટકાથી 7.75 ટકા સુધીના હોય છે.

PPFમાં રોકાણ

PPFએ સરકાર દ્વારા સમર્થિત લાંબા ગાળાનું રોકાણ છે. PPF ખાતામાં એકઠી થયેલી રકમ કલમ 80 C હેઠળ કર કપાતને પાત્ર છે. આમ તો ભારતના કોઈપણ નાગરિક દ્વારા આ એકાઉન્ટ ખોલી શકાય છે, પણ HUF દ્વારા પીપીએફ ખાતું ખોલી શકતું નથી. તેનો લોક-ઇન પિરિયડ 15 વર્ષનો છે, પરંતુ તેને વધુ પાંચ વર્ષ માટે લંબાવી શકાય છે. આ ખાતામાંથી 7 વર્ષ બાદ આંશિક ઉપાડ લઈ શકાય છે. હાલમાં સરકાર દ્વારા આપવામાં આવતા PPF વ્યાજ દર 7.1 ટકા છે. તમે ઓછામાં ઓછું રૂ. 500 અને વધુમાં વધુ રૂ. 1.5 લાખનું રોકાણ કરી શકો છો. PPF ડિપોઝિટમાંથી મળતું વ્યાજ કરમુક્ત છે.

EPFમાં રોકાણ

EPF એ પગારદાર કર્મચારીઓની નિવૃત્તિમાં રાહત આપતી યોજના છે. એમ્પ્લોયર બેઝીક પગાર + મોંઘવારી ભથ્થાના 12% કાપી લે છે. કે પ્રોવિડન્ટ ફંડ્સ ખાતામાં રાખવામાં આવે છે. કર્મચારીનો બેઝિક પગાર દર મહિને 15,000થી વધુ હોય તો કર્મચારીનું EPF એકાઉન્ટ ખોલવાની જરૂર પડે છે. નાણાકીય વર્ષમાં સરકાર EPF એકાઉન્ટ પર 7.5 ટકાનું વ્યાજદર આપે છે. સતત 5 વર્ષની સર્વિસ બાદ વિથડ્રો કરવામાં આવે તો સમગ્ર PF બેલેન્સ (વ્યાજ સહિત) કરમુક્ત હોય છે.

NPSમાં મૂડીરોકાણ

નેશનલ પેંશન સ્કીમને ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી હતી. જેનો હેતુ અસંગઠિત ક્ષેત્ર અને વર્કિંગ પ્રોફેશનલ્સને નિવૃત્તિ પછી પેન્શનની સુવિધા આપવાનો છે. NPSમાં રોકાણ કરીને કલમ 80 સી હેઠળ તમે 1.5 લાખ રૂપિયા સુધીની કર કપાતનો લાભ લઈ શકો છો. આ ઉપરાંત કલમ 80સીડી (1બી) હેઠળ NPSમાં રોકાણ માટે રૂ.50,000ની વધારાની કપાતનો દાવો પણ કરી શકાય છે. 18થી 65 વર્ષની ઉંમરના દરેક વ્યક્તિ NPSમાં રોકાણ કરી શકે છે. NPSમાંથી 15 વર્ષ બાદ આંશિક ઉપાડ કરી શકાય છે. જોકે, તે શરતોને આધીન છે.

આ યોજનામાં કન્ટ્રીબ્યુશનની મહત્તમ રકમ પર કોઈ મર્યાદા નથી. NPS પર વળતર 12% થી 14% વચ્ચે હોય શકે છે. અહીં ઉલ્લેખનીય છે કે, કર્મચારીના NPS ખાતામાં એમ્પ્લોયરનું કન્ટ્રીબ્યુશન કલમ 80સીસીડી (2) હેઠળ બેઝીક પગાર અને મોંઘવારી ભથ્થાના 10 ટકા (કેન્દ્ર સરકારના કર્મચારીઓના કિસ્સામાં 14 ટકા) સુધી કરપાત્ર નથી.

ULIPમાં રોકાણ

યુનિટ લિંકડ ઇન્શ્યોરન્સ પ્લાન એટલે કે ULIPએ મૂડીરોકાણ અને વીમાનું મિશ્રણ છે. ULIPમાં રોકાણની રકમનો એક ભાગ વીમા પાછળ વપરાય છે અને બાકીનું રોકાણ શેરબજારમાં કરવામાં આવે છે. આવકવેરા કાયદાની કલમ 80સી હેઠળ ULIP રોકાણ દ્વારા તમે રૂ. 1.5 લાખ સુધીની કર કપાતનો દાવો કરી શકો છો. રોકાણકાર પોતાના માટે કે જીવનસાથી માટે અથવા બાળક માટે ULIP લઈ શકે છે અને કપાતનો દાવો કરી શકે છે.

ULIP શેરબજાર સાથે જોડાયેલું હોવાથી તેમાં મળતું વળતર બદલાય છે. તેની રેન્જ 12% -14% વચ્ચે હોઈ શકે છે. રોકાણ, ઉપાડ અને મેચ્યોરીટીની રકમ કર મુક્ત હોય છે. જોકે નાણાકીય વર્ષ દરમિયાન ULIPની તમામ યોજનાઓમાં વાર્ષિક પ્રીમિયમ કુલ મળીને 2.5 લાખ રૂપિયાથી વધુ થાય તો મેચ્યોરીટીની રકમ કર પાત્ર રહેશે.

આ પણ વાંચો: Extra income: વધારાની આવક મેળવવાની સાત રીત, પ્રચલિત બની રહ્યું છે આ લોકપ્રિય માધ્યમ

સુકન્યા સમૃદ્ધિ યોજના

સુકન્યા સમૃદ્ધિ યોજના ભારત સરકાર દ્વારા દેશમાં બાળકીઓના વિકાસ માટે લોન્ચ કરવામાં આવેલી સૌથી લોકપ્રિય યોજના છે. માતાપિતા/વાલી 10 વર્ષ સુધી બાળકીના નામે ખાતું ખોલી શકે છે. તે 18 વર્ષની ઉંમરે પહોંચી જાય પછી તમે ડિપોઝિટની રકમના 50% સુધીની રકમ ઉપાડી શકો છો. આ યોજનામાં 8.5%નો વાર્ષિક વ્યાજદર આપવામાં આવે છે. જ્યારે નાણાકીય વર્ષમાં રોકાણ મહત્તમ રૂ.1.5 લાખ સુધી મર્યાદિત હોય છે. આ યોજનામાં રોકાણ અને ઉપાડ અને મેચ્યોરીટીની રકમ કરમુક્ત હોય છે

આટલી ચૂકવણીમાં કલમ 80સી હેઠળ કર બચત થઈ શકે:

બાળકોની ટ્યુશન ફી

કલમ 80 સી હેઠળ બે બાળકોના શિક્ષણ માટે ચૂકવવામાં આવતી ટ્યુશન ફી 1.5 લાખ રૂપિયા સુધીની કપાત માટે પાત્ર છે. આ ફી ફક્ત ફૂલ ટાઈમ અભ્યાસક્રમ માટે જ ચૂકવાઈ હોવી જોઈએ. દેશની કોઈપણ શાળા, કોલેજ, યુનિવર્સિટી અથવા શૈક્ષણિક સંસ્થાને ફી ચૂકવીને આ લાભ લઈ શકાય છે.

જીવન વીમાના પ્રીમિયમની ચૂકવણી

કલમ 80સી હેઠળ કરદાતાના નામે અથવા કરદાતાની પત્ની અને બાળકોના નામે LIC માટે ચૂકવવામાં આવતું વાર્ષિક પ્રીમિયમ કર રાહતને પાત્ર છે. જોકે, જો પ્રીમિયમ વીમા રકમથી 10 ટકાથી ઓછું હોય તો જ કપાત માન્ય છે.

હોમ લોનની ચૂકવણી

કલમ 80 સી હેઠળ રહેણાંક મિલકત ખરીદવા અથવા બનાવવા માટે લેવામાં આવેલી લોનના મુખ્ય ભાગની ચૂકવણી કપાત માટે પાત્ર છે. સ્ટેમ્પ ડ્યુટી, રજિસ્ટ્રેશન ફી અને ચૂકવવામાં આવતા ટ્રાન્સફર ખર્ચ માટે પણ આ કપાત લાગુ પડે છે.

ટેકસ સેવિંગના અન્ય વિકલ્પ:

શિક્ષણ લોન પરના વ્યાજ

ઉચ્ચ શિક્ષણ માટે લેવામાં આવેલી લોન પર ચૂકવવામાં આવતા વ્યાજ માટે કર કપાતનો દાવો કરી શકાય છે. આવકવેરા રિટર્નમાં આવી કપાતનો દાવો કરવાની કોઈ અપર લીમીટ નથી. જો કે, તમે પ્રથમ વર્ષથી શરૂ કરીને મહત્તમ 8 વર્ષ સુધીની કપાતનો દાવો કરી શકો છો

મેડિકલ વીમા પ્રીમિયમ અને મેડિકલ ખર્ચ

તમે પોતાના, જીવનસાથી અને બાળકો માટે વર્ષ દરમિયાન ચૂકવવામાં આવતા આરોગ્ય વીમા પ્રીમિયમ, કેન્દ્ર સરકાર આરોગ્ય યોજના (CGHS)ના ખર્ચ માટે કપાતનો દાવો કરી શકો છો. આવકવેરા કાયદાની કલમ 80ડી હેઠળ તમે 25,000 રૂપિયા સુધીનો દાવો કરી શકો છો. તમે સિનિયર સિટીઝન હોવ તો તમે 50,000 રૂપિયા સુધીની કપાતનો દાવો કરી શકો છો.

આ પણ વાંચો: Income tax notice: આવા કેસમાં તમને પણ મળી શકે છે આવકવેરા વિભાગની નોટિસ, જાણો શું કહે છે નિષ્ણાતો

હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ ન હોય તો કરદાતા કલમ 80ડી હેઠળ વર્ષ દરમિયાન થયેલા તબીબી ખર્ચ માટે કપાતનો દાવો કરી શકે છે, પણ આવા ખર્ચનો દાવો કરવા માટે તમારે કેટલીક શરતોની પાલન કરવું જરૂર છે. બીજી તરફ આવા ખર્ચ માતાપિતા માટે કરવામાં આવે તો પણ 25,000 રૂપિયાની વધારાની કપાતનો દાવો કરી શકાય છે. આવી જ રીતે સિનિયર સિટીઝન પેરેન્ટ્સ માટે ખર્ચ કરવામાં આવે તો 50,000 રૂપિયા સુધીની વધારાની કપાતનો દાવો કરી શકે છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Insurance, LIC, Nps, Savings, Tax, આયકર વિભાગ

આગામી સમાચાર