Home /News /business /E-VEHICLE: ઈલેક્ટ્રિક કારની ખરીદી પર મળી શકે છે આવકવેરામાં રાહત, અહીં જાણો કઈ રીતે
E-VEHICLE: ઈલેક્ટ્રિક કારની ખરીદી પર મળી શકે છે આવકવેરામાં રાહત, અહીં જાણો કઈ રીતે
ઇલેક્ટ્રિક વાહન
Tax benefit on E-Vehicle: ઈ-વાહનની ખરીદીમાં માત્ર આવકવેરાની રાહત જ નહીં, GSTના કર લાભ પણ મળે છે. સરકારે ઈ-વાહન પર GST દર 12 ટકાથી ઘટાડીને 5 ટકા કર્યો છે.
મુંબઈ: વિશ્વમાં પેટ્રોલ-ડીઝલ (Petrol-Diesel price) જેવા ઈંધણના કારણે ઉત્પન્ન થતા પ્રદૂષણ (Pollution)થી બચવા માટે લોકો ક્લીન એનર્જી (Clean energy) તરફ વળી રહ્યા છે. જેના પરિણામે થોડા વર્ષોમાં ઈલેક્ટ્રિક વાહનો (Electric vehicle)નું ચલણ વધ્યું છે. ઇલેક્ટ્રિક વાહનો પર્યાવરણ માટે તો અનુકૂળ છે જ, આ સાથે પેટ્રોલ-ડીઝલ જેવા પરંપરાગત ઇંધણથી ચાલતા વાહનો કરતા વધુ સસ્તું પણ નીવડે છે. વર્તમાન સમયે ઇંધણના ભાવ (Fuel price)માં સતત વધારો થઈ રહ્યો છે. તેથી લોકો ઇલેક્ટ્રિક વાહન તરફ વળી રહ્યા છે. ભારત સરકાર પણ ઈલેક્ટ્રીક વાહનોને પ્રોત્સાહન આપી રહી છે. જેથી આવા વાહનો આંશિક રીતે સસ્તા પડે છે. આ સાથે જ કર રાહતનો પણ લાભ મળે છે.
સરકારે નવી કલમ ઉમેરી
આમ તો ભારતના આવકવેરાના નિયમો અનુસાર વ્યક્તિગત ઉપયોગ માટેની કારને લક્ઝરી પ્રોડક્ટ તરીકે ગણવામાં આવે છે અને પગારદારને કાર લોન પર કોઈ કર લાભો મળતા નથી. અલબત્ત, ઇલેક્ટ્રિક વાહનો ખરીદતા ગ્રાહકો 80EEB નામની તાજેતરમાં ઉમેરાયેલ કલમ હેઠળ તેમની લોન પર કર લાભો મેળવી શકે છે. દેશમાં ઈલેક્ટ્રિક વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપવા સરકારે ઈ-વાહનના ગ્રાહકોને ટેક્સમાં રાહત મળે તે માટે નવી કલમ ઉમેરી છે.
80EEB હેઠળ કેટલી મળે છે રાહત?
લોન પર ઇલેક્ટ્રિક વાહન ખરીદવાનું પસંદ કરતી વ્યક્તિઓ કલમ 80EEB હેઠળ લોનની રકમ પર ચૂકવવામાં આવેલા વ્યાજ પર રૂ. 1.5 લાખની કર કપાત મેળવી શકે છે. આ કર લાભના કારણે લોકો ઇલેક્ટ્રિક વાહન ખરીદવા આકર્ષિત થશે તેવી અપેક્ષા છે.
ઉલ્લેખનીય છે કે, દેશમાં ઇલેક્ટ્રિક વાહનોનું માર્કેટ હરણફાળ ભરી રહ્યું છે. કંપનીઓ સમયાંતરે નવા નવા મોડલ બજારમાં ઉતારે છે. જેથી ભારતીય બજારમાં ઇલેક્ટ્રિક વાહનના મોડેલ તંગી નથી. આગામી સમયમાં ઘણા મોડલ લોન્ચ થવા જઈ રહ્યા છે. આ સાથે જ ઈલેક્ટ્રીક વાહનોની ખરીદીનું પ્રમાણ પણ વધી રહ્યું છે.
ઇલેક્ટ્રિક વાહન માટે લીધેલી લોન પર કર કપાત
કલમ 80EEB હેઠળ ઇલેક્ટ્રિક વાહનોની લોન ચૂકવણીમાં કુલ રૂ. 1,50,000 સુધીની કર મુક્તિ મેળવી શકાય છે. આ કર મુક્તિ 4-વ્હીલર અને 2-વ્હીલર એમ બંને પ્રકારના ઈ-વાહનો પર મળે છે. ઈ-વાહનની ખરીદીમાં માત્ર આવકવેરાની રાહત જ નહીં, GSTના કર લાભ પણ મળે છે. સરકારે ઈ-વાહન પર GST દર 12 ટકાથી ઘટાડીને 5 ટકા કર્યો છે.
80EEB કલમ હેઠળની આ છૂટનો લાભ કોઈ પણ વ્યક્તિ માત્ર એક જ વખત લઈ શકે છે. આ છૂટ ફક્ત લોન પર ઈ-વાહન ખરીદનારા લોકો માટે જ છે. ભૂતકાળમાં ક્યારેય ક્યારેય ઈ-વાહન ન ખરીદી હોય તે વ્યક્તિ જ કલમ 80EEB હેઠળ લોન પર કર રાહતનો હક્કદાર છે. બીજી તરફ આ રાહત માત્ર વ્યક્તિગત રીતે જ મળે છે.