ન્યૂઝ18 ગુજરાતીઃ સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પોતાના ગ્રાહકોને સારી સેવા આપવા માટે હંમેશા કામ કરી રહે છે. જે અંતર્ગત બેંકમાં એક ખાસ ખાતું ખુલે છે. જેમાં સામાન્ય ખાતાની સરખામણીમાં વધારે વ્યાજ મળે છે. સાથે જ ટેક્સની છૂટ પણ મળે છે. ગ્રાહકો આ ખાતું ખોલાવીને કમ્પાઉન્ડ વ્યાજનો ફાયદો ઉઠાવી શકે છે. SBIની આ સુવિધા અંતર્ગત તમે બેંકમાં પીપીએફ ખાતું ખોલાવી શકો છો. આ ખાતું તમે ફક્ત રૂ. 500ની રકમ સાથે ખોલાવી શકો છો. જેના પર તમને આઠ ટકા વ્યાજ મળશે.
શું હોય છે પીપીએફ?
પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ હકીકતમાં એક સરકારી સ્કીમ છે. નાની બચત યોજનાઓમાંની એક એવી આ સ્કીમ અંતર્ગત તમે બેંક કે પોસ્ટ ઓફિસના માધ્યમથી ખાતું ખોલાવી શકો છો. આવું ખાતું ખોલાવવા માટે તમારે બ્રાંચમાં જવાની જરૂર પડે છે. જોકે, હવે એસબીઆઈ સહિત અનેક બેંકોએ ઓનલાઇન ખાતું ખોલવાની સુવિધા આપી છે.
તમે જ્યારે પીપીએફ ખાતું ખોલાવો છો ત્યારે તે 15 વર્ષ માટે ખોલવામાં આવે છે. તમે પાકતી મુદત પહેલા પૈસા ઉપાડી શકો છો. પરંતુ આવું અમુક ખાસ પરિસ્થિતિમાં જ થઈ શકે છે. આ ખાતમાં તમે વર્ષે વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા જમા કરાવી શકો છો. બીજી ખાસ વાત એ છે કે એક વ્યક્તિના નામે એક જ પીપીએફ ખાતું ખોલાવી શકાય છે.
ખાતું ખોલાવવાના આ ફાયદા
પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ સાથે તમને અનેક ફાયદા મળે છે. સૌથી પહેલા કે તમે રૂ. 500થી ખાતું ખોલાવી શકો છો. જમા રકમ પર તમને આઠ ટકા વ્યાજ મળે છે. તમે જે પૈસા પીપીએફમાં રાખો છો તેમાં તમને ટ્રિપલ ટેક્સ લાભ મળે છે. એટલે કે તમે જે રકમ જમા કરાવો છો તેના પર ટેક્સમાં છૂટ મળે છે. પાકતી મુદતે મળનારી રકમ પર પણ ટેક્સ મુક્તિનો લાભ મળે છે. જમા રકમ પર મળનારા વ્યાજ પર પણ ટેક્સ વસૂલવામાં નથી આવતો.
એસબીઆઈ સાથે ઓનલાઇન ખાતું ખોલાવવા માટે તમારી પાસે નેટબેન્કિંગ એકાઉન્ટ હોવું જરૂરી છે. જેના માધ્યમથી ઓનલાઇન જ ખાતું ખોલાવી શકો છો. ખાતું ખુલ્યા બાદ તમારી બ્રાંચ સાથે તેને જોડી દેવામાં આવશે. પીપીએફ ખાતું ખોલાવવાની આખી પ્રોસેસ ઓનલાઇન છે. ઓનલાઇન વિગતો ભર્યા બાદ તમારે કેવાયસી ડોક્યુમેન્ટ લઇને બ્રાંચમાં જવું પડશે. જે બાદમાં એકાઉન્ટ ખોલવાની આખી પ્રોસેસ પૂરી કરી દેવામાં આવશે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર