Home /News /business /

PPF Account: પીપીએફમાં ફટાફટ વધશે તમારા પૈસા, બસ તમારે કરવું પડશે એક નાનું કામ

PPF Account: પીપીએફમાં ફટાફટ વધશે તમારા પૈસા, બસ તમારે કરવું પડશે એક નાનું કામ

પીપીએફમાં રોકાણ

PPF Account: પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) લાંબાગાળા માટે રોકાણનો એક સારો વિકલ્પ છે. પીપીએફમાં રોકાણ માત્ર સલામત જ નથી, પરંતુ તેમાં કર મુક્તિનો પણ સંપૂર્ણ લાભ મળે છે.

  મુંબઈ: શું તમારું પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) એકાઉન્ટ છે? જો છે તો સારી વાત છે, ન હોય તો તમારી ઝડપથી પીપીએફ એકાઉન્ટ (PPF account) ખોલાવવું જોઈએ. PPF નિવૃત્તિના પ્લાનિંગ માટે ખૂબ જરૂરી છે. જો તેમાં દર વર્ષે રોકાણ કરવામાં આવે તો પાકતી મુદત સુધી સારું એવું ફંડ તૈયાર થઈ જાય છે. આથી તે તમારા નાણાંકીય ઉદેશ્યોને પાર પાડવા માટે ખૂબ મદદરૂપ થાય છે.

  ટેક્સની દ્રષ્ટીએ ખૂબ જ ફાયદાકારક છે પીપીએફ


  પીપીએફની અનેક ખાસિયતો છે. પીપીએફમાં રોકાણ તમને ઇન્કમ ટેક્સ સેક્શન 80સી હેઠળ બાદ મળે છે. એટલું જ નહીં તેમાં EEE ફાયદો પણ મળે છે. એનો મતલબ એવો થાય કે તમને કંટ્રીબ્યૂશન પર ટેક્સ નથી લાગતો. તમને ડિપોઝિટ પર મળનારી રકમ પર પણ ટેક્સ નથી લાગતો. મેચ્યોરિટી પર મળનારી કુલ રકમ પર પણ કઈ ટેક્સ નથી લાગતો. આવા બહુ ઓછા રોકાણ છે જેમાં EEEનો લાભ મળતો હોય.

  શું છે આ સ્કીમ?


  પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) લાંબાગાળા માટે રોકાણનો એક સારો વિકલ્પ છે. પીપીએફમાં રોકાણ માત્ર સલામત જ નથી, પરંતુ તેમાં કર મુક્તિનો પણ સંપૂર્ણ લાભ મળે છે. રોકાણકારો માટે તેમાં જોખમ પણ નહિવત છે. જો તમે પણ દર મહિને રોકાણ કરીને મોટું ભંડોળ ઊભું કરવા માંગો છો, તો પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) સ્કીમ તેના માટે શ્રેષ્ઠ વિકલ્પ રહેશે. આ સ્કીમમાં હાલ વાર્ષિક 7.1% વ્યાજ મળી રહ્યું છે.

  500 રૂપિયાથી શરૂ કરો રોકાણ


  કોઈપણ વ્યક્તિ PPFમાં રોકાણ કરી શકે છે. આ ખાતું કોઈપણ પોસ્ટ ઓફિસ કે બેંકમાં ખોલાવી શકાય છે. માતા-પિતા પણ સગીર વતી ખાતું ખોલાવી શકે છે. PPF ખાતું ખોલવા અને રોકાણ કરવા માટે વ્યક્તિ માત્ર રૂ. 500થી શરૂઆત કરી શકે છે. ખાતાને ચાલુ રાખવા માટે દરેક નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા 500 રૂપિયા જમા કરાવવાની જરૂર છે. નાણાકીય વર્ષમાં વધુમાં વધુ રૂ. 1.5 લાખનું વાર્ષિક રોકાણ કરી શકાય છે.

  પાંચ વર્ષ સુધી ઉપાડ નહીં


  તમે PPF એકાઉન્ટ ખોલાવ્યા બાદ 5 વર્ષ સુધી પૈસા ઉપાડી શકતા નથી. કારણ કે તેમાં 5 વર્ષનું ફિક્સડ લોક-ઈન રાખવામાં આવ્યું છે. ફોર્મ 2 ભરીને 5 વર્ષ પછી ઉપાડ કરી શકાય છે. જો 15 વર્ષ પહેલા પૈસા ઉપાડવામાં આવે તો કુલ ભંડોળમાંથી 1% કાપવામાં આવશે.

  આ પણ વાંચો: સોના-ચાંદીના ભાવમાં વધારો થયો કે ઘટાડો? ફટાફટ જાણો આજનો ભાવ

  લોન સેવા ઉપલબ્ધ


  પીપીએફ ખાતાની જમા રકમ પર લોન પણ લઈ શકાય છે. પીપીએફ ખાતું ખોલાવ્યાના નાણાકીય વર્ષને એક વર્ષ પૂર્ણ થવા પર લોન માટે અરજી કરી શકાય છે. તમે પાંચમા નાણાકીય વર્ષના અંત સુધી PPF પર લોન લેવા માટે પાત્ર છે. ધારો કે જાન્યુઆરી 2020માં કોઈએ PPF ખાતું ખોલાવ્યું છે, તો તમે 1લી એપ્રિલ 2021થી 31મી માર્ચ 2022 સુધી લોન લઈ શકો છો. તમે જમા ડિપોઝિટ પર મહત્તમ 25% લોન લઈ શકો છો. PPF પર ઉપલબ્ધ વ્યાજ કરતાં માત્ર 1% વધુ વ્યાજ પર લોન લઈ શકાય છે. વ્યાજ બે માસિક હપ્તામાં અથવા એકસાથે ચૂકવી શકાય છે.

  આ પણ વાંચો: રાકેશ ઝુનઝુનવાલાએ હિસ્સો વધારતા આ શેરમાં આવી તેજી, શું તમારી પાસે છે?

  વધારે રિટર્ન મેળવવાની રીત


  સૌથી પહેલા તો જો તમારું પીપીએફ એકાઉન્ટ નથી તો કોઈ પણ મહિનાની એકથી ચાર તારીખ વચ્ચે ખોલી લો. એપ્રિલ મહિનામાં એકથી ચાર તારીખ વચ્ચે ખાતું ખોલવું સૌથી ફાયદાકારક રહે છે. જોકે, હવે તમારા હાથમાંથી આ મોકો જતો રહ્યો છે. હવે તમે આવતા મહિને એકથી ચાર તારીખ વચ્ચે પીપીએફ એકાઉન્ટ ખોલાવી શકો છો. ચોથી એપ્રિલ પછી એકાઉન્ટ ખોલાવવાથી વ્યાજની ગણતરી બીજા મહિને એટલે કે મે મહિનાથી થાય છે.

  વ્યાજની ગણતરી માટે ખાસ રીત


  પીપીએફ એકાઉન્ટમાં વ્યાજની ગણતરી માટે એક ખાસ રીત છે. દર મહિનાની પાંચ તારીખથી લઈને આંતિમ તારીખ (30 અથવા 31) વચ્ચે એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ પર વ્યાજની ગણતરી થાય છે. જે બાદમાં આખા નાણાકીય વર્ષના વ્યાજને 31 માર્ચ પછી એકાઉન્ટ ખાતાધારકના ખાતામાં ઉમેરી દેવામાં આવે છે. આથી તમે દર એકથી ચાર તારીખ વચ્ચે પીપીએફમાં રકમ જમા કરો છો તો તમને વધારે વ્યાજ મળે છે.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Bank, Interest Rate, PPF, Retirement

  આગામી સમાચાર