Green Fixed Deposits: પરંપરાગત બેંક ફિક્સ્ડ ડિપોઝીટ કરતા ગ્રીન ફિક્સ ડિપોઝીટ કઈ રીતે અલગ છે? જાણો શું છે તેના લાભ
Green Fixed Deposits: પરંપરાગત બેંક ફિક્સ્ડ ડિપોઝીટ કરતા ગ્રીન ફિક્સ ડિપોઝીટ કઈ રીતે અલગ છે? જાણો શું છે તેના લાભ
Benefits of Green Fixed Deposits
આબોહવા અને પર્યાવરણના નુકસાનને રોકવા શક્ય હોય એટલા પ્રયાસ કરવા જોઈએ. વૈશ્વિક સ્તરે ઉદ્યોગો અબોહવાને નુકસાન ન થાય તે રીતે હરિયાળી પદ્ધતિ તરફ આગળ વધી રહ્યા છે. આ સાથે યુવા રોકાણકારો પણ કાર્બનનું ઓછું ઉત્પાદન કરતા વ્યવસાયોને નાણાં આપવા માટે ઉત્સુક છે.
જળવાયુ પરિવર્તનની અસર માનવ સ્વાસ્થ્ય પર પડી રહી છે. હવામાનની બદલાતી પેટર્નના પરિણામે તાપમાનમાં વધારો થયો છે. ત્યારે આપણે આબોહવા અને પર્યાવરણના નુકસાનને રોકવા શક્ય હોય એટલા પ્રયાસ કરવા જોઈએ. વૈશ્વિક સ્તરે ઉદ્યોગો અબોહવાને નુકસાન ન થાય તે રીતે હરિયાળી પદ્ધતિ તરફ આગળ વધી રહ્યા છે. આ સાથે યુવા રોકાણકારો પણ કાર્બનનું ઓછું ઉત્પાદન કરતા વ્યવસાયોને નાણાં આપવા માટે ઉત્સુક છે.
ઘણા ઉકેલો સૂચવવામાં આવ્યા છે. જેમાંથી એક ગ્રીન ડિપોઝીટનો વિકલ્પ છે. જેમાં ઇકો-ફ્રેન્ડલી પ્રોજેક્ટ્સમાં નાણાં રોકવા માટે આતુર સંસ્થાઓને નાણાંકીય સંસ્થાઓ અને ધિરાણકર્તાઓ દ્વારા ફિક્સ્ડ-ટર્મ ડિપોઝિટ્સ ઓફર થાય છે.
પુનઃપ્રાપ્ય ઊર્જા, પ્રદૂષણ નિવારણ અને યોગ્ય જળ પરિયોજનાઓ જેવા ક્ષેત્રોમાં કેટલાક મોટા પ્રોજેક્ટ્સનું આયોજન કરવામાં આવ્યું છે. વ્યાપક ઉદ્દેશ ગ્રીનહાઉસ ઉત્સર્જનને કારણે થતા તાપમાનમાં થયેલા વધારાને નિયંત્રિત કરવાનો છે.
ગ્રીન ડિપોઝિટમાં રોકાણના કારણે રોકાણકારોને ઇકો-ફ્રેન્ડલી પ્રવૃત્તિઓમાં ભાગ લેવામાં મદદ મળશે. ગ્રીન ડિપોઝિટનો મુખ્ય હેતુ લો-કાર્બન, કલાઈમેન્ટ-રીસેલાઇન્ટ અને ટકાઉ અર્થતંત્રને આગળ વધારવામાં પ્રોત્સાહન આપે તેવા વ્યવસાયો અને પ્રોજેક્ટ્સને ધિરાણ આપવાનો છે.
હાલમાં HDFC અને ઈન્ડસઈન્ડ બેન્ક જેવી નાણાંકીય સંસ્થાઓ ગ્રીન બેન્કિંગ પ્રોડક્ટ ઓફરિંગના ભાગરૂપે રોકાણકારો માટે ગ્રીન ડિપોઝિટ ધરાવે છે. આ ડિપોઝીટનો ઉપયોગ યુનાઈટેડ નેશન્સ સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (UNSDGs)ને ટેકો આપતી યોજનાઓ અને કંપનીઓને નાણાં પૂરાં પાડવા માટે કરવામાં આવશે.
ગ્રીન ફિક્સ ડિપોઝિટ વિશે આ બાબતો જાણવી જરૂરી
આ ક્ષેત્રોમાં ડિપોઝીટનું રોકાણ કરવામાં આવશે
એનર્જી ઇફિશિયન્સી, રિન્યુએબલ એનર્જી, ગ્રીન ટ્રાન્સપોર્ટ, ખોરાક, કૃષિ, વનીકરણ, કચરાનું વ્યવસ્થાપન, ગ્રીનહાઉસ ગેસમાં ઘટાડો અને હરિયાળી ઇમારતો જેવા ક્ષેત્રોમાં એકઠા થયેલા નાણાંનું રોકાણ કરવામાં આવશે.
ગ્રીન ડિપોઝીટમાં રોકાણ કરવાથી તમને વાર્ષિક 6.55 ટકા વ્યાજ મળી શકે છે. આ સામાન્ય રીતે પરંપરાગત બેંક ફિક્સ્ડ ડિપોઝિટમાં મળતા વ્યાજ કરતા થોડા વધારે છે.
વરિષ્ઠ નાગરિકો માટે વધુ વળતર
વરિષ્ઠ નાગરિકો 2 કરોડ રૂપિયા સુધીના રોકાણ માટે તેમની થાપણો પર વાર્ષિક 0.25%થી 0.5% વધુ મેળવી શકે છે.
ઑનલાઇન રોકાણોમાં વધારાનું વળતર
રોકાણકારો ઓનલાઇન પ્લેટફોર્મનો વિકલ્પ પસંદ કરીને ધિરાણકર્તાઓના પોર્ટલ અથવા મોબાઇલ એપ્લિકેશન દ્વારા ગ્રીન ડિપોઝિટમાં રોકાણ કરે તો તેમને 50 લાખ રૂપિયા સુધીની થાપણો પર 0.1 ટકા વધારાનું વળતર મળે છે.
ઇન્શ્યોરન્સ અપાય છે
ગ્રીન ડિપોઝિટ હેઠળ કરવામાં આવેલી ડિપોઝિટને 5 લાખ રૂપિયા સુધીનો વીમો આપવામાં આવે છે.
મુદત
ગ્રીન ડિપોઝિટમાં રોકાણનો લઘુત્તમ સમયગાળો 18 મહિનાનો છે અને મહત્તમ સમય 10 વર્ષ સુધી જઈ શકે છે.
કોણ કરી શકે છે રોકાણ?
તમામ ભારતીય નાગરિકો, NRI, કોર્પોરેટ્સ અને ટ્રસ્ટો ભારતમાં ગ્રીન ફિક્સ્ડ ડિપોઝિટ ખોલવાને પાત્ર છે. આમાં પ્રોપરાઈટીસ કંપનીઓ, ભાગીદારી પેઢીઓ, સોસાયટીઓ, ક્લબો, એસોસિએશનો અને સગીર વતી વાલીઓનો પણ રોકાણ કરી શકે છે.
સમય કરતા વહેલા ઉપાડ પર દંડ કેટલો?
રોકાણકાર ગ્રીન ડિપોઝિટમાં રોકાણના પહેલા ત્રણ મહિનામાં પૈસા ઉપાડી શકાતા નથી. જો કોઈ વ્યક્તિગત રોકાણકાર ત્રણ મહિના પછી પરંતુ છ મહિનાની અંદર પૈસા ઉપાડે, તો લાગુ પડતા વ્યાજ દરોને ધ્યાનમાં લીધા વિના 3% પર મળેલું વ્યાજ ફ્લેટ થઈ જશે. બિન-વ્યક્તિગત રોકાણકારના કિસ્સામાં આવી રીતે રકમ વહેલી ઉપાડવામાં આવશે તો કોઈ વ્યાજ મળશે નહીં. જો કે, છ મહિના પછી કરવામાં આવેલા સમય કરતાં વહેલા ઉપાડ પર 1%નો દંડ થશે. આનો અર્થ એ છે કે, રોકાણકારોને લાગુ વ્યાજ દર કરતા 1% ઓછું મળશે. આવી રીતે કરેલા ઉપાડના કારણે ગ્રીન ફિક્સ્ડ ડિપોઝિટ્સ બંધ થઈ જશે અને રેગ્યુલર ફિક્સ્ડ ડિપોઝિટમાં રૂપાંતરિત થશે.
ઓવરડ્રાફ્ટ સુવિધા
તમે ગ્રીન ફિક્સ્ડ ડિપોઝિટ સામે ઓવરડ્રાફ્ટ સુવિધાનો લાભ લઈ શકો છો. પણ આવું કરવાથી પણ તે ડિપોઝિટ રેગ્યુલર ફિક્સ્ડ ડિપોઝિટમાં રૂપાંતરિત થશે.
કેવી રીતે કરી શકાય રોકાણ?
તમે પાનકાર્ડ અથવા આધાર કાર્ડ જેવા જરૂરી દસ્તાવેજો સાથે ઓનલાઇન પ્રક્રિયા કરી શકો છો. જ્યાં તમારી વિગતો ભરીને રકમ અને અવધિ પસંદ કરી શકો છો. ત્યારબાદ ગ્રીન ફિક્સ્ડ ડિપોઝિટનો વિકલ્પ પસંદ કરીને તમારા બચત ખાતામાંથી પૈસા ટ્રાન્સફર કરવાના રહેશે. આ ઉપરાંત તમે ફિઝિકલ પ્રક્રિયા પણ કરી શકો છો. જેમાં બેંકોનો બ્રાન્ચની મુલાકાત લઈને ગ્રીન ડિપોઝિટ સુવિધાઓ અંગે જાણકારી મેળવી શકો છો.
ગ્રીન ફિક્સ્ડ ડિપોઝિટ્સ ઉચ્ચ જોખમ લઈ વધુ વળતર મેળવવા માટે પ્રયત્નો કરતા રોકાણકારો માટે કદાચ આકર્ષક વિકલ્પ ન હોય. કેમકે તેમાં ઝડપી ઊંચું વળતર મળતું નથી. જો કે, રૂઢિચુસ્ત રોકાણકારો અને વરિષ્ઠ નાગરિકો આ પ્રોડક્ટમાં રોકાણની દ્રષ્ટિએ ધ્યાનમાં લઈ શકે છે.
અલબત્ત, અહીં યાદ રાખો કે ગ્રીન ડિપોઝિટનો હેતુ માત્ર રોકાણ અને વળતર મેળવવા કરતાં ક્યાંય મોટો છે. પર્યાવરણ બચાવવાની કવાયતો માનવજાત પર લાંબાગાળે ખૂબ મોટી હકારાત્મક અસર કરશે. તે એકંદરે દરેક માટે લાંબા ગાળાની લાભદાયી પરિસ્થિતિનું સર્જન કરશે. તેથી રોકાણકારો ગ્રીન ફિક્સ્ડ ડિપોઝિટ્સ પર વિચાર કરી શકે છે અને એકંદર પોર્ટફોલિયોના ઓછામાં ઓછા 1% જેટલા ભાગનું રોકાણ ગ્રીન ફિક્સ ડિપોઝીટમાં કરી શકે છે. આવું કરવાથી ભવિષ્યની પેઢીઓ માટે વધુ સારી આવતીકાલનું નિર્માણ કરી શકાશે.
Published by:Bhavyata Gadkari
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર