Home /News /business /Adani Wilmar: અદાણી વિલ્મરના શેરમાં સતત પાંચમા દિવસે લાગી અપર સર્કિટ, બે મહિનામાં શેર 125% ભાગ્યો, શું ખરીદી કરવી જોઈએ?
Adani Wilmar: અદાણી વિલ્મરના શેરમાં સતત પાંચમા દિવસે લાગી અપર સર્કિટ, બે મહિનામાં શેર 125% ભાગ્યો, શું ખરીદી કરવી જોઈએ?
અદાણી વિલ્મર (પ્રતીકાત્મક તસવીર)
Adani Wilmar stock: બુધવારે બજાર ખુલતાની સાથે જ અદાણી વિલ્મરનો શેર આશરે 29 રૂપિયા વધીને 608.90 રૂપિયાના પોતાની સર્વોચ્ચ સપાટી પર પહોંચી ગયો હતો. બાદમાં શેર પાંચ ટકાની અપર સર્કિટમાં લૉક થઈ ગયો હતો.
મુંબઇ. Adani Wilmar Share Price: અદાણી વિલ્મરનો શેર 2022ના એવા શેર્સની યાદીમાં સામેલ છે જેણે રોકાણકારોને ડબલ અથવા 100 ટકા વળતર આપ્યું છે. આવા શેર્સને મલ્ટીબેગર શેર (Multibagger stocks) કહેવામાં આવે છે. અદાણી ગ્રુપનો શેર આ વર્ષે અત્યારસુધી 125 ટકા સુધી ભાગ્યો છે. શેરમાં આવેલી તેજી અટકવાનું નામ નથી લઈ રહી. બુધવારે પણ અદાણી વિલ્મરના શેર (Adani Wilmar stock)માં સતત પાંચમા દિવસે અપર સર્કિટ (Upper Circuit) લાગી હતી.
બુધવારે બજાર ખુલતાની સાથે જ અદાણી વિલ્મરનો શેર આશરે 29 રૂપિયા વધીને 608.90 રૂપિયાના પોતાની સર્વોચ્ચ સપાટી પર પહોંચી ગયો હતો. બાદમાં શેર પાંચ ટકાની અપર સર્કિટમાં લૉક થઈ ગયો હતો. છેલ્લા પાંચ દિવસમાં આ શેરની કિંમત 22.07 ટકા વધી છે, છેલ્લા એક મહિનામાં આ શેર 78.67 ટકા વધ્યો છે.
સ્ટૉક માર્કેટ નિષ્ણાતોનું કહેવું છે કે કૉમોડિટીની વધી રહેલી કિંમત, તેમાં પણ ખાસ કરીને પામ ઓઇલની કિંમતો, ભૂ-રાજનીતિક તણાવ અને શ્રીલંકાના સંકટના પગલે રોકાણકારો શોર્ટ ટર્મ માટે આ શેર પર ખૂબ બુલિશ છે. નિષ્ણાતોએ જણાવ્યું કે સરસોના બીજની ઉપજ આ વર્ષે ઓછી રહેશે. જેનાથી કંપનીના પોતાના વર્તમાન બફર સ્ટૉકના માર્જિનનો લાભ મળશે. તેમણે જણાવ્યું કે તાજેતરના ભૂ-રાજનીતિક સંકટ અને શ્રીલંકાના સંકટથી કંપનીને વેપારના નવા અવસર પ્રાપ્ત થયા છે.
નિષ્ણાતોનો અભિપ્રાય
GCL Securities ના રવિ સિંઘલનું કહેવું છે કે, "યુક્રેન પર રશિયાના આક્રમણને પગલે ખાદ્ય તેલની સપ્લાઈ ખૂબ ખરાબ રીતે પ્રભાવિત થઈ છે. બજાર એવી આશા રાખી રહ્યું છે કે અદાણી વિલ્મર કંપની આ પુરવઠામાં આવેલી ખામીને દૂર કરી શકે છે. યૂરોપિયન દેશોમાં સપ્લાઇની સમસ્યાને પગલે ખાદ્ય તેલની કિંમતોમાં ખૂબ વધારો થઈ ગયો છે."
તેમણે આગળ કહ્યુ કે, "શ્રીલંકાનું સંકટ પણ સામે છે. ભારત સરકારે મદદ કરવા માટે શ્રીલંકામાં ખાદ્ય તેલ મોકલવાની શરૂઆત કરી છે. આવી સ્થિતિમાં અદાણી જૂથને ભારત બહાર બિઝનેસ કરવાનો મોકો મળી શકે છે. આ ઉપરાંત પામ ઓઇલ અને અન્ય કોમોડિટીની કિંમતો વધી રહી છે. કાચા માલની વધી રહેલી કિંમતનો સામનો કરવા માટે હાલ કંપની પાસે સારો એવો બફર સ્ટોક છે. જે આગામી ત્રિમાસિકના પરિણામમાં કંપનીના EBITDAને વધારે સારો કરવામાં મદદ કરશે."
Share India Securities ના રવિ સિંહનું કહેવું છે કે અદાણી વિલ્મરના શેરને તેના ફન્ડામેન્ટલથી મજબૂત સપોર્ટ મળી રહ્યો છે. આ ઉપરાંત વર્તમાન સ્તરે તેની ટેકનિકલ ચાર્ટ પેટર્ન પણ સારી દેખાઈ રહી છે. કંપનીએ તાજેતરમાં જ ફૂડ બિઝનેસમાં પ્રવેશ કરવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત કંપની દેશના અનેક ભાગોમાં ચોખાની વિવિધ રિઝનલ બ્રાન્ડ્સ અને પ્રોસેસિંગ યુનિટ્સ ખરીદવાની તૈયારીમાં છે. જેનાથી શેરની કિંમતને સમર્થન મળ્યું છે.
અદાણી વિલ્મરનો શેર ચાલુ વર્ષે ફેબ્રુઆરીમાં શેર બજારમાં લિસ્ટ થયો હતો. અત્યારસુધી આ શેરમાં 125 ટકા વળતર મળી ચૂક્યું છે. અદાણી વિલ્મરે આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 218-230 રૂપિયા પ્રતિ ઇક્વિટી શેર રાખી હતી. હાલ શેરની કિંમત 600 રૂપિયાને પાર ચાલી ગઈ છે. અદાણી વિલ્મર એ અદાણી જૂથ અને સિંગાપુરના વિલ્મર ગ્રુપનું સંયુક્ત સાહસ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર