Home /News /business /હેસ્ટર બાયોસાયન્સિસના MD & CEO રાજીવ ગાંધી બન્યા ગુજરાત ફિક્કીના ચેરમેન
હેસ્ટર બાયોસાયન્સિસના MD & CEO રાજીવ ગાંધી બન્યા ગુજરાત ફિક્કીના ચેરમેન
ગુજરાત ફિક્કીના નવા ચેરમેન
એનિમલ વેક્સીન બનાવતી ભારતની બીજા નંબરની સૌથી મોટી કંપની અને અમદાવાદમાં હેડ ક્વાટર્સ ધરાવતી હેસ્ટર બાયોસાયન્સિસના MD & CEO એ ફિક્કી ગુજરાત સ્ટેટ કાઉન્સિલના ચેરમેન તરીકે નિયુક્ત થયા છે. બિઝનેસ જગતમાં રાજીવ ગાંધી જાણીતું નામ છે અને હવે ફિક્કીના માધ્યમથી વેપાર વાણિજ્યને વધુ વેગ આપવા કટિબદ્ધ છે.
કેતન જોશી/ અમદાવાદઃ હેસ્ટર બાયોસાયન્સિસના સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટર રાજીવ ગાંધીએ ફિક્કી ગુજરાત સ્ટેટ કાઉન્સિલના ચેરમેનબન્યા બાદ જણાવ્યું હતું કે "ગુજરાતમાં ફિક્કીમાં સેવા આપવી તથા તેને મજબૂત બનાવવી એક ગૌરવની વાત છે ઉપરાંત જવાબદારી પણ છે. અત્યારે સમગ્ર વિશ્વ કુતુહલ નજરે ભારત તરફ જોઈ રહ્યું છે ત્યારે આર્થિક પાવરહાઉસ હોવાના નાતે ગુજરાત, ભારતના વિકાસને વધુ આગળ લઈ જવામાં મોટી ભૂમિકા ભજવશે. સંપત્તિ સર્જકો, ખાસ કરીને યુવા ઉદ્યોગ સાહસિકોને મદદ પૂરી પાડવાનો મારો પ્રયાસ રહેશે.
કોણ છે રાજીવ ગાંધી?
11 જુલાઈ, 1962ના રોજ જન્મેલા રાજીવ ગાંધી પહેલી પેઢીના ઉદ્યોગ સાહસિક છે. બોમ્બે યુનિવર્સિટીથી બી.કોમ. ગ્રેજ્યુએટ થયેલા રાજીવ ગાંધીએ એનિમલ હેલ્થ પ્રોડક્ટ્સના વિતરણ માટે મુંબઈમાં 1985માં પ્રોપરાઈટર ટ્રેડિંગ કંપની શરૂ કરી હતી જેમાં તેમને એનિમલ હેલ્થ બિઝનેસમાં કોઈ અનુભવ કે જાણકારી નહોતી. બાદમાં તેમણે પ્રોપરાઈટરી બિઝનેસને અમદાવાદમાં હેસ્ટર બાયોસાયન્સિસના નામ હેઠળ એશિયાની એક જ સ્થળે આવેલી સૌથી મોટી એનિમલ વેક્સિન અને હેલ્થ પ્રોડક્ટ્સ ઉત્પાદક કંપની બનાવી. હાલ હેસ્ટર 500 કર્મચારીઓ કાર્યરત છે.
પશુ પાલન અને ડેરી ક્ષેત્રની નેશનલ એડવાઈઝરીમાં પણ સભ્ય
રાજીવ ગાંધી ભારત સરકાર દ્વારા પશુપાલન અને ડેરી ક્ષેત્ર માટે રચાયેલી નેશનલ એડવાઈઝરી કમિટીમાં સભ્ય પણ છે. વર્ષ 2016માં તેમને અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA) દ્વારા આઉટસ્ટેન્ડિંગ આંત્રપ્રિન્યોર ઓફ ધ યરનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત તેઓ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન (એએમએ)ની ગવર્નિંગ કાઉંસિલ, ચીમનભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદ, કામધેનુ યુનિવર્સિટી, ગાંધીનગર,સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી સુરત ખાતે સભ્ય પણ છે. રાજીવ ભારતીય સંસ્કૃતિના પ્રખર સમર્થક છે. તેઓ ઈતિહાસ તથા રાજકારણના વિષયો પર ચર્ચા કરવાનું પસંદ કરે છે.તેમના મતે એક નેતાની ભૂમિકા માત્ર અનુયાયીઓની સંખ્યા વધારવા પૂરતી જ નહીં પણ વધુને વધુ નેતાઓ ઊભા કરવાની છે.
સદીઓથી ગુજરાત વેપાર વાણિજ્ય માટે જાણીતું છે. દેશ દુનિયામાં ગુજરાતીની ઓળખ એક વેપારી પ્રજા તરીકે થાય છે. સમય જતા ગુજરાત વેપારમાં એ ભૂમિકામાં આવ્યું કે આજે ગુજરાત મોડેલ વેપાર ધંધામાં પણ અવ્વલ છે. ફિક્કી જેવી વેપારી સંસ્થાના પ્રયાસોથી બિઝનેસને વધુ વેગ મળે છે અને નવી પેઢીના ઉદ્યોગ સાહસિકોને વેગ અને માર્ગદર્શન મળતા રહે છે.
Published by:Sahil Vaniya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર