લૉકડાઉનની વચ્ચે નાણા મંત્રીની જાહેરાત, સરકાર ગરીબોને 1.70 લાખ કરોડની મદદ કરશે

લૉકડાઉનની વચ્ચે નાણા મંત્રીની જાહેરાત, સરકાર ગરીબોને 1.70 લાખ કરોડની મદદ કરશે
નાણા મંત્રી નિર્મલા સીતારમણ (Photo PTI)

ગરીબ કલ્યાણ યોજના હેઠળ ગરીબોને 1.70 લાખ કરોડ રૂપિયાની મદદ કરવામાં આવશે

 • Share this:
  નવી દિલ્હીઃ કોરોના વાયરસ (Coronavirus)ના કારણે દેશમાં 21 દિવસનું લૉકડાઉન (Lockdown) છે. આ લૉકડાઉનના કારણે દેશની ઇકોનોમી (Indian Economy)ને મોટું નુકસાન થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ દરમિયાન સરકાર (Modi Government) તરફથી નાણા મંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman)એ જાહેરાત કરતાં કહ્યું કે છે સરકાર ગરીબોને 1.70 લાખ કરોડની મદદ કરશે. તેઓએ જણાવ્યું કે, ગરીબ કલ્યાણ યોજના હેઠળ ગરીબોને 1.70 લાખ કરોડ રૂપિયાની મદદ કરવામાં આવશે.

  નાણા મંત્રી નિર્મલા સીતારમણે કોરોના વાયરસથી પ્રભાવિત છૂટક મજૂરી કરનારા અને ગરીબો માટે 1.70 લાખ કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ હેઠળ ગરીબોને કૅશ ટ્રાન્સફર કરવામાં આવશે. આ ઉપરાંત કોરોના વાયરસથી લડનારાઓ માટે 50 લાખ રૂપિયાનું ઇન્સ્યોરન્સ કવર આપવાની જાહેરાત કરી છે. આ યોજનાથી 20 લાખ કર્મચારીઓને ફાયદો થશે.  પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના

  નાણા મંત્રીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ 80 કરોડ લોકોને સસ્તા દરે અનાજ મળશે. સરકારે કહ્યું કે કોરોના વાયરસના કારણે કોઈ પણ ગરીબ ભોજનને લઈ ચિંતા ન કરે. ગરીબ લોકોને 5 કિલોગ્રામ વધારાનું અનાજ 3 મહિના મફતમાં મળશે. તેમને એક કિલો દાળ પણ મફતમાં મળશે. ઘઉં, ચોખાની સાથે દાળ પણ ગરીબોને મળશે.

  8.69 કરોડ ખેડૂતોને મળશે 2 હજાર રૂપિયા

  પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને એપ્રિલના પહેલા જ સપ્તાહમાં પહેલો હપ્તો ટ્રાન્સફર કરી દેવામાં આવશે.

  મનરેગા મજૂરોનો પગાર વધ્યો

  મનરગા હેઠળ કામ કરનારા લોકોનો પગાર વધારવામાં આવ્યો છે. મજૂરોની રોજની મજૂરી વધારીને 200 રૂપિયા કરી દેવામાં આવ્યો છે.

  આ પણ વાંચો, નોટોથી ફેલાઈ શકે છે કોરોના! સરકારની સલાહ, લોકો ડિજિટલ લેવડ-દેવડ કરે

  3 કરોડ વરિષ્ઠ નાગરિકો, વિધવાઓને સહાયતા

  વરિષ્ઠ નાગરિકો, વિધવાઓને એક હજાર રૂપિયા વધુ મળશે. આ રકમને બે હપ્તામાં આપવામાં આવશે. તેનાથી 3 કરોડ વરિષ્ઠ નાગરિકો, વિધવા અને દિવ્યાંગોને ફાયદો થશે. આ તમામ પૈસા ડીબીટીના માધ્યમથી તેમના ખાતામાં જમા થશે.

  20 કરોડ જનધન મહિલાઓને મહિને વધારાના 500 રૂપિયા મળશે

  પ્રધાનમંત્રી જનધન ખાતેદાર મહિલાઓના ખાતામાં દર મહિને વધારાના 500 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે. તેનાથી 20 કરોડ જનધન મહિલાઓને ફાયદો થશે. આ ડીબીટીના માધ્યમથી ટ્રાન્સફર થશે.

  આગામી ત્રણ મહિના સુધી EPF સરકાર ભરશે

  સરકાર પીએમ ગરીબ કલ્યાણ યોજના હેઠળ ઈપીએફ કન્ટ્રીબ્યૂશનની ચૂકવણી કરશે. નાણા મંત્રીએ કહ્યું કે, સરકાર પીએફ કન્ટ્રીબ્યૂશન કંપનીના 12 ટકા અને કર્મચારીના 12 ટકા એટલે કે 24 ટકા સરકાર ભરશે. આગામી ત્રણ મહિના સુધી EPF સરકાર ભરશે. 100 કર્મચારીઓવાળી કંપનીને તેનો ફાયદો મળશે. 15 હજાર રૂપિયાથી ઓછા પગાર મેળવનરા કર્મચારીઓને ફાયદો થશે. 4 લાખથી વધુ સંસ્થાઓ અને 80 લાખથી વધુ લોકોને તેનો લાભ મળશે.

  PFની રકમ ઉપાડવાની શરતોમાં છૂટ અપાશે

  આ ઉપરાંત સરકારે પીએફ રકમ ઉપાડવાની શરતોમાં છૂટ આપવાની જાહેરાત કરી છે. નાણા મંત્રીએ કહ્યું કે, કર્મચારી 3 મહિનાનો પગાર કે 75 ટકા રકમ, પોતાના પીએફ ખાતામાંથી ઉપાડી શકશે. તેનાથી 4.8 કરોડ લોકોને ફાયદો થશે.

  આ પણ વાંચો, કોરોના સંકટ વચ્ચે SBIએ કરી મોટી જાહેરાત, ઘરે બેઠા હવે ફોન પર મળશે આ જરૂરી સુવિધાઓ
  Published by:News18 Gujarati
  First published:March 26, 2020, 13:35 pm