ટૂંક સમયમાં પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થઈ શકે છે રૂ. 4થી 5નો ઘટાડો

News18 Gujarati
Updated: May 31, 2018, 10:30 AM IST
ટૂંક સમયમાં પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થઈ શકે છે રૂ. 4થી 5નો ઘટાડો

  • Share this:
પેટ્રોલ-ડીઝલની કિંમતમાં સતત ભાવ વધારાને કારણે ટીકાનો સામનો કરી રહેલી કેન્દ્ર સરકાર બહુ ઝડપથી ઇંધણની કિંમતમાં રૂ. 4થી 5નો ઘટાડો કરી શકે છે. આ માટે સરકારે એક પ્લાન તૈયાર કર્યો છે, જેની ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવી શકે છે. સરકાર પેટ્રોલ પર એક્સાઇઝ ડ્યૂટીમાં ઘટાડો કરવાનું વિચારી રહી છે, તેમજ સાથે જ અલગ અલગ રાજ્યોને ઇંધણ પર વેટનો ઘટાડો કરવાની પણ વિનંતી કરી શકે છે. સાથે જ સરકાર ઓઇલ માર્કેટિંગ કંપનીઓને તેમનું કમિશન ઓછું કરવાનું પણ કહી શકે છે.

હિન્દુસ્તાન ટાઇમ્સ પ્રમાણે મોદી સરકારના એક ઉચ્ચ અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું હતું કે, "કેન્દ્ર સરકાર પેટ્રોલ-ડીઝલના સતત વધી રહેલા ભાવને લઈને ચિંતિત છે, તેમજ બહુ જ ઝડપથી ભાવમાં ઘટાડાની જાહેરાત કરવામાં આવી શકે છે. પરંતુ ઓઇલ કંપનીઓ અને રાજ્ય સરકારો પણ પોતાની ફરજ નિભાવે તે જરૂરી છે." અધિકારિએ વધુમાં જણાવ્યું હતું કે ફક્ત કેન્દ્ર સરકાર જ ભાવ ઘટાડાનો બોજ સહન કરે તે યોગ્ય નથી.

કેરળની ડાબેરી સરકારે પહેલી જૂનથી પેટ્રોલ ડીઝલની કિંમતમાં રૂ. 1નો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. કેરળની સરકાર ઇંધણ પર સેલ્સ ટેક્સ ઓછો કરીને ભાવ ઘટાડો કરશે.

નોંધનીય છે કે છેલ્લા 16 દિવસથી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં દરરોજ વધારો નોંધાયો હતો. છેલ્લા બે દિવસથી તેમાં આંશિક ઘટાડો નોંધાયા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રુડ ઓઇલના ભાવમાં વધારાને કારણે પેટ્રોલ-ડીઝલની કિંમત વધી રહી હોવાનો ઓઇલ કંપની દાવો કરી રહી છે.

2016-17ના વર્ષમાં ક્રુડના એક બેરલની સરેરાશ પડતર કિંમત 47.56 ડોલર હતી. વર્ષ 2017-18માં તે વધીને 56.43 ડોલર પ્રતિ બેરલ થઈ છે. માર્ચમાં આ કિંમત 63.80 ડોલર, અને એપ્રિલમાં 69.30 ડોલર સુધી પહોંચી હતી. હાલમાં ક્રુડ 75 ડોલર પ્રતિ બેરલની કિંમત ખરીદવામાં આવી રહ્યું છે.
First published: May 31, 2018, 10:30 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading