Home /News /business /Forbes List: દુનિયાના 13મા સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી, જેફ બેઝોસ નંબર-1

Forbes List: દુનિયાના 13મા સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી, જેફ બેઝોસ નંબર-1

દુનિયાના 13મા સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી

ફોર્બ્સ દ્વારા દુનિયાના સૌથી ધનિક લોકોની યાદી જાહેર કરવામાં આવી છે, આ યાદીમાં મુકેશ અંબાણી 13મા સ્થાને છે

ન્યૂઝ18 ગુજરાતી: ફોર્બ્સ દ્વારા દુનિયાના સૌથી ધનિક લોકોની યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં મુકેશ અંબાણી 13મા સ્થાને, જ્યારે એમેઝોનના જેફ બેઝોસ પહેલાં સ્થાને છે. વાત કરીએ એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની તો તેમણે 6 આંકડાની છલાંગ મારી છે અને 13મા સ્થાને પહોંચી ગયા છે. જ્યારે બીજા સ્થાને બિલ ગેટ્સ અને ત્રીજા સ્થાને વોરન બફેટ છે.

બેઝોસની સંપત્તિ ગયા વર્ષે 19 અબજ ડોલર હતી, જે વધીને 131 અબજ ડોલર થઇ છે. મુકેશ અંબાણી (61 વર્ષ)ની સંપત્તિ 2018માં 40.1 અબજ ડોલર હતી, જે વધીને 50 અબજ ડોલર થઇ છે. ગયા વર્ષે મુકેશ અંબાણી 19મા સ્થાને હતા. ઉપરાંત તેમના ભાઇ અનિલ અંબાણી આ યાદીમાં 1349માં સ્થાને છે.

આ પહેલાં 2017માં ફોર્બ્સની યાદીમાં મુકેશ અંબાણી 33મા સ્થાને હતા. ફોર્બ્સની યાદીમાં સામેલ ભારતના 106 અબજપતિઓમાં મુકેશ અંબાણી સૌથી આગળ છે. વિપ્રોના ચેરમેન અઝીમ પ્રેમજી 22.6 અબજ ડોલરની સંપત્તિ સાથે આ યાદીમાં 36માં સ્થાને છે. જ્યારે એચસીએલના સહ-સંસ્થાપક શિવ નાડર 82મા અને આર્સેલર મિત્તલના ચેરમેન અને સીઇઓ લક્ષ્મી મિત્તલ 91મા સ્થાને છે. આ બધા દુનિયાના 100 સૌથી ધનિક અબજપતિઓમાં સામેલ છે.

વૈશ્વિક અરબપતિઓની યાદીમાં ભારતના આદિત્ય બિરલા સમૂહના અધ્યક્ષ કુમાર મંગલમ બિરલા (122મા સ્થાન), અદાણી ગ્રુપના અધ્યક્ષ અને સંસ્થાપક ગૌતમ અદાણી (167મા સ્થાન), ભારતી એરટેલના પ્રમુખ સુનીલ મિત્તલ (244મા સ્થાન), પતંજલિ આયુર્વેદના સહ-સંસ્થાપક આચાર્ય બાળકૃષ્ણ (365), પીરામલ એન્ટરપ્રાઇઝના અધ્યક્ષ અજય પીરામલ (436), બાયોકોનના સંસ્થાપક કિરણ મજૂમદાર-શો (617), ઇન્ફોસિસના સહ-સંસ્થાપક એન આર નારાયણમૂર્તિ (962) અને આરકોમના ચેરમેન અનિલ અંબાણી (1349મા સ્થાન) સામેલ છે.

યાદીમાં ફેસબુકના સંસ્થાપક માર્ક ઝુકરબર્ગ ત્રણ સ્થાન પાછળ ખસ્યા છે. જ્યારે ન્યૂયોર્કના પૂર્વ મેયર માઇકલ બ્લુમબર્ગ બે સ્થાન આગળ આવ્યા છે. પત્રિકાએ કહ્યું કે, બિલ ગેટ્સની સંપત્તિ ગયા વર્ષે 90 અબજ ડોલરથી વધીને 96.5 અબજ ડોલર થઇ છે. ફોર્બ્સે કહ્યું કે, મુકેશ અંબાણી સૌથી ધનિક ભારતીય છે અને પત્રિકાની વર્ષ 2018ની શક્તિશાળી લોકોની યાદીમાં તે 32માં સ્થાને છે. તેમને 2017માં 'ગ્લોબલ ગેમ ચેન્જર'નો દરજ્જો આપવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: 2019માં તમારી સેલરીમાં થશે આટલો વધારો, જાણો કેટલા ટકા મળશે ગ્રોથ

ફ્રાન્સીસી લક્ઝરી માલ કંપની એલવીએમએચના સીઇઓ બર્નાર્ડ એરનોલ્ટ વૈશ્વિક યાદીમાં ચોથા સ્થાને છે. જ્યારે ઝુકરબર્ગ પાંચમા સ્થાનથી ખસીને આઠમા સ્થાને પહોંચી ગયા છે. પત્રિકાનું કહેવું છે કે, આ યાદી આઠ ફેબ્રુઆરીની કંપનીની શેર કિંમતને આધારે નક્કી કરવામાં આવી છે.

ફોર્બ્સની 33મી વાર્ષિક રેંકિંગ યાગીમાં 2,153 અબજપતિઓના નામ છે. જ્યારે 2018માં 2,208 લોકોના નામ હતા. આ વર્ષના અબજપતિઓની કુલ સંપત્તિ 8,700 અબજ ડોલર છે, જ્યારે 2018માં તેમની કુલ સંપત્તિ 9,100 અબજ ડોલર હતી.

ડિસ્ક્લેમર: ન્યૂઝ18 ગુજરાતી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની કંપની નેટવર્ક18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનો ભાગ છે. નેટવર્ક18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડની માલિકી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પાસે જ છે.
First published:

Tags: Forbes list, Jeff Bezos, પ્રથમ, મુકેશ અંબાણી