Fino Payments Bank IPO: ફિનો પેમેન્ટ્સ બેંકનો આઈપીઓ ખુલ્યો, શું તમારે રોકાણ કરવું જોઈએ?

ફિનો પેમેન્ટ્સ બેંક

Fino Payments Bankનો IPO આજે ખુલ્યો છે, જે બીજી નવેમ્બરના રોજ બંધ થશે. કંપનીની યોજના આઈપીઓ મારફતે 1200 કરોડ રૂપિયા એકઠા કરવાની છે.

  • Share this:
    મુંબઈ: Fino Payments Bank IPO: ફિનટેક પેમેન્ટ કંપની Fino Payments Bankનો IPO આજે એટલે કે 29 ઓક્ટોબરના રોજ ખુલી રહ્યો છે. આ આઈપીઓ (Fino Payments Bank IPO) બીજી નવેમ્બરના રોજ બંધ થશે. કંપની ઇશ્યૂ મારફતે 1200 કરોડ રૂપિયા એકઠા કરવાની યોજના ધરાવે છે. આ આઈપીઓમાં 300 કરોડ રૂપિયાનો ફ્રેશ ઇશ્યૂ (Fresh Issue) છે, જ્યારે 900.29 કરોડ રૂપિયાના શેર ઑફર ફૉર સેલ (Offer for sale)થી વેચવામાં આવશે. કંપનીના પ્રમોટર્સ ઑફર ફૉર સેલથી 1,56,02,999 શેર વેચશે.

    કેટલું રોકાણ કરવું પડશે?

    ફિનો પેમેન્ટ્સ બેંકે રોકાણકારો માટે મિનિમમ 25 શેરની બિડ નક્કી કરી છે. શેરની પ્રાઇસ બેન્ડ 560-577 રૂપિયા છે. એટલે કે અપર પ્રાઇસ બેન્ડ પ્રમાણે કોઈ રોકાણકારો ઓછામાં ઓછા 14,425 રૂપિયાનું રોકાણ કરવું પડશે. કોઈ એક રોકાણકાર મહત્તમ 13 લોટ માટે અરજી કરી શકે છે, એટલે કે વધુમાં વધુ 1,87,525 રૂપિયાની બીડ કરી શકાય છે.

    બ્રોકરેજ પેઢીઓનું માનવું છે કે કંપનીના અસેટ લાઇટ મૉડલ અને લૉંગ ટર્મ ગ્રોથની સંભાવના જોઈને પણ તેનું હાઇ વેલ્યૂએશન રોકાણકારોની પરેશાની વધારી શકે છે. આ જ કારણ છે કે બ્રોકરેજ હાઉસિસ આ આઈપીઓમાં સાવધાનીપૂર્વક રોકાણ કરવાની સલાહ આપી રહ્યા છે.

    બ્રોકરેજ હાઉસોએ શું કહ્યું?

    Marwadi Shares and Financeના જણાવ્યા પ્રમાણે કંપનીની ઇશ્યૂ કિંમત 560-577રૂપિયા છે. આ પ્રમાણે લિસ્ટિંગ પછી કંપનીના શેરની પ્રાઇસ ટૂ બુક વેલ્યૂ 10.58 અને માર્કેટ કેપ 4,8015 કરોડ રૂપિયા છે.

    બ્રોકરેજ હાઉસે આ આઈપીઓને ભરવાની સલાહ આપતા કહ્યુ છે કે, "કંપનીનું બિઝનેસ મૉડલ ખૂબ સારું છે અને તેમે બહુ વધારે અસેટ્સની જરૂર પણ નથી. આ ઉપરાંત કંપનીને ચલાવવા માટેનો અનુભવ અને કામના બહોળા અનુભવને પગલે રોકાણકારોને આ આઈપીઓ ભરવાની સલાહ આપવામાં આવે છે. કંપનીનું યૂનિક DTP ફ્રેમવર્ક છે, જેનાથી તે ખૂબ સારી રીતે માર્કેટને ટાર્ગેટ કરી શકે છે."

    આ પણ વાંચો: Paytm IPO: 8મી નવેમ્બરના રોજ ખુલશે Paytmનો આઈપીઓ, ઇશ્યૂ સાઇઝ હશે 18,300 કરોડ રૂપિયા

    રિલાયન્સ સિક્યોરિટીઝે જણાવ્યું કે Fino Payments Bankની અનેક પ્રતિસ્પર્ધી કંપની છે. બેંકની 95% આવક ફી અને કમિશનથી થાય છે. કંપનીનો ગ્રોથ દેશમાં ડિજિટલ વ્યાપ વધવા પર નિર્ભર છે.

    કોના માટે કેટલો હિસ્સો અનામત?

    Fino Paymentsના આઈપીઓનો 10% હિસ્સો રિટેલ રોકાણકારો માટે અનામત રખાયો છે. જ્યારે QIB માટે 75%, NII માટે 15% હિસ્સો અનામત રખાયો છે. કંપનીઓ પોતાના કર્મચારીઓ માટે 3 કરોડ શેર અનામત રાખ્યા છે.

    એન્કર ઇન્વેસ્ટર્સ પાસેથી મેળવ્યા 539 કરોડ રૂપિયા

    ઇશ્યૂ ખુલવાના એક દિવસ પહેલા કંપનીએ એન્કર ઇન્વેસ્ટર્સ પાસેથી 538.78 કરોડ રૂપિયા એકઠા કરી લીધા છે. કંપનીનો ઇશ્યૂ બીજી નવેમ્બરના રોજ બંધ થશે. કંપનીએ જણાવ્યું કે, 577 રૂપિયા પ્રતિ શેરના હિસાબે એન્કર ઇન્વેસ્ટર્સને 93,37,641 ઇક્વિટી શેર જાહેર કર્યા છે અને 539 કરોડ રૂપિયા એકઠા કર્યાં છે.

    આ પણ વાંચો: Policybazaar IPO: 1 નવેમ્બરના રોજ ખુલશે Policybazaarનો આઈપીઓ, પ્રાઇસ બેન્ડ રૂ. 940-980 નક્કી

    કોણે કોણ રોકાણ કર્યું?

    કંપનીના ઇશ્યૂમાં રોકાણ કરનાર એન્કર ઇન્વેસ્ટર્સમાં પાઇનબ્રિજ ગ્લોબલ ફંડ્સ, HSBC, ઇન્વેસ્ક ટ્રસ્ટી, ITPL ઇનવેસ્કો, મૈથ્યૂઝ એશિયા સ્મૉલ ફાઇનાન્સ કંપનીઝ ફંડ, ફેડેલિટી ફંડ્સ, સોસાયટે જેનરાલી અને સેગનાતી ઇન્ડિયા મૉરેશિયસ સામેલ છે. આ ઉપરાંત અન્ય એન્કર રોકાણકારો પણ છે. જેમાં BNP પારિબા, TATA MF, SBI લાઇફ ઇન્શ્યોરન્સ, મોતીલાલ ઓસવાલ MF અને આદિત્ય બિરલા સનલાઇફ ટ્રસ્ટી સામેલ છે.
    Published by:Vinod Zankhaliya
    First published: