નવી દિલ્હી : 1 એપ્રિલથી ટોલ ટેક્સ (Toll tax) માં વધારાનો માર સહન કરી રહેલા વાહનચાલકોને ટૂંક સમયમાં મોંઘા ટોલમાંથી મુક્તિ મળવાની આશા વધી છે. સરકાર ફાસ્ટેગ (FASTag) સિસ્ટમ નાબૂદ કરીને ટોલ વસૂલાતની નવી સિસ્ટમ (new Toll tax) લાવવાની તૈયારી કરી રહી છે. આ હેઠળ, તમારી કાર નેશનલ હાઈવે (Highway) અને એક્સપ્રેસ વે પર જેટલા કિલોમીટર દોડશે તેના માટે તમારે સમાન ટોલ ચૂકવવો પડશે.
જર્મની અને રશિયા જેવા યુરોપિયન દેશોમાં આ સિસ્ટમ દ્વારા ટોલ વસૂલવામાં આવે છે. આ દેશોમાં આ સિસ્ટમની સફળતાને કારણે ભારતમાં પણ તેને લાગુ કરવાની તૈયારી ચાલી રહી છે. જો આ પદ્ધતિ સફળ નીવડશે તો ભવિષ્યમાં હાઇવે - એક્સપ્રેસ વે પર જેટલા કિલોમીટર સફર કરશો તેટલો જ ટેક્સ કપાશે.
વાહનોમાં લાગશે સેટેલાઈટ નેવિગેશન સિસ્ટમ
હાલમાં એક ટોલથી બીજા ટોલના અંતરની સમગ્ર રકમ વાહનો પાસેથી વસૂલવામાં આવે છે. ભલે તમે ત્યાં ન જઈ રહ્યા હોવ અને તમારી યાત્રા અધવચ્ચે ક્યાંક પૂર્ણ થઈ રહી હોય, પરંતુ ટોલ સંપૂર્ણ ચૂકવવો પડે છે. હવે કેન્દ્ર સરકાર સેટેલાઇટ નેવિગેશન સિસ્ટમથી ટોલ ટેક્સ વસૂલવા જઈ રહી છે. તેનો પાયલોટ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. આ સિસ્ટમમાં હાઇવે પર વાહન જેટલા કિલોમીટર મુસાફરી કરે છે તેના આધારે ટોલ ચૂકવવો પડે છે.
જર્મનીમાં લગભગ તમામ વાહનો (98.8 ટકા) માં સેટેલાઇટ નેવિગેશન સિસ્ટમ્સ ઇન્સ્ટોલ કરેલી છે. વાહન ટોલ રોડ પર પ્રવેશતાની સાથે જ ટેક્સની ગણતરી શરૂ થાય છે. વાહન ટોલ વગર હાઈવે પરથી રોડ પર જાય કે તરત જ તે કિલોમીટરનો ટોલ ખાતામાંથી કપાઈ જાય છે. ટોલ કાપવાની સિસ્ટમ ફાસ્ટેગ (FASTag) જેવી જ છે. હાલમાં ભારતમાં 97 ટકા વાહનો પર ફાસ્ટેગ દ્વારા ટોલ વસૂલવામાં આવે છે.
નવી સિસ્ટમ લાગુ કરતાં પહેલાં ટ્રાન્સપોર્ટ પોલિસીમાં પણ ફેરફાર કરવો જરૂરી છે. નિષ્ણાતો આ માટે જરૂરી મુદ્દાઓ તૈયાર કરી રહ્યા છે. પાયલોટ પ્રોજેક્ટમાં દેશભરમાં 1.37 લાખ વાહનોને આવરી લેવામાં આવ્યા છે. રશિયા અને દક્ષિણ કોરિયાના નિષ્ણાતો દ્વારા એક સ્ટડી રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ રિપોર્ટ આગામી થોડા અઠવાડિયામાં જાહેર થઈ શકે છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર