કોન્ટ્રાક્ટ ફાર્મિંગ પર રિલાયન્સની સ્પષ્ટતા બાદ ગુજરાતના ખેડૂતોએ કહ્યુ- 'દિલ્હીમાં ખેડૂતો આંદોલન સમેટીને ઘરે પરત ફરે'

ગુજરાતના ખેડૂતોની પ્રતિક્રિયા.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે કે કંપનીની કોન્ટ્રાક્ટ ફાર્મિંગની કોઈ યોજના નથી. આ ઉપરાંત આ હેતુ માટે કંપનીએ કોઈ જમીન ખરીદી નથી, ભવિષ્યમાં પણ કંપનીની આવી કોઈ યોજના નથી.

 • Share this:
  અમદાવાદ: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (Reliance Industries) તરફથી આજે નવી દિલ્હી ખાતે ખેડૂતોના ચાલી રહેલા વિરોધ પ્રદર્શન (Farmers protest) મામલે સ્પષ્ટતા કરવામાં આવી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે કે કંપનીની કોન્ટ્રાક્ટ ફાર્મિંગની કોઈ યોજના નથી. આ ઉપરાંત આ હેતુ માટે કંપનીએ કોઈ જમીન ખરીદી નથી, ભવિષ્યમાં પણ કંપનીની આવી કોઈ યોજના નથી. કંપનીની આવી સ્પષ્ટતા બાદ આ મામલે ગુજરાતના ખેડૂતો અને ખેડૂત આગેવાનોએ પ્રતિક્રિયા આપતા નવી દિલ્હી ખાતે આંદોલન કરી રહેલા ખેડૂતોને ઝડપથી પોતાનું આંદોલન સમાપ્ત કરીને ઘરે પરત ફરવાની અપીલ કરી છે.

  ન્યૂઝ18 ગુજરાતી સાથે વાતચીત કરતા મનીષ પટેલ નામના ખેડૂતે જણાવ્યું હતું કે, રિલાયન્સ તરફથી જે સ્પષ્ટતા કરવામાં આવી છે તે બાદ હું ખેડૂતોને અપીલ કરું છું તેઓ ઝડપથી આંદોલન સમેટીને પોતાના કામધંધે પરત ફરે. આ મામલે સરકારે પણ હવે ધ્યાન આપીને આ મુદ્દાનું ઝડપથી સમાધાન લાવવું જોઈએ. ભરતભાઈ ગેલાણી નામના ખેડૂતે જણાવ્યું હતું કે, 39 દિવસથી કૃષિ બિલો વિરુદ્ધ આંદોલન ચાલી રહ્યું છે. જેમાં ખેડૂતોનો દાવો હતો કે મોટી કંપનીઓ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરીને ખેડૂતોને નુકસાન કરે છે. પરંતુ આજે કંપની તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે ત્યારે ખેડૂતોએ આંદોલન સમેટી લેવું જોઈએ. આ ઉપરાંત કંપનીના મોબાઈલ ટાવરોમાં તોડફોડ પણ રોકી દેવી જોઈએ.

  આ પણ વાંચો: કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં પ્રવેશ કરવાનો અમારો કોઈ ઈરાદો નથી: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ

  આ મામલે ખેડૂત આગેવાન દિલીપ સખીયાએ જણાવ્યું હતું કે, "39 દિવસથી જગતનો તાત ખેતી મૂકીને આંદોલન કરી રહ્યો છે. જેમાં એક દલીલ એવી હતી કે કંપનીઓ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરી રહી છે. હવે કંપનીએ જ્યારે સ્પષ્ટ કરી દીધું છે કે અમે ખેડૂતોને નુકસાન થાય તેવું કોઈ પણ કામ કરતા નથી ત્યારે ખેડૂતોએ તેમની વાત માનવી જોઈએ. ખેડૂતોએ સંપત્તિને પણ નુકસાન ન કરવું જોઈએ. સરકારે પણ જગતના તાતને સમજાવીને ઝડપથી ઘરે પરત મોકલવો જોઈએ."

  કોન્ટ્રાક્ટ ફાર્મિંગ સાથે અમારે કંઈ લેવા દેવા નથી: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ

  રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ તરફથી ચોથી જાન્યુઆરીના કહેવામાં આવ્યું છે કે, કોર્પોરેટ કે કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં પ્રવેશ કરવાનો કંપનીનો કોઈ ઈરાદો નથી. સાથે જ કંપનીએ એવું પણ કહ્યું છે કે કંપનીએ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ માટે કોઈ જમીનની ખરીદી કરી નથી. એટલું જ નહીં, ભવિષ્યમાં પણ જમીન ખરીદવાનો કંપનીનો કોઈ ઈરાદો નથી. RIL તરફથી એવું પણ કહેવામાં આવ્યું છે કે કંપની ખેડૂતો અને સપ્લાયર્સ પાસેથી સામાનની સીધી ખરીદી પણ કરતી નથી. કંપની ખેડૂતો પાસેથી ફક્ત મિનિમમ સપોર્ટ પ્રાઇસ (ટેકાના ભાવે) જ ખરીદી કરે છે.

  કંપની તરફથી વધુમાં કહેવામાં આવ્યું છે કે અમારો એવો આગ્રહ રહેશે કે અમારા સપ્લાયર્સ હાલની ટેકાના ભાવની વ્યવસ્થાને વળગી રહે. એટલું જ નહીં, ભવિષ્યમાં સરકાર આ માટે જે પણ વ્યવસ્થા લાગૂ કરે તેને પણ ચુસ્ત રીતે અનુસરે. રિલાયન્સ તરફથી કહેવામાં આવ્યું છે કે, કંપનીએ ક્યારેય ખેડૂતો પાસેથી ખોટો ફાયદો ઉઠાવવા માટે લાંબા સમયના કોન્ટ્રાક્ટ કર્યાં નથી અને તેમના સપ્લાયર્સ પણ નક્કી કરવામાં આવેલી કિંમત કરતા ઓછા ભાવે ખરીદી ન કરે તે સુનિશ્ચિત કરે છે. ભવિષ્યમાં પણ આવી પ્રવૃત્તિ કરવામાં આવશે નહીં.

  ટાવર્સ તોડવાની વિરુદ્ધ કોર્ટ પહોંચી રિલાયન્સ જિયો

  કૃષિ કાયદાઓની વિરુદ્ધ ચાલી રહેલા ખેડૂત આંદોલનો (Farmers Protest) દરમિયાન પંજાબથી રિલાયન્સ જિયો (Reliance Jio)ના મોબાઇલ ટાવરોમાં તોડફોડની ઘટનાઓ સામે આવી રહી છે. રિલાયન્સે જિયો ટાવર સાથે થઈ રહેલી તોડફોડને લઈને પંજાબ અને હરિયાણાની હાઈકોર્ટ (Punjab and Haryana High Court)માં એક અરજી દાખલ કરી છે. રિલાયન્સે આ મામલામાં સરકારી અધિકારીઓના હસ્તક્ષેપની માંગ કરી છે જેથી જિયોની સેવા અડચણ વગર ચાલી શકે.

  રિલાયન્સે (RIL) પોતાના નિવેદનમાં કહ્યું છે કે, પંજાબમાં જિયોના ટાવરને ઉપદ્રવીઓ દ્વારા નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. ટાવર તોડીને જિયોના કામમાં નુકસાન અને અડચણ પણ ઊભી કરવામાં આવી રહી છે. સાથોસાથ રિલાયન્સે પોતાના પ્રતિદ્વંદીઓને નિશાન પર લેતા કહ્યું કે કેટલીક કંપનીઓ ટાવરમાં તોડફોડ અને નુકસાન પહોંચાડવા માટે ઉપદ્રવીઓને જાણી જોઈને ઉશ્કેરી રહી છે. તેના કારણે અમારે ત્યાં કામ કરનારા હજારો કર્મચારીઓનું જીવન ખતરામાં પડી શકે છે.

  ડિસ્ક્લેમર: ન્યૂઝ18 ગુજરાતી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કંપની નેટવર્ક 18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનો હિસ્સો છે. નેટવર્ક 18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનું સ્વામિત્વ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પાસે છે.
  Published by:Vinod Zankhaliya
  First published: